- અમીષા શાહ
" છોકરાઓ, જમવા બેસો. મસ્ત ગરમ ગરમ જીગલી રોટલી... "
રક્ષાબંધન નિમિત્તે આખું કુટુંબ ભેગું થયું હતું. બરાબર બાર વાગ્યે સીમાએ બૂમ પાડી. બધી ટાબરટીબર પરસાળમાં ગોઠવાઈ ગઇ. પહેલી પંગત શરૂ થઇ. ત્યાંજ સૌથી નાની ટીનીએ રાગ છેડ્યો...
"એં.. એં... મમ્મી જમાડે... "
"જા ને સીમા, અમથી છોકરીને રોવડાવે છે? "
મોટાબા એ કહ્યું અને સીમા ટીની ને જમાડવા બેઠી. બધા છોકરાઓ જમીને ઊભા થઇ ગયા, પણ ટીની તો પોતાની મસ્તી માં જ હતી. હજુ તો અડધી રોટલી માંડ ખવાઇ હતી. બીજી પંગત પુરૂષોની શરૂ થઇ. વાતોમાં ને વાતોમાં એમનુ જમવાનું પણ પૂરૂ થયુ. પણ ટીની...
"ચાલ સીમા, કેટલી વાર? "
સ્ત્રીઓની પંગત શરૂ થતા દીદીએ બૂમ પાડી. અને સીમાએ હસતાં હસતાં કહ્યું ,
"આ છેને ટીનકી, બધાને કંપની આપે. કોઇને ખોટું ન લાગવું જોઇએને! "
બધા હસી પડ્યા, અને ટીની વિચારમાં! થોડીવારે પૂછ્યું,
"પણ મમ્મા, મારી પાસે કંપની તો નોતી. તો પણ મેં બધાને આપી! ક્યાંથી આવી ? "
So cute.