- મિત્તલ પટેલ
જાતને નિતારીને સૂકવી લાગણીનાં
બારણે, હજીયે તે બારણે...
બારણે, હજીયે તે બારણે...
કુંચી વગરનું તાળું અકબંધ છે...!!
કોરાણે મુકેલ પગલૂછણિયું....
રોજ દસ્તક દીધે રાખે છે.....
સજડ "ભાવ"નાં અભાવનો....
તે સ્વભાવ હજી અકબંધ છે....!!
પ્રેયસી હોત તો પૂછી પણ લેત કે....
તાર્કિકતા ક્યાં હોય પ્રેમમાં...???
"સ્વ"પોતને એ પ્રશ્ન પૂછતાં.....
મૌનની એ પહેલીઓ અકબંધ છે..!!
શાહજહાંના મુમતાજ માટેનાં...
એ પથ્થરો નું શું થયું...???
ખડક બની ગયેલ એ...
સંભાવનાઓ અકબંધ છે...!!
"સાથે" શબ્દ સાંભળવો કેવો મીઠો લાગે?! વ્હાલો લાગે, પોતીકો લાગે. પણ "સાથે" શું હોય છે? કોણ હોય છે? ક્યાં હોય છે? કેમ હોયછે? કેટલો સમય હોય છે? કંઈ કેટલાય પ્રશ્નોનો માત્ર એક જ જવાબ હોઈ શકે. "સાથે હોવું" મહત્વનું છે, બાકી બધું ગૌણ છે.
તારા વિણવા નીકળેલાં આગિયા જેવા આપણે; સંગાથની શોધ માં જે સાથે છે સતત. તે 'સ્વયં પ્રકાશિત' 'પોત' ને જ ભૂલી જઈએ છે. જે ભીતર છે; જે ખુદમાં છે.. તે હંમેશા બીજાઓમાં શોધતાં રહીએ છીએ. ને તે શોધમાં જ પ્રવાસ પુરો થઈ જાય છે. ક્યારેય ભીતર નો પ્રવાસ કર્યો છે? ક્યારેય અંતરની યાત્રા કરી છે? ક્યારેય ખુદનાં સંદર્ભ જોડે મુલાકાત સાંધી છે? જો ખુદનું અનુસંધાન તમે બીજા બધાં વ્યક્તિઓમાં શોધતાં હોય તો તમે ખોટા સરનામે ટપાલ મોકલી રહ્યા છો. જ્યાં આત્માનું સંધાન છે.. ત્યાં સાંધા ક્યારેય હોતાં નથી. માત્ર સંધાન જ હોય છે. જે અનન્ય, અદ્વિતિય અને અલૌકિક હોય છે.
કંઈ કેટલીય સંભાવનાઓ વચ્ચે આપણે હંમેશા 'તરાપો' શોધતાં હોઇએ છીએ. ક્યાંક વહેણ થી બચવા, ક્યારેક આપની અસલામતિથી બચવા, ક્યારેક એકલતાથી બચવા. પણ તે 'તરાપો' પણ આખરે પોતે જ કશાકના આધારે ,કશાકની સપાટી પર તરતું માત્ર તરણું જ છે. માટે વહેણ સાથે વહેતા, તરતાં શીખી જઈએ.. જોડે આવી ગયેલ ડહોળાશને ખંખેરી વહેતાં શીખી જઈએ; તો આવા તરાપાની જરૂર ક્યારેય આપણને પડતી નથી.
રસ્તાનો પણ એક શિરસ્તો હોય છે. ક્યાં વળાંકે નવો વળાંક આવશે તેની તેનેય ખબર નથી હોતી. માત્ર "તે" હોય છે. "રસ્તો "હોય છે. વળાંક વાળો, વાંકોચૂકો, ઉબડખાબડ, ઢાળવાળો ,ભલે ગમે તેવો પણ "હોય " છે. તેવી જ રીતે "સંગાથ" હંમેશા સાથે જ હોય છે. ક્ષણાર્ધ સુધી, જીવીએ ત્યાં સુધી. જે અધવચ્ચે અટકી જાય, જે માંહ્યલામાં માત્ર ભાડે હોય, તે તો માત્ર "જોડે" હોય છે "સાથે" નહીં. તે ગમે ત્યારે અસહકારનું આંદોલન છેડી શકે. જ્યારે જે "સાથે" છે તે તો તૂટેલા તાંતણા ને ભેગા કરી પણ આપણી જાતને ફરીથી જોડીને ઊભી કરી દેવામાં હંમેશા નિષ્ણાત હોય; સાથે જીવી જાણે. બાકી બધા જોડે રહેતાં માત્ર જોડાં જ!
પોતાના જેવો ખુદનો કોઈ મિત્ર નથી હોતો, કોઈ પ્રેમી નથી હોતો, કે કોઈ સંગાથી નથી હોતો. જે "સ્વ"જોડે પ્રમાણિક રહી શકે છે, જે ખુદને પ્રેમ કરી શકે છે, નિઃસ્વાર્થતા થી જે ખુદને માણી શકે છે, જે ખુદની જોડે વાતો કરી શકે છે, જે ખુદને સાંભળી શકે છે, ખુદને સંભાળી શકે છે, ખુદને જીવી શકે છે - તે જ "ખુદેશ્વર" છે.