વાર્તા અંગે કેટલુંક અલપઝલપ

    -  જુગલકિશોર વ્યાસ

વાર્તા એટલે
૧) કથા. 
૨) કથા કાંઈ પાત્રો વગરની ન હોય.
૩) ને પાત્રો હોય એટલે સંવાદ પણ હોય 
૪) અને પાત્રો હોય એટલે પ્રસંગો, બનાવો પણ હોય.
૫)લેખક જ્યારે વાર્તા લખે ત્યારે એને વાર્તા દ્વારા કશુંક કહેવાનું, કશુંક સોંપવાનું, કશુંક સમજાવવાનું અર્થાત કોઈ ગુપ્ત સંદેશો વાચકને પહોંચાડવાનો હોય. 
૬) વળી વાર્તા કહેવા માટેની ભાષા,
૭) સંવાદ–વર્ણન–કથનની શૈલી વગેરે પણ વાર્તાની કક્ષા નક્કી કરવામાં મદદરુપ બને છે.
 
આ ઉપરના ફકરામાં કહ્યા મુજબ વાર્તાનાં લગભગ બધાં તત્ત્વો આવી ગયાં. 
વાર્તા કાંઈ આજકાલનું સર્જન નથી. સંસ્કૃતમાં પણ તે હતી. પંચતંત્રની વાર્તાઓ પણ હતી ને પ્રેમાનંદનાં આખ્યાનો કે શામળની વાર્તોમાંય કથા હતી જ. બાણભટ્ટની કાદંબરી સંસ્કૃતગદ્યની મહાકથા જ હતી. વાર્તાઓ ગદ્યમાં પણ હતી ને પદ્યમાં પણ હતી. આ કથાઓ સૌથી પહેલાં કદાચ નાટકરુપે હતી. 
વાર્તામાં જેમ પાત્રો હોય તેમ કથન–વર્ણન પણ હોય જ. લેખક કાંતો “ત્રીજા પુરુષ એકવચન”થી વાર્તા કહેતો હોય છે ને ક્યારેક વાર્તામાંનું કોઈ એક પાત્ર પણ વાત કહેતું હોય છે. આવે ટાણે તે પાત્ર “પ્રથમ પુરુષ એકવચન”માં વાત કહેતું હોય છે.
વાર્તા ‘કહેવા’ની હોય છે તેમ તેમાંના પ્રસંગો, પાત્રો કે વાર્તામાંનાં સ્થળો અને વાતાવરણનું ‘વર્ણન’ પણ કરવાનું હોય છે. આ રીતે કથન અને વર્ણન પણ વાર્તાનાં મુખ્ય અંગો છે. આપણે ત્યાં અંગ્રેજી સાહીત્યના આધારે નવલકથા–નવલીકા સર્જાવા માંડી પછી વર્ણન–કથન ઉપરાંત સંવાદો પણ વાર્તાના મુખ્ય ભાગ ગણાયા. સંવાદને વર્ણન–કથન કરતાંય વધુ મહત્ત્વ અપાયું. 
વાર્તા, પછી તે લાંબી નવલકથારુપે હોય કે ટુંકી નવલીકારુપે હોય પણ તેમાં પ્રસંગો પણ હોય જ. નવલકથામાં પ્રસંગો પાર વીનાના હોય પણ તેની ગુંથણી કેવી રીતે કરવામાં આવી છે તેની આવડત (કૌશલ્ય)ને આધારે ગુણવત્તા નક્કી થતી હોય છે. પાત્રો “વાચકના મનમાં કેવાં અસરકારક રીતે પ્રગટે” છે, તે બધાં “કેટલાં વાસ્તવીક” છે, તેઓના પરસ્પરના સંવાદો–વહેવારો અને કથાના વીકાસમાં આ બધાં પાત્રો “કેવો ને કેટલો ભાગ ભજવે” છે વગેરે બાબતોથી પાત્રાલેખનની સફળતા નક્કી થતી હોય છે. નવલકથા અને નવલીકામાં મુખ્ય તફાવત કથા વગેરેના વ્યાપનો હોય છે. નવલકથામાં પાત્રો, પ્રસંગો, વર્ણનો વગેરેને પ્રગટ કરવા માટે પુરતો અવકાશ હોય છે જ્યારે નવલીકામાં ઝાઝાં પાત્રો હોય તો પણ પ્રસંગો વગેરેને વ્યક્ત થવા માટે વાર્તાના નીયંત્રીત કથાવસ્તુ મુજબ મર્યાદાઓ હોય છે. ટુંકી વાર્તા કોઈ “એક કેન્દ્ર પર” રહે છે, ભલે તે લાંબી હોય. નવલકથા અનેકકેન્દ્રી હોઈ એનો વ્યાપ સ્થુળ અને સુક્ષ્મ બન્ને રીતે મોટો હોય છે. (લઘુનવલ કદમાં લઘુ લાગતી હોય તો પણ એના અનેકકેન્દ્રીપણાને કારણે એ ટુંકી વાર્તા ગણાતી નથી. )
વારતાઓમાં પછી તે મોટી હોય કે નાની પણ તેમાં કથા વહેતી હોય છે. પાત્રો હોય એટલે તેઓ કોઈ એક જગ્યાએ બેસી રહેતાં નથી. વાર્તાના પ્રસંગો (કે કેવળ એક જ પ્રસંગ) દ્વારા કશીક મુવમેન્ટ થતી હોય છે. વાર્તામાંની કથા ફ્રીજમાં સ્થીર થઈ રહેતી નથી. એ વહેતી હોય છે. “કથાતત્ત્વનો લોપ” એવી વાત એક સમયે બહુ ચર્ચાઈ હતી ! આવું શી રીતે બને ?!! કથા આગળ વધે જ નહીં તો વાર્તા બને શી રીતે ?
પરંતુ લાભશંકર ઠાકરે ક્યાંક લખ્યાનું યાદ છે તે મુજબ “શતરંજ” ફિલ્મમાં કથાતત્ત્વનો લોપ છે જેમાં સંજીવકુમાર અને સૈયદ જાફરી બન્ને પાત્રો સમગ્ર ફીલ્મમાં ચેસ રમ્યા જ કરે છે. વાર્તા જરીકેય આગળ વધતી જ નથી ! દરરોજ નવાનવા પ્રસંગો બતાવાયા છે પણ કથા તો ત્યાંની ત્યાં જ રહે છે. છેલ્લે ક્ષીતીજ પર અંગ્રેજોનું સૈન્ય પડઘમ વગાડતું વગાડતું પસાર થતું દેખાડાયું છે તેથી “સત્તાપલટો થયો” એવું સુચન મળી રહે છે એટલા પુરતી કથા આગળ વધે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *