પહેલાં કોઇ નહોતું આવતું, હવે બાળકો ખાનગી છોડી આ સરકારી શાળામાં આવે છે !

         આખા રાજ્યમાં જ્યારે ખાનગી શાળાઓમાં બાળકોને ભણાવવા માટે મા-બાપ તલપાપડ છે અને તેમાં ગરીબ મા-બાપ પણ બાકાત નથી ત્યારે જુનાગઢની એક શાળાએ નવો રાહ ચિંધ્યો છે. જુનાગઢમાં આવેલી કન્યાશાળા નંબર ચારમાં ઉંધો ટ્રેન્ડ ચાલે છે. ગિરનાર તળેટી વિસ્તારમાં આવેલી આ સરકારી પ્રાથમિક શાળામાં છેલ્લા પાંચ વર્ષમાં ખાનગી શાળામાં ભણતા 400થી વધુ બાળકોએ આ સરકારી શાળામાં સ્થળાતંર કર્યુ છે.

      આમ થવા પાછળનાં ઘણાં કારણો છે. જુનાગઢનાં પછાત ગણાતા વિસ્તારમાં આવેલી આ સરકારી શાળા પ્રત્યે આકર્ષણ જગાડવા પાછળ શાળાના આચાર્ય તરુણ કાટબામણા અને શાળાના શિક્ષકોએ મહત્વની ભૂમિકા ભજવી છે. તરુણ કાટબામણા એક ઇનોવેટિવ શિક્ષક છે અને તેમના મૌલિક વિચારોથી તેમની શાળા અન્ય સરકારી શાળાઓ માટે ઉદાહરણરૂપ બની છે.

    પણ એવુ તો તેમણે શું કર્યુ કે, આટલી મોટી સંખ્યામાં ખાનગી શાળામાંથી બાળકો આ સરકારી શાળામાં ભણવા આવવા લાગ્યા ?

     શાળાના આચાર્ય તરુણ કાટબામણા શરૂઆતના દિવસોને યાદ કરતા કહે છે, “હું જ્યારે ૨૦૧૨માં અહીંયા આચાર્ય તરીકે આવ્યો ત્યારે મે જોયુ કે, બાળકોના નામ તો હતા પણ નિશાળે આવતા નહીં. આ વિસ્તારમાં રહેતા ગરીબ અને અભણ એટલે તેમના સંતાનો નિશાળા જાય કે ન જાય એની બહુ ચિંતા કરતા નહીં. પણ અમે આ બાળકોની ચિંતા કરવાની શરૂ કરી અને જે છોકરાઓ નિશાળે ન આવ્યા હોય તેમના ઘરે ‘જનતા રેડ’ કરવાની શરૂઆત કરી. જનતા રેડ એટલે કે, સૂતેલા બાળકોને તેમના ખાટલામાંથી જ ઉપાડી નિશાળે લઇ આવવાના. અહીંયા અમે તેમને નવરાવી, તેમને માથુ ઓળી વર્ગખંડમાં બેસાડી દેતા હતા. એકાદ વર્ષ આવું કર્યુ. તેમના મા-બાપને પણ લાગ્યુ કે, શિક્ષકો તેમના સંતાનોની ચિંતા કરે છીએ. એટલે બાળકોની હાજરી વધવા લાગી.

      બીજુ કે, શાળામાં બાળકો નાસ્તામાં વેફરના પડીકા લઇને ખાતા. આનાથી બાળકોનું આરોગ્ય તો જોખમાય પણ સાથે સાથે શાળામાં પ્લાસ્ટિકનો કચરો પણ થતો હતો. પર્યાવરણને નુકશાન થતુ. “અમે પ્લાસ્ટિકના પેકેટમાં આવતી વેફર પર પ્રતિબંધ મૂક્યો અને શાળામાં જ નાસ્તા ભંડાર શરૂ કર્યો. જેમાં પ્રોટિનયુક્ત આહાર ટોકનદરે આપવાનો શરૂ કર્યો. જેમાં ખાસ કરીને ચણા, દાળીયા વગેરે. માત્રા પણ વધારે આપીએ એટલે બાળક ધરાઇને ખાય. બીજુ, અમે શાળાના આંગણમાં આયુર્વેદિક છોડ વાવ્યા. આ છોડવાના પાન બાળકોને રોજ ખવડાવી દઇએ. અમારા સ્વાર્થ એ હતો કે બાળકોનું આરોગ્ય સારુ હશે તો તે નિશાળ રોજ આવશે. અમારો હેતુ બર આવ્યો. બાળકો નિયમીત નિશાળે આવતા થયા” શાળાના આચાર્ય તરુણ કાટબામણાએ વિગતે વાત કરતા કહ્યું.

       શાળાના આચાર્ય પોતે કેલિગ્રાફી શીખવે છે. બાળકોના અક્ષર સારા થાય એ માટે છેલ્લા ત્રણ વર્ષથી શાળામાં વિશેષ ધ્યાન આપે છે. આ શિવાય, બાળકોના વાલીઓ માટે, શાળામાં વિશેષ વિજ્ઞાન પ્રદર્શન યોજે છે. જેમાં બાળકો તેમના વિજ્ઞાનના પ્રયોગ પ્રદર્શિત કરે. મા-બાપ પણ તેમના સંતાનોની પ્રગતિ જોઇ ખુશ થાય.

      શાળામાં બાળકોનું નામાંકન અને ગુણાંકન અને વિશેષ કરીને જુનાગઢમાં ખાનગી શાળાઓમાંથી મા-બાપ તેમના સંતાનોને આ સરકારી શાળામાં મૂકતા થયા તે માટેના તરુણ કાટબામણાના મૌલિક પ્રયોગ માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ-અમદાવાદ (IIM-A) અને ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનીંગ દ્વારા તેમને એવોર્ડ આપવામાં આવ્યો છે. તેમના પ્રયોગોની નોંધ લેવામાં આવી છે.

શનિવારે બાળકો ઓછા આવતા, ફિલ્મ બતાવવાની શરુ કરી!

      “કોઇક કારણોસર બાળકો શનિવારે ઓછા આવતા. આવુ શા માટે થતુ તે મને ખબર ન પડી પણ મેં એક આઇડિયા અજમાવ્યો. શનિવારે બાળકોએ ન જોઇ હોય એવી ફિલ્મ બતાવવાની શરૂ કરી. હા, પણ આખી ફિલ્મ બતાવવાની નહીં. આઠ-કટકામાં ફિલ્મ બતાવવાની. એટલે, ફિલ્મનો આગળનો ભાગ જે બાળકે જોવો હોય તેણે આગલા શનિવારે આવવુ પડેને! આમ કરવાની શનિવારની હાજરી વધી ગઇ” તરુણ કાટબામણાએ તેમના પ્રયોગ વિશે વાત કરતા કહે છે.

     શહેરી સરકારી શાળા માટે વિશેષ સ્કૂલ બસ!

       રસપ્રદ વાત એ છે કે, શહેરી વિસ્તારમાં આવેલી સરકારી શાળાઓમાં જુનાગઢ કન્યા શાળા નંબર ચાર કદાચ એક એવી શાળા હશે જેની પાસે એક વિશેષ સ્કૂલ બસ છે જેમાં બાળકોને લાવવા-લઇ જવામાં આવે છે. આ બસની માલિકી ખાનગી છે પણ આ શાળાના બાળકો માટે જ વિશેષ રીતે તૈયાર કરવામાં આવી છે અને આ બસ પર કન્યા શાળા નંબર ચાર એમ લખેલુ પણ છે. બસ ખાનગી પણ આ સંચાલકે આ શાળા માટે જ બનાવી છે અને તેના માટે જ ઉપયોગ કરે છે.

અહીંયા શિક્ષકો અમારા બાળકોને માવતરનો પ્રેમ આપે છે

     રવિ જેઠવા અને તેની બહેર પૂજા ગયા વર્ષ સુંધી ખાનગી શાળામાં ભણતા પણ આ વર્ષે બન્નેને  તેમના પરિવારે આ સરકારી શાળામાં દાખલ કર્યા. તેના દાદા હીરાભાઇ જેઠવાએ કહ્યું કે, જે ખાનગી શાળામાં આ બે બાળકો ભણતા હતા ત્યાં શિક્ષકો બાળકોને મારતા હતા અને શિક્ષણ પણ નબળુ હતું. અમે સાંભળ્યુ કે, આ સરકારી શાળામાં શિક્ષણ સારું છે. વળી, અહીયા શિક્ષકો અમારા બાળકોને માવતરની જેમ રાખે છે. પ્રેમ આપે છે”

      તરુણ કાટબામણા કહે છે કે, “અમે દરેક બાળકને વ્હાલ કરીએ છીએ. તેમને હુંફ આપીએ છીએ. આ શાળામાં 40 જેટલા એવા બાળકો છે કે, જેમાં ક્યાં તો તેમના મા અથવા બાપ નથી અથવા બેય નથી. આવા સંતાનોને વિશેષ રીતે રાખવા અને ભણાવવા એ અમારી જવાબદારી છે.”

       અત્રે ઉલ્લેખનીય છે કે, જો આ સરકારી શાળામાં નવતર પ્રયોગો કરીને બાળકોને આકર્ષવામાં ન આવ્યા હોત, તો કદાચ સંખ્યા ન થવાને કારણે આ શાળા બંધ થઇ ગઇ હોત, પણ પાંચ વર્ષના અથાક પ્રયત્નોને અંતે, આજે આ શાળા ધમધોકરા હાલે છે અને આજુબાજુની ત્રણ ખાનગી શાળાઓ બાળકો ન મળતા બંધ થઇ ગઇ!. છેને કમાલ ?

 

મૂળ સ્રોત ..

 

 

-   વિજયસિંહ પરમાર

[email protected]

2 thoughts on “પહેલાં કોઇ નહોતું આવતું, હવે બાળકો ખાનગી છોડી આ સરકારી શાળામાં આવે છે !”

 1. આચાર્ય તરુણને મારા દંડવત્ પ્રણામ.
  તેમણે વિદ્યાદાનને જ પોતાનો જીવનયજ્ઞ બનાવ્યો.
  તેમની સાથે કામ કરતાં શિક્ષકોને પણ વંદન. તેઓ સૌ સાચા અર્થમાં શિક્ષક છે.
  ડેડીકેટેડ ટીચર્સ. ઓનેસ્ટ ટીચરો.
  અને તે પણ સરકારી શાળાના. સરકાર કે તેના પ્રઘાન કે તેના કર્મચારીઓની જોહુકમીને પણ ગળી જઇને પોતાનો વિદ્યાયજ્ઞ સાચવીને ચાલુ રાખી સમાજમાં અેક સાખ બેસાડનાર હેડ ટીચર અને સર્વે ટીચરોને …હાર્દિક અભિનંદન.
  હવે મારું અેક સજેશન :
  આજ સુઘી ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના પ્રઘાનોના કામો જોયા છે જાણયા છે. કચરો. હાં બઘા જ પ્રઘાનો આચાર્ય તરુણની કાર્યદક્ષતા, ડેડીકેશન, ઓનેસ્ટીની સામે…સાવ કચરો….કચરો…કચરો….
  ગુજરાત ગવર્નમેંટના મુખ્યપ્રઘાન અને ભારતના વડાપ્રઘાનમાં જો થોડી પણ બાળકો માટે શુભલાગણી હોય તો તરુણને વિદ્યાદાન વિભાગના પ્રઘાન બનાવે. તેમને આઝાદી આપે અને શિક્ષકોને નોકરી આપવાની પ્રક્રિયાથી માડીને તેમને માટે યોગ્ય પગારની વ્યવસ્થા કરવાની છુટ આપે. પ્રાયવેટ શાળાવાળા જો હાડકા નાંવા આવે તો તેમને શિક્ષા કરીને યોગ્ય શિક્ષણ આપવાનો છુટો દોર આપવો. પછી જૂઓ ગુજરાતના બાળકોની પ્રગતિને….જે આચાર્યને IIM અમદાવાદ જેવી વર્લડ ફેમસ મેનેજમેંટ શ્કુલ નવાજે તેને માટે શું કહેવું…નમન કરવા શિવાય. તરુણને પોતાની રીતે ઓનેસ્ટીથી વિદ્યા આપવામાં રીસર્ચ કરવા દેવી.
  હવે મારી હૈયાવરાળ……ગુજરાત ગવર્નમેંટના મુખ્યપ્રઘાનમાં આ બઘુ સમજવાની બુઘ્ઘિ છે ખરી ? શક્તિ અને હિંમત છે ખરી ? ગુંડાઓને દૂર રાખવાની આવડત છે ખરી ? બાળકોના મા..બાપ બનીને તેમને પોતાના હૃદયની હુંફ આપવાની સમજ છે ખરી. અઅને આવા તો ઘણા સવાલો છે…છેલ્લો સવાલ…ગુજરાતના મુખ્યપ્રઘાન અને ભારતના વડાપ્રઘાનને જો આ બાળકોના ભાવિની ચિંતા હોય તો પ્રાઇવેટ શાળાના ખાઉઘરા માલીકોને દૂર કરો અને પોતે..તરુણ કાટબામણા બને અને દરેક સરકારી શાળાના ટીચરને સાચા ર્થમાં તરુણ કાટબામણા બનાવે. શુભેચ્છાઓ.

 2. આદરણીયશ્રી સુ. જાની સાહેબ. ખૂબ ખૂબ અભિનંદન સાહેબ અને સંપાદક મંડળના મિત્રોનું હાર્દિક સ્વાગત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *