દોસ્તો, તમે વાંદરા અને મગરની વાર્તા વાંચી હશે જેમાં મગર વાંદરાને ફસાવીને પાણી અંદર લઇ જઈ તેની મગરીને વાંદરાનું કાળજું ખાવાની ઈચ્છા થઇ હતી તે પૂરી કરવા ગયો પણ વાંદરો ચાલાંક હતો અને બચી ગયો હતો. આ જ વાત આગળ વધારીને હું તમને કહેવા માંગુ છું.
પેલા મગરને એક દીકરો હતો તેનું નામ હતું મકન. તે તેના મા-બાપ સાથે રહેતો હતો. એક દિવસ મકન મગર સુર્યનારાયણના તડકાની મજા લેવા નદીમાંથી બહાર નીકળી નદી કિનારે આવ્યો ત્યારે તેની નજર સામેના વડના ઝાડ પર પડી. તેણે જોયું કે ઝાડ ઉપર એક વાંદરો બેઠો હતો. વાંદરાને જોઇને તેને ઘણા વખત પર તેના બાપાએ કહેલી વાત યાદ આવી. તેના બાપાએ કહ્યું હતું કે એક વાંદરા સાથે દોસ્તી થઇ હતી અને તેને નદીમાં પોતાની પીઠ ઉપર ફેરવી મજા કરાવતો હતો. એક દિવસ મકનની માને આ વાંદરાનું કાળજું ખાવાની ઈચ્છા થઇ એટલે મગરને તેના મિત્રને ઘરે કોઈ પણ રીતે લાવવા જણાવ્યું. દોસ્ત સાથે દગો કરવાની પોતાની ઈચ્છા ન હતી પણ મગરીની જીદ આગળ તેનું કાઈ ચાલ્યું નહીં. જ્યારે તે વાંદરાને નદીમાં ડૂબકી મારી અંદર લઇ જતો હતો ત્યારે વાત વાતમાં વાંદરાને મગરીની ઈચ્છાની ખબર પડી ગઈ અને ચાલાકી કરી બચી ગયો હતો.
મકનને થયું કે તે વખતે તેની માની ઈચ્છા તેના બાપા પૂરી કરી શક્યા ન હતા પણ એક બેટા તરીકે તે જો માની ઈચ્છા પૂરી કરી શકશે તો ન કેવળ મા ખુશ થશે પણ તેના બાપાને પણ દીકરા પર ગર્વ થશે. પણ સૌ પહેલા પેલા વાંદરા સાથે દોસ્તી કરવી જરૂરી હતી એટલે મકને વાંદરાને બૂમ મારીને કહ્યું કે આ પહેલા તને જોયો ન હતો. શું તે નવો મહેમાન છે? પછી મકને તેનું નામ પૂછ્યું.
વાંદરાએ કહ્યું કે તેનું નામ ગબો છે અને તે હાલમાં જ આ ઝાડ પર રહેવા આવ્યો છે. મકને કહ્યું શું તે તેની સાથે દોસ્તી કરશે? ગબાએ મનમાં વિચાર્યું કે દોસ્તી કરવામાં શું વાંધો એટલે હા કહી.
પછી તો મકન હવે રોજ પાણી બહાર આવે અને ગબા સાથે વાતો કરે અને એમ બંને વચ્ચે દોસ્તી વધવા લાગી.
મકને પોતાના મા-બાપને આ બધું કહ્યું ત્યારે તેના બાપાએ તેને ચેતવ્યો કે વાંદરાની જાત બહુ ચાલાક હોય છે એટલે તું મારા જેવી ભૂલ ન કરતો. પણ મકનની માને હવે જુની વાત યાદ આવી એટલે તેણે મકનને ગમે તેમ કરી તેના દોસ્ત ગબાને લઇ આવવા જણાવ્યું. મકને માને આશ્વાસન આપ્યું કે તે જરૂર ગબાને લઇ આવશે પણ તેને માટે થોડો સમય લાગશે.
થોડા દિવસમાં દોસ્તીનો સંબંધ બરાબર થયો છે એટલે હવે માની ઈચ્છા પૂરી કરવાનો સમય આવી ગયો છે એમ મકનને લાગ્યું એટલે મકને ગબાને કહ્યું કે તેના મા-બાપ ગબાને મળવા માંગે છે તું મારી સાથે મારે ઘરે આવશે?. જવાબમાં ગબાએ કહ્યું કે મને પાણીની બીક લાગે છે. હું કેવી રીતે આવું? મકને કહ્યું કે તારે મારી પીઠ ઉપર બેસીને આવવાનું છે. મને બરાબર વળગી રહીશ તો તને કાંઈ નહીં થાય.
ઠીક છે મને વિચારવા દે, હું કાલે તને જણાવીશ ગબાએ કહ્યું. આ સાંભળી મકન મનમાંને મનમાં ખુશ થયો અને ઘરે જઈ માને વાત કરી કે કાલે ગબો આવશે અને તારી ઈચ્છા પૂરી થશે.
બીજે દિવસે મકન ગબાને લેવા કિનારે ગયો તો ગબો ઝાડ ઉપર બેઠેલો હતો. મકને તેને બૂમ મારી નીચે આવવા કહ્યું. ગબો નીચે આવ્યો અને કહ્યું કે હું તારી સાથે નહીં આવું. કેમ નહીં આવે તેમ મકનના પૂછવાથી ગબાએ કહ્યું કે ગઈ કાલે હું તારી વાતમાં આવી ગયો હતો પણ પછી મને મારા બાપાએ કહેલી વાત યાદ આવી કે ઘણા વખત પહેલાં તેની પણ એક મગરની સાથે દોસ્તી થઇ હતી પણ તે મગરે દગો કરી તેને નદીની અંદર લઇ જવા પ્રયત્ન કર્યો હતો. જો કે તે ચાલાકી કરી બચી ગયો હતો. ભવિષ્યમાં તેની દોસ્તી કોઈ મગર સાથે થાય તો ધ્યાન રાખજે કે દોસ્તી કરજે પણ તે દૂરથી જ નિભાવજે. ગબાએ આંગળ કહ્યું કે આ બધું જાણવા છતાં હું તારી વાત માની તારી સાથે આવું તો મારા પણ એ જ હાલ થવાના. માટે હું નહિ આવું. આમ કહી તે કૂદકો મારી ઝાડ ઉપર પાછો ચઢી ગયો અને મકન નિરાશ વદને પાણીમાં ચાલી ગયો.
જોયું દોસ્તો, તમને મોટાની વાત માનવાનું શા માટે કહેવાય છે? કારણ તેમના અનુભવ જ તમને કામ આવે છે.