દોસ્તો! જંગલમાં રહેતા હિંસક પશુઓમાં સિંહ, વાઘ, દીપડો, ચિત્તો, જરખ, વિગેરેના નામ આપણે જાણીએ છીએ. જેમણે સર્કસ જોયું હશે તેઓ આ પ્રાણીઓને ઓળખતાં પણ હશે. મોટા શહેરોની મુલાકાત વેળાએ સ્થાનિક પ્રાણી સંગ્રહાલયની મુલાકાત પણ લીધી હશે. પરંતુ દીપડો અને ચિત્તો, આ બંને પ્રાણીઓને ઓળખવામાં ઘણાં વિદ્યાર્થીઓ અને મોટી વ્યક્તિઓ પણ થાપ ખાઈ જતી હોય છે. આજે આપણે આ બંને પ્રાણીઓ વિષે વાત કરીએ અને ઓળખતાં શીખીએ.
દીપડો અને ચિત્તો, બંને બિલાડી કૂળમાં આવતા પ્રાણીઓ તો છે જ. પરંતુ તે બંનેમાં ઘણો જ તફાવત હોય છે. એક વાત સ્પષ્ટ કરી લઈએ કે આપણા ભારતના જંગલોમાં કુદરતી રીતે ચિત્તા જોવા મળતા નથી. ઘણાં વરસો પહેલા ચિત્તા જોવા મળતા હતા પરંતુ તેમનો શિકાર થઇ જવાને પરિણામે સંપૂર્ણપણે વિલુપ્ત થઇ ગયા છે.
આપણે બહું સહેલાઈથી ‘ચિત્તા’ એવો શબ્દ પ્રયોગ કરીએ છીએ તે પ્રાણી ખરેખર દીપડો છે. ચિત્તા માત્ર અને માત્ર આફ્રિકાના જંગલોમાં જ જોવા મળે છે. ભારતમાં ચિત્તા જેવું નજરે પડતું પ્રાણી દીપડો છે તેથી દીપડાને ચિત્તા તરીકે ઓળખાવવું ભૂલ ભરેલું ગણાશે. બંને પ્રાણીઓના ચિત્રો જોઈએ.
આ બંને ચિત્રો ધ્યાનથી જોવાથી ખ્યાલ આવશે કે દીપડા અને ચિત્તામાં મોટો તફાવત રહેલો છે. બંનેના શરીરની ચામડી ઉપર કાળાં ટપકાં તો દેખાય છે પરંતુ દીપડાના શરીર પર કાળાં ટપકાંઓ ગ્રુપમાં આવેલાં છે અને આવાં ટપકાંઓના સમૂહો જોવામાં આવે છે જયારે ચિત્તાના શરીરની ચામડી પર આવેલાં ટપકાંઓ સ્પષ્ટ પણે એકબીજાથી સ્વતંત્ર હોય છે. સમુહમાં હોતા નથી. નજીકથી અને ઝીણવટપૂર્વક તપાસીએ.
દીપડાનું શરીર તેની તાકાત વધે તે રીતે ઘડાયેલું હોય છે જેથી મોટા પ્રાણીઓનો શિકાર કરી શકે. ચિત્તાનું શરીર ઝડપભેર દોડીને શિકાર કરવા માટે ઘડાયેલું હોય છે તેથી નાજુક બનેલું હોય છે. દીપડાના મોં પર આંખથી મોઢા સુધી ઉભી કાળા રંગની લાઈનો નથી હોતી. જયારે ચિત્તાના મોં પર બંને આંખોથી નીચે મોઢા સુધી લાઈનો સ્પષ્ટ રૂપે આવેલી છે.
ઉપરાંત, દીપડાનું માથું તેના શરીરના પ્રમાણમાં મોટું જોવા મળે છે જયારે ચિત્તાનું માથું તેના શરીરની સાઈઝના પ્રમાણમાં ઘણું નાનું જોવામાં આવે છે. દીપડાના નખ શિકારને ઝકડી રાખવા માટે અને ઝાડ પર ચડી શકે ત્યારે પગની ગાદીમાંથી બહાર આવે છે અન્યથા ગાદીની અંદર રહે છે. ચિત્તાના નખ હમેશા ખુલ્લા જ રહે છે. પગની ગાદીની અંદર જઈ શકતા નથી.
તો આપણે દીપડો અને ચિત્તો એ બંને પ્રાણીઓમાં રહેલા મુખ્ય તફાવતો જોયા. હવે તો તમે બંનેને ઓળખવામાં ભૂલ નહી જ કરો, ખરુંને ? મિત્રો સાથે બેસીને નેશનલ જ્યોગ્રોફી કે ડીસ્કવરી ચેનલ ટેલીવિઝન પર જોતાં હો ત્યારે ગર્વથી તેમને પણ સમજ આપશો.
આવતે વખતે આપણે અન્ય પ્રાણીઓની ચર્ચા કરીશું.
- ચંદ્રશેખર પંડ્યા
નોંધ:
પ્રસ્તુત લેખમાં ઈન્ટરનેટ પરથી જે ચિત્ર લેવામાં આવ્યા છે તેનો ઉપયોગ ફક્ત શિક્ષણ અને બાળકોમાં વન્યપ્રાણીઓ વિષે જાગૃતિ પેદા કરવા પુરતો જ રાખવામાં આવ્યો છે. કોઈ પ્રકારનો વ્યવસાયિક ઉદ્દેશ્ય નથી.
વન્યજીવન અનેપર્યાવરણ નની જાણકારી મળી.ધન્યવાદ
બહુજ સરળ માહિતી,જે સામાન્ય લોકોમાં પ્રચલિત ન હતી,બહુ ઓછાને દીપફા અને ચિતાના ફરકની જાણ હતી, ( મને તો ન્હોતી જ)