વિરાજ રસોડામાં કંઇક ગડમથલ કરી રહેલો. [3.5 years]
ઇલાઇચી ભરેલી પ્લેટને ભૂલથી હાથ લાગ્યો ને ધબાક દઇને પ્લેટ પડી.
આખા રસોડામાં ઇલાઇચી વેરાઇ.
હું રસોડામાં ગઇ કે શું થયું? વિરાજ ટેબલ નીચે છૂપાઇ ગયેલો.
બહાર જવાનું મોડું થઇ રહેલું પણ એને આમ છૂપાયેલો જોઇને એવું તો વ્હાલ આવ્યું.
પાસે જઇને મેં એને પ્રેમથી પૂછ્યું, ‘બેટા, ભૂલથી ઢોળાઇ ગઇ?’
એણે ડરતાં ડરતાં ‘હકારમાં માથું ધુણાવ્યું’.
મેં કીધું, કશો વાંધો નંઇ, હવે બધા દાણા ભરી લે.
મમ્મી જરાય વઢી નથી જાણી, એનામાં બમણું જોશ આવી ગયું.
મને નથી આવડતું.
અચ્છા, લઢ ખાવી છે?
પ્લીઝ , હેલ્પ મી મમ્મી.
મેં થોડા દાણા વીણ્યા ને કીધું હવે તું બધી ઇલાઇચી આવી રીતે આ પ્લેટમાં પાછા ભરી લે.
અને એણે ભરી લીધી. બે-પાંચ મિનિટે આવીને મને બતાવી ગયો.
મેં કીધું, શાબાશ. તેં ભૂલ સુધારી લીધી, મને બહુ ગમ્યું. નેક્સ્ટ ટાઇમ ધ્યાન રાખજે. ઓ.કે!
મને કહે, તું આવીને જોઇ લે, બધી ભરી લીધી ને?
કેવો હરખ એનાં ચહેરા પર.
અને મારા ચહેરા પર પણ.
મને એ કેવું તો વ્હાલથી ભેટ્યો ને જાણે કહી રહેલો, હું ચોક્ક્સ ધ્યાન રાખીશ અને ભૂલ કરીશ તો પણ સુધારી લઇશ.
—-
આજે જિનાની શાળાનો પહેલો દિવસ.
એ સમયસર ઉઠી ના શકી. સમયસર તૈયાર ના થઇ શકી.
બે-ત્રણ વાર એને પ્રેમથી ટકોર કરી પણ એ એની મસ્તીમાં જ હતી.
શાળાએ મોડા પહોંચ્યા અને રજિસ્ટરમાં નામ લખવું પડ્યું.
રસ્તામાં જ એણે સૉરી ફીલ કરેલું એટલે હવે વધુ કશું કહેવા જેવું હતું જ નહિં.
મેં શાળાએ પહોંચીને માત્ર એટલું જ કીધું કે, નેક્સ્ટ ટાઇમ ધ્યાન રાખજે.
ઘેર આવીને આપણે ટાઇમ-ટેબલ બનાવશું.
રાત્રે સૂવાનું, સૂતા પહેલાં તૈયારી કરવાનું, સવારે કેટલા વાગ્યે ઉઠવું, અને કેટલા વાગ્યે ઘરેથી નીકળી જ જવું વગેરે
લીસ્ટ તું બનાવજે અને હું તારી મદદ તો કરીશ જ.
અત્યારે લીસ્ટ બનાવવા બે-ત્રણ વાર મારે આગ્રહ કરવો પડ્યો.
પણ પાછું એ એની મસ્તીમાં જ.
મેં પ્રેમથી પાસે બેસાડીને એને કીધું, પનીશમેન્ટ તો મળશે.
મને કહે, કેવી પનીશમેન્ટ?
‘I am willing to change my self, I am punctual. I value my time.’
દસ વખત આ પ્રમાણે લખવા કીધું. લખી રહી છે.
બહુ ધ્યાનથી, સુંદર અક્ષરોથી અને પૂરી નિષ્ઠાથી.
મારું કામ હતું એને સમયપાલન માટે માનસિક રીતે તૈયાર કરવી.
એને પોતાના કામ માટે જવાબદાર બનાવવી.
એણે દસ વાર લખી લીધું અને મને બતાવવા આવી.
તમે પણ એક નમૂનો જુઓ.
----
ડાયરીનું આ પાનું ૪ સપ્ટેમ્બરના રોજ લખેલું.
આજે એક મહિના પછી અનુભવથી સમજાય છે કે કેવી અસરકારક સજા હતી.
જિના રોજ સમયસર શાળાએ પહોંચી. જાતે જ એણે વારંવાર વિચાર્યું અને અમલમાં મૂકવા પૂરો પ્રયાસ કર્યો કે 'આઇ વેલ્યુ માઇ ટાઇમ'.
-----
અમારી શાળા ગાંધી વિચારસરણીને વરેલી હતી.
અપવાદ સિવાય ક્યારેય કોઇ શિક્ષકે વિદ્યાર્થી પર હાથ ઉપાડ્યો હોય અવું ધ્યાનમાં નથી. મારા માતા-પિતાએ પણ ક્યારેય મારી પર હાથ ઉપાડ્યો નથી. મને એ વાતનો ગર્વ છે.
અંગુઠા પકડાવવા, ઉઠક-બેઠક કરાવવી (કાન પકડીને), છેલ્લી બેંચ પર ઉભા રહેવાની સજા, ક્લાસની બહાર ઉભા રહેવાની સજા થતી, કોઇ હોમવર્ક બે થી ૧૦ વાર કરવાની સજા વગેરે સજા થતી.
હું મારી સાત વરસની બાળકીને આ ઉપરાંત હકારાત્મક વાક્યો ૧૦-૧૫ વાર લખવાની સજા, કોઇ પુસ્તક વાંચીને મને સમજાવવાની, કોઇ ભાવતી વસ્તુનો બે દિવસ માટે ત્યાગ, ટી.વી કે સ્ક્રીનનો બે દિવસ માટે ત્યાગ વગેરે અવનવી સજા કરું જે મનોવિજ્ઞાનની રીતે પણ ઉપયોગી થાય.
ઘરના કામમાં દરેકે મદદ કરવી એ હું દરેકની ફરજ સમજું છું એટલે ઘરમાં કામ કરવાની સજા નથી કરતી. હા પશ્ચાતાપ રુપે વધુ નવકાર ગણવાનું ચોક્કસ સૂચન કરું. કાંઇક ભૂલ થઇ જાય તો મંત્રજાપથી મન ઘડાતું હોય છે અથવા ગીલ્ટની ફીલીંગ થી મુક્ત બીજીવાર ભૂલ નહિં કરવા ઘડાતું હોય છે એવું હું માનું છું. પોતાને માફી આપવી એ બહુ જ જરુરી છે.
જ્યારે હું કોઇ માતા-પિતાને કે શિક્ષકને એમ કહેતા સાંભળું કે ‘વગર માર ખાધે કોણ મોટું થયું છે? ત્યારે મને બહુ જ પીડા અને આશ્ચર્ય થાય છે]
અપવાદ રુપે ક્યારેક આપણાથી ભૂલ થઇ જાય, ઘાંટો પડાઇ જાય, બાળક પર હાથ ઉપડી જાય તે કદાચ સમજી શકાય, પણ જો એ બધું બાળ ઉછેરમાં જરુરી છે એવી મનોવૃત્તિ હોય તો વાલી તરીકે આપણે બાળકને શું શીખવીએ છીએ?
મારા સાસુ મને હંમેશા યાદ અપાવે, પ્લીઝ તું આવેશમાં ના આવી જઇશ. શાંત થા, છોકરું છે, વગેરે શબ્દોથી એ મને શાંત કરે ત્યારે એમ થાય કે ઘરમાં સમજુ વડીલની હાજરી કેવી શીતળ છાંયા આપે.
મારામાં ધીરજ અને સમતાનો ગુણ કેળવવામાં મારા સાસુ-સસરાનો પણ એટલો જ સહકાર એમ કહેતાં મને ગર્વ થાય છે.