એનું નામ તો ત્રિશલા હતું. જ્યારથી જન્મી ત્યારથી સાવ સુકલકડી, એટલે બધા તેને ટીનીબેન તરીકે જ બોલાવતા . ટીની ને પણ એ ગમતું . શરૂમાં મમ્મી-પપ્પા ઘરમાં ટીની ને વહાલ થી બોલાવે , ને પછી તો પાડોશ અને શાળા માં પણ ત્રિશલા નામ લગભગ કોઈને ખબર જ નહિ હોય. સૌ તેને ટીનીબેન તરીકે જ ઓળખાતા. ટીનીબેન ની એક વિશેષ લાક્ષણિકતા હતી. તેને નૃત્ય -ડાન્સ ખુબ જ પ્રિય . ચાલતા શીખ્યા તે દિવસ થી જ તેમને જાણે કુદરતી બક્ષિસ હોય તેમ ચાલે તોય લયબદ્ધ અને તાલ બદ્ઘ. તેના મમ્મી-પપ્પાને તેના આ ગુણ ની ખબર પડી; ત્યાર થી તેમની ભારતીય શાસ્ત્રીય નૃત્ય ની તાલીમ શરુ કરી દીધી અને ભરત નાટ્યમ માં તેમણૅ નાનપણ માં જ સિદ્ધિઓ હાંસલ કરવા માંડી. શાળાનો કોઈ પણ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય, ટીનીબેન તો સ્ટેજ પર હોય હોય ને હોય જ. એમના વગર નો કોઈ કાર્યક્રમ જ ન હોય.
ટીનીબેન માં નવાણું ગુણ પણ એક આદત અણગમતી. એમને દરેક વાતે જીદ્દ કરવા ની ટેવ . .ખાવા પીવા ની હોય કે પછી ખરીદી ની . એક વાર ટીનીબેન ના મન માં એક વાત આવે પછી તે પુરી કરી ને જ રહે. છોડે જ નહીં ને . બધા તેને સમજાવે કે આટલી જીદ્દ સારી નહિ. મમ્મી -પપ્પા નો રોજ કહી ને થાકે , પણ માને એ બીજા .એમાંય ખાસ કરીને ખાવા પીવા માં તો તેની ભરી જીદ. ચોકલેટ તો ચણા -મમરા ની જેમ ખાય . એવું જ ક્રીમ બિસ્કિટ અને ક્રિસ્પી કુરકુરે નું. દિવસ આખો, મન પડે ત્યારે, જયારે જુઓ ત્યારે તેમનું મોં ચાલતું જ હોય. મમ્મી જમવા બોલાવે ત્યારે બેન બા બહાના બતાવે 'ભૂખ નથી-.નથી ભાવતું 'વગેરે.
એક વાર ટીનીબેન ના શહેર માં મોટી નૃત્ય સ્પર્ધા ગોઠવાઈ . દેશભરમાંથી સ્પર્ધકો આવવા ના હતા . સ્પર્ધાનું સ્થળ પણ ટીનીબેન ની શાળા નું ભવ્ય સ્ટેજ હતું. ટીનીબેન ની શાળાએ સ્પર્ધકોની યાદી માં ટીનીબેન નું નામ પણ નોંધાવી દીધું. ટીનીબેને પણ સ્પર્ધા માટે જોરદાર પ્રેક્ટિસ શરુ કરી દીધી.બધા ને વિશ્વાસ હતો કે ટીનીબેનના વિભાગમાં તો ટીનીબેન જ વિજેતા થશે. સૌ મીટ માંડી ને બેઠા હતા .
હવે સ્પર્ધાને એક જ દિવસ બાકી હતો. બહારના સ્પર્ધકો આવવા શરુ થઇ ગયા . ટીનીબેન ની પ્રેક્ટિસ પણ ખુબ સરસ થયેલી. પ્રેક્ટિસમાં થી ટીનીબેન રાત્રે ઘેર આવ્યા ને તેણે અચાનક ચીસ પાડી . મમ્મી-પપ્પા દોડયા . "મને પેટ માં સખત દુખે છે."ટીનીબેન દબાતા અવાજે બોલ્યા . તાત્કાલિક ડોક્ટર બોલાવ્યા . તપાસ્યા . ટીનીબેન નો દુખાવો તો વધતો ચાલ્યો. દવાખાને દાખલ કરવા પડયાં. અલગ અલગ ટેસ્ટ કરાવ્યા . ડોક્ટર સાહેબે જાહેર કર્યું “. મેંદો ,ચોકલેટ અને ફાસ્ટ ફૂડ થી પેટના અવયવો નબળા પડયા છે. ઓછામાં ઓછા પાંચ દિવસ તો દવાખાના માં જ રહેવું પડશે , તો જ ઈલાજ થશે.”. સાંભળી ને ટીનીબેન ના તો મોતિયા જ મરી ગયા. તેમને સ્પર્ધા યાદ આવી -શાળાનું સ્ટેજ દેખાવા લાગ્યું. તાળીઓ ના ગડગડાટ સંભળાવા લાગ્યા. તે રડવા લાગ્યા . તેના મમ્મી -પપ્પાએ ડોક્ટર ને સમજાવવા નો પ્રયત્ન કર્યો, પણ તેમણે સ્પષ્ટ 'ના' પાડી . બીજા દિવસે શાળા સ્ટેજ પર ટીનીબેન નું નામ બોલાયું. બધાએ આશાભરી મીટ માંડી- રાહ જોઈ પણ ક્યાંથી આવે ટીનીબેન ? દવાખાના ની પથારીમાં પડયા પડયા વિચારતા હતાં કે મેં ગમે તે વસ્તુ આચર -કૂચર આડેધડ પેટ માં ન નાખ્યા હોત તો - જીદ્દ ન કરી હોત તો આ દિવસ ન આવત . મમ્મી-પપ્પા નું કહ્યું મળ્યું હોત તો આજે મળનારી મોટી તક ગુમાવી ન હોત. ટીનીબેનના પસ્તાવા નો પાર નહોતો. પણ
'અબ પછતાવે હોત ક્યાં જબ ચીડિયા ચુગ ગઈ ખેત.'
ડોક્ટરની સરસ ટ્રીટમેન્ટ મળી . ટીનીબેન ઘેર આવી ગયા . બીજે દિવસે સવારે પાડોશી શાંતાબેને ડોરબેલ મારી. ટીનીબેને દરવાજો ખોલ્યો," લે ટીની , આ ચોકલેટ . દીકરો કાલે જ અમેરિકા થી આવ્યો. ને આ બિસ્કિટ ખાસ ફોરેન ના છે.ચોક્કસ ખાજે. તને તો બહુ ભાવે છે ને ?" ટીનીબેને ઉત્તર આપ્યો , માસી ;અમારા ઘરમાં હવે કોઈ ચોકલેટ -બિસ્કિટ ખાતું નથી . પાછા લઇ જાવ . બીજા કોઈને આપી શકાશે " ટીનીબેને દરવાજો બંધ કર્યો.
સોફા માં બેઠેલા મમ્મી પપ્પા તેની સામે જોઈ હસ્યા..
બાળકોએ વિચારવા લાયક સરસ વાત.