બાળ ઉછેરમાં આ એક અગત્યનું પ્રકરણ કહી શકાય.
આપણે બધા બાળક બોલતું થાય ત્યારે બહુ હરખાઇએ, ખરેખર આનંદ-કિલ્લોલનું વાતાવરણ સર્જાય જ્યારે એ પ્રથમ વાર 'મા, બા, પાપા, દાદા' એવું બધું બોલે.
ધીમે ધીમે એનું શબ્દ ભંડોળ વધતું જાય, એની વાક્યરચના ઘડાતી જાય. અને આપણે તરત કક્કો કે એબીસીડી શીખવાડવાની ઉતાવળમાં લાગી જઇએ.
ઓહો, એને એક થી દસ આવડી ગયું? કેટલાંક બહુ ઉત્સાહી માતા-પિતા તો ગ્રહોના નામ, દેશ અને દુનિયાના નામ એવું અવનવું સરસ બાળકોને ગોખાવી દે.
ત્યારે મને સવાલ થાય કે શું ખરેખર એવી ગોખણપટ્ટી ઉપયોગી થાય?
મેં પોતે પણ મંત્રો, સુત્રો , સ્તુતિઓ વગેરે ગાવા પર , ઘરમાં વગાડવા પર વધુ જોર આપેલું અને ધીમે ધીમે હવે ચાર અને પાંચ વરસ પછી જૈન સુત્રો ગોખાવવા શરુ કર્યા જ છે અને તેઓને ચપળતાથી અવનવું શીખવું ગમતું પણ હોય છે. વિદ્યા મંત્ર, ભોજન મંત્ર, વિશ્વધર્મ પ્રાર્થના, ભજનો, સ્તવન, સ્તુતિઓ વગેરેમાં ઘણું જ્ઞાન છે જે આત્માનો સાચો ખોરાક પણ છે.
એક માતા તરીકે શરીરના ખોરાક સાથે મનનો ખોરાક , આત્માનો ખોરાક, યોગ, ધ્યાન વગેરેનો રોજનો મહાવરો મને બહુ નાનપણથી આવશ્યક લાગે છે.
જો કે એ બધું એક જાણકારી કહી શકીએ પણ એને અમલમાં મૂકવાના પગથિયા કયા? રોજનો મહાવરો? યોગમાં એને 'નિયમ' કહે છે.
પૂતળીબાઇના સૂર્યદર્શન પછી જ અન્નગ્રહણના નિયમને ગાંધીબાપુએ દ્રઢમન સાથે કેવી સરસ રીતે સાંકળ્યો છે?
બાળકોને આવા પ્રેરણાત્મક પ્રસંગો સાંભળવા બહુ જ ગમતા હોય છે.
બાળકો સારી - નરસી દરેક વાતનું અનુસરણ કરતા જ હોય છે.
તમે ઘરના વડીલ હોવ, માતા-પિતા હોવ તો બાળક સાથે ટીમ વર્ક કરીને આવી સરસ ટેવ પાડી જ શકશો.
અમે ઘરમાં સારી ટેવને સુપર પાવર એવું નામ આપ્યું છે.
આ મહિને અમે રોજ નવકારશી (વહેલા ઉઠીને ન્હાઇ-ધોઇને, ઇશ્વર સ્મરણ પછી જ (સૂર્યોદય પછી) અન્નગ્રહણ કરવું અને એક માળાનો નિયમ લીધો છે.
તમારા ઘરમાં કોણ સુપર પાવર ધરાવે છે?
કોણ દ્રઢતાપૂર્વક પોતાના નિયમને વળગી રહી શકે છે?
કોની પાસે રોજ એક નિયમને વળગી રહેવાની તાકાત છે?
નથી તો કોઇ વાંધો નંઇ, દરરોજ કેલેન્ડરમાં જે દિવસે નિયમનું પાલન થઇ શક્યું હોય, ટીક માર્ક કરવું.
જે દિવસે ના પાળી શકાયો હોય તો એ દિવસ વિશે સ્વ-અધ્યયન કરવું અને બાળકોને પણ કરાવવું.
મહિનાના અંતે દરેક સભ્યોનું ઘરમાં બહુમાન કરવું. દરેક સારી વાતને , પ્રયત્નને બિરદાવવા.
વધુ સારા બનવા માટે યોગ્ય પ્રોત્સાહન બહુ અગત્યુનું છે.
દ્રઢ મનોબળ એ અગત્યનો સુપર પાવર છે.
માત્ર એકેડેમિક નહિં પરંતુ બાળક જાતે પોતાને આત્મસ્વરુપ ઓળખી શકે એ માટે આ સુપર પાવર મને બહુ જરુરી લાગે છે.