અમેરિકામાં શાળાકિય વર્ષની શરૂઆત અને અંત ઉત્તરમા અને દક્ષિણમા થોડા જુદા સમયે થાય. અમારે હ્યુસ્ટન જે દક્ષિણમાં આવેલું છે ત્યાં સ્કૂલ ઓગસ્ટમાં શરૂ થાય અને મે ના અંતમા પુરી થાય, જ્યારે ન્યુયોર્ક, બોસ્ટન વગેરે ઉત્તરના શહેરોમાં જુનમાં પુરી થાય અને સપ્ટેમ્બરમા ખુલે.
જુન મહિનો અમારા સ્પેસીઅલ નીડ બાળકો માટે ESY (Extended school year) તરીકે ઓળખાય. અવનવા અનોખા આ બાળકોની પ્રગતિ ધીમી ન પડી જાય એટલે ઘણા બાળકોને એક મહિનો વધુ સ્કૂલમાં આવવાનો લાભ મળે.
આ મહિનામાં અમને શિક્ષકોને પણ નવા બાળકો સાથે સમય વિતાવવાનો લાભ મળે, કારણ બે થી ત્રણ સ્કૂલના બાળકો એક સ્કૂલમાં ભેગા થાય.
અમેરિકામાં હું છેલ્લા સોળ વર્ષથી સ્કુલમાં શિક્ષિકા તરીકે કામ કરું છું અને તે પણ સ્પેસીઅલ નીડ બાળકો સાથે. મારા ક્લાસમાં બાળકો ત્રણ થી પાંચ વર્ષની વયના હોય અને છ વર્ષે એમની કાબેલિયત પ્રમાણે રેગ્યુલર પહેલા ધોરણમાં જાય અથવા સ્પેસીઅલનીડના ક્લાસમાં જાય જ્યાં પહેલા ધોરણથી પાંચમા ધોરણ સુધી હોય.
સોળ વર્ષમાં ઘણા બાળકો સાથે કામ કરવાનો લહાવો મળ્યો. ઘણા બાળકો તો મારી સ્કૂલમાં જ અત્યારે આગલા ધોરણોમાં છે, કોઈક સ્પેસિઅલ નીડના ક્લાસમાં તો કોઈ રેગ્યુલર ક્લાસમાં,પણ અમુક બાળકોને એમની જરૂરિયાત પ્રમાણે બીજી શાળામાં મોકલવા પડે. મારો ડેનિયલ જે બાજુના ક્લાસમાં છે અને ચોથા ધોરણમાં છે પણ રીસેસ સમયે અમારા બન્ને ક્લાસના બાળકો સાથે રમતા હોય અને ડેનિયલ હજી પણ મારી પાસે આવીને કહે “Miss Munshaw your little baby is kicking me” કે અમારી ડુલસે જે રેગ્યુલર ત્રીજા ધોરણમાં છે એ પણ રોજ સવારે બસમાં થી ઉતરતા મીઠુ હસતા મને good morning કહેવાનુ ચુકતી નથી.
આ બધા બાળકો તો મારી સ્કૂલમાં એટલે મને રોજ જોતા હોય પણ આજે મારે વાત કરવી છે મિકાઈની. ચાર વર્ષ પહેલા એ અમારા ક્લાસમાં હતો. પાંચ વર્ષની ઉંમરે પહેલી વાર સ્કૂલમાં આવ્યો. highly Autistic child, ખુબ અગ્રેસીવ.ત્યારે જ એની ઊંચાઈ સારી હતી અને ઘૂંઘરાળા વાળ. બોલે ખાસ નહિ પણ આંકડા, નંબર બહુ ગમે. દુનિયાનો નક્શો અને ગ્લોબ જો દેખાય તો તરત એના પર જુદા જુદા દેશ જોવા માંડે. એને કોમ્પ્યુટર શિખવાડ્યા પછી જાતે ટાઈપ કરી જુદા જુદા દેશને શોધવાનો પ્રયત્ન કરે અને અમારી મદદથી શોધી અને નક્શો જોયા કરે.
એની હોશિયારી અને આવડત જોઈ એને અમારી સ્કૂલના સ્પેસિઅલ નીડના પહેલા ધોરણમા મોક્લવાનુ અમને મુનાસિબ ના લાગ્યું.ત્યાં દસથી બાર બાળકો હોય અને મિકાઈનો ધાર્યો વિકાસ ના થઈ શકે. અમેરિકામાં આ બાળકો માટે ઘણી સુવિધા છે જ્યાં માનસિક વિકલાંગ બાળકોને પણ આગળ વધવા માટે જુદી જુદી શાળા હોય છે. મિકાઈ પણ એવી શાળામાં ગયો જ્યાં ક્લાસમાં ચારથી પાંચ બાળકો હોય અને બે શિક્ષક જેથી દરેક બાળકની આવડત ધ્યાનમાં રાખી એમનો અભ્યાસ ક્રમ નક્કી થાય.
આ વર્ષે જુનમાં અમારી સ્કુલમાં ત્રણ ESYના ક્લાસ હતા. બે ક્લાસ તો અમારા બાળકોના જ હતા પણ ત્રીજા ક્લાસના બાળકો બીજી સ્કૂલમાં થી આવ્યા હતા. પહેલે દિવસે જ એક બાળક ખાસો લાંબો પહોળો અને માથે લગભગ ટકલું કહી શકાય એવો, દોડીને અમારા ક્લાસમાં આવી ગયો. મને જોઈ મારી પાસે આવી મારો હાથ પંપાળવા માંડ્યો. એની ટીચર આવીને એને લઈ ગઈ પણ દિવસમાં બેત્રણ વાર એના ક્લાસમાં થી ભાગી અમારા ક્લાસમાં આવી જાય. આવું બે ત્રણ દિવસ ચાલ્યું અને ખાસ તો અમારા ક્લાસમાં અમે ત્રણ શિક્ષકો હોવા છતાં એ આવીને મને જ વહાલ કરે, મારો હાથ પંપાળે. મને પણ એને જોઈ કાંઈક પરિચીતપણાનો આભાસ થતો.
ચાર પાંચ દિવસ પછી ઓચિંતો એનો ખુલાસો થયો. બપોરના ઘરે જવાના સમયે જ્યારે સ્કુલ બસ આવી અને હું મારા બાળકોને બસમાં બેસાડવા ક્લાસની બહાર નીકળી અને મેં બાજુના ક્લાસના ટીચરની બુમ સાંભળી, “મિકાઈ જલ્દી, તારી બસ આવી ગઈ છે” અને વિજળીનો કરંટ લાગ્યો હોય એમ મારા દિમાગના દરવાજા ખુલી ગયા!
ઓહ….. આ તો મારો મિકાઈ!! ચાર વર્ષ પહેલા એ બીજી સ્કૂલમાં ગયો પણ આ સ્કૂલ અને મને ભુલ્યો નથી. મારા ક્લાસમાં બીજા નવા ટીચર આવી ગયા હતા પણ હું તો એ જ જુની અને જાણીતી હતી એને માટે. ચાર વર્ષમાં મિકાઈ ખાસો ઊંચો થઈ ગયો હતો, ચહેરો વધુ ભરાવદાર થઈ ગયો હતો પણ એનુ સ્મિત તો હજી એવું જ હતું.
મેં જ્યારે એને મિકાઈ કહી બોલાવ્યો, એનો હાથ પંપાળ્યો તો એક ચમક એની આંખમાં આવી ગઈ જાણે હાશ મને ઓળખ્યો તો ખરો!!!!
આ બાળકોને કોઈ કેવી રીતે માનસિક પછાત કહી શકે? આ મારો તારલો ભવિષ્યમાં જરૂર નીલગગનનો ચમકતો સિતારો બની પોતાની પ્રતિભા ફેલાવશે.
- શૈલા મુન્શા
ખાસ જરૂરિયાત વાળાં બાળકો માટે હ્યુસ્ટન, ટેક્સાસની શાળામાં કામ કરતાં શ્રીમતિ શૈલા બહેન મુન્શા સરસ લખે પણ છે. તેમની આવી ઘણી વધી સત્યકથાઓ નીચેની સરનામે વાંચી શકશો -
તેમના બ્લોગ પર જવા અહીં ક્લિક કરો |
તમને આ સામગ્રી અને આ બ્લોગ ગમ્યાં હોય તો તમારા મિત્રોને તેમનાં બાળકોના ઉપયોગ અને વિકાસ માટે આની જાણ કરશો ને?