- મૌસમી શુકલ
આધના - પાલી ભાષાનો શબ્દ છે = સફર , યાત્રા
બાળકો ના નિમિતે જીવન ના નવા નવા અર્થો અને પ્રેરણા મળતી રહે છે.
~ રવિન્દ્રનાથ ટાગોર
બાળકો સાથે જયારે સંપૂર્ણ તન્મયતા થી સમય વિતાવીને જયારે આપણે આપણી જાત ને મળીએ છીએ ત્યારે ઘણું બધું આપણી અંદર બદલાયું હોય છે , વિકસ્યું હોય છે . આખેઆખા માણસ ને માત્ર મૌન થી બદલી દેવાની શક્તિ એક બાળક પાસે હોય છે .
મને ગૅબ્રિએલા મિસ્રાલ ના શબ્દો આ શબ્દો ખૂબ સ્પર્શી ગયા છે ~
“પાર વિનાની ભૂલો આપણે કર્યા જ કરીએ છીએ, પરંતુ બાળક ની ઉપેક્ષા દ્વારા જીવન ના સ્તોત્ર ની અવગણના કરવાની ભૂલ અક્ષમ્ય છે . આપણી જરૂરિયાતો થંભી શકે પણ બાળકો ની આવશ્યકતાઓ માં ઘડીભર નો પણ વિલંબ ચાલી ન શકે. અત્યારે જ તેના હાડમાંસ ઘડાઈ રહ્યા છે, તેનું રુધિર બની રહ્યું છે, એને આપણે 'કાલ' પાર ઠેલી ન શકીએ. બાળક નું બીજું નામ 'આજ' છે .”
કેટલી બધી સાચી વાત છે !! કદાચ દરેક બાબત 'રાહ' જોઈ શકે , બાળક નું બાળપણ નહીં !! જયારે બાળક ના ૯૦ ટકા neurological connections છ વર્ષ ની ઉમર સુધીમાં રચાઈ જતા હોય ત્યારે એ સમજવું બહુ અગત્ય નું છે કે આપણાં એકે એક હાવભાવ, શબ્દ, લાગણી ની કેટલા મોટા અંશે બાળક ના દિલ- દિમાગ પર અસર થાય છે !!
દરેક બાળક ને એક ‘સંપૂર્ણ’ બાળપણ મેળવાનો અધિકાર છે. એવું હોઈ શકે કે તેને ફરવા માટે ગાડી ન મળે કે પહેરવા ઘણા બધા કપડાં ન મળે પણ તેને પ્રેમ , લાગણી , સંવેદના અને શીખવા માટે નું વાતાવરણ ન મળે તો ન જ ચાલે !
ગિજુભાઈ જેવી સંવેદના આપણે સૌએ વિકસાવવાની જરૂર છે ~
“જંપ કેમ વળે ? જ્યાં સુધી બાળકો ઘરમાં માર ખાય, શેરી માં દુર્ગંધ ખાય અને શાળા માં ગાલ ખાય , ત્યાં સુધી જંપ કેમ વળે ? જ્યાં સધી સ્થળે સ્થળે બાળકો માટે શાળા નથી , વાંચનાલય નથી , ક્રીડાંગણ નથી , બાગબગીચા નથી ત્યાં સુધી જંપ કેમ વળે ? જ્યાં સુધી એક પણ બાળક સન્માન વિનાનું છે , અસ્પૃશ્ય છે , માંદુ છે , ગંદુ છે , અવ્યવસ્થિત છે ,જંપ કેમ વળે ?”
સંશોધન થી પુરવાર થયેલું છે કે બાળક નો જયારે વિકાસ થતો હોય છે ત્યારે તેના સાત Developmental Domanins વિકસતા હોય છે – Socio-emotional, Langauge, Physical,Cognitive, Self-help- Adaptive, Creative, Spiritual- Moral. આપણે શિક્ષણ - શિક્ષક જેવા ભારેખમ શબ્દ ન વાપરીએ પણ એટલું સમજી લઇ એ કે આ બાળક ને પાટી પેન આપીને "ભણાવવાની" જરૂર નથી પણ કોઈક રીતે રમતા- રમતા આસપાસ ના વાતાવરણ માંથી તે નવી નવી બાબતો શીખી શકે તેવું વાતાવરણ રચવાની જરૂર છે ! એટલે કે આપણે સૌએ માત્ર learning opportunities રચવાની છે!!
ઉદાહરણ તરીકે ગ્રામ્ય વિસ્તાર ના બાળક માટે ખુબ સહજ બાબત હોય છે ખેતી કરવી. તો એવું ન થઇ શકે કે બાળક પોતાની નાની પોષણ વાડી બનાવે,શાકભાજી ઉગાડે ? આ આખી પ્રક્રિયા માં માટી ના પ્રકાર, પ્રકાશ સંશ્લેષણ , જૈવિક ખેતી, ટપક સિંચાઈ પદ્ધતિ જેવા વિજ્ઞાન ના મુદ્દા, ઉત્પાદન- નફો-ખોટ જેવા ગણિત ના મુદ્દા ઉપરાંત Life skills , Value educaiton પણ આપો આપ શીખાતા જાય !! માત્ર જરૂર છે આ આખી પ્રક્રિયા ને આ દ્રષ્ટિ થી જોવાની !!
ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર ના બાળકો પાસે થોડા વાર્તા ના પુસ્તકો હોય , બાળગીતો નો ખજાનો હોય , વિવિધ રમતો રમવાની , કોયડા ઉકેલવાની સગવડ હોય તો બાળક નો સર્વાંગી વિકાસ કેટલો સહજ બની જાય !! તેમાંયે, જયારે દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમ ઉપસ્થિત હોય ત્યારે બાળકો આ બધી બાબતો ખુબ આનંદ થી શીખી શકે !! કોરોના કાળ માં જયારે બાળકો ને virtually મળવું જ સંભવ છે તે સમયે E Vidyalay જેવા Innovative Solutions બાળકો ને "શીખવાની" ભાવના સાથે જોડી રાખવા માં બહુ મોટો ભાગ ભજવી શકે છે.
હું ગાંધીજી સાથે સંપૂર્ણપણે સહમત થાઉં છું કે આપણે દુનિયામાં ખરી શાંતિ મેળવવી હોય તો અને યુદ્ધ ની સામે સાચું યુદ્ધ કરવું હોય તો બાળક થી શરૂઆત કરવી પડશે. જો બાળકો કુદરતી નિર્દોષતા માં ઉછરશે તો આપણે લડવું નહીં પડે. આપણે પ્રેમ થી પ્રેમ, શાંતિ થી શાંતિ ફેલાવીશું તો જગત ના ખૂણે ખૂણે શાંતિ રહેશે.
કદાચ એક ડગલું આગળ કહી શકાય કે દુનિયા ના દરેક પ્રશ્ન નો હલ બાળકો, બાળકેળવણી અને સાચા શિક્ષણ માં છે.
તમે જયારે પ્રકાશ બનવાનો પ્રયત્ન કરો છો ત્યારે તે બીજાને પણ પ્રકાશ આપે છે.
~ જે. કૃષ્ણમૂર્તિ
પોતે પ્રકાશ બની બીજા નું જીવન ઉજળી શકવાની ક્ષમતા ધરાવતા લાખો કોડિયાં આપણી સમક્ષ આશાભરી નજરે તાકી રહ્યા છે . તેમના બાળપણ નું, તેમના સ્વપ્ન નું , તેમની લાગણી નું જતન કરીએ . આ જ એક ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જતી પગવાટ છે.