પિતા શાકમાર્કેટમાં નોકરી કરે છે, પુત્રીએ સીએ ઇન્ટરમીડિએટમાં ૭મો રેન્ક મેળવ્યો
ઇન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટસ ઓફ ઇન્ડિયા દ્વારા સીએ ઇન્ટરમીડિએટનું પરિણામ જાહેર કરાયું
ઇન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટસ ઓફ ઇન્ડિયા (આઈસીએઆઈ) દ્વારા સીએ ઇન્ટરમીડિએટ જુના અને નવા કોર્સના બંને ગુ્રપનું પરિણામ જાહેર કરાયું હતું. સીએ ઇન્ટરમીડિએટ ન્યુ કોર્સમાં ૪૫૧ સ્ટુડન્ટસ પાસ થયા છે. જ્યારે જુના કોર્સ (આઇપીસીસી)માં ૬૪૦ સ્ટુડન્ટસ પાસ થયા છે. જેમાં અમદાવાદ ચેપ્ટરના ૧૭ સ્ટુડન્ટસને ઓલ ઇન્ડિયા ટોપ ૫૦માં સ્થાન મળ્યું છે. ટોપ-૫૦ રેન્કમાં સાતમો રેન્ક ધરાવતી દિવ્યા પ્રજાપતીનાં પિતા શાકમાર્કેટની એક શોપમાં નોકરી કરે છે. તેની આર્થિક પરિસ્થિતિ સારી નથી, પરંતુ તેનો સામનો કરીને દિવ્યાએ દેશમાં સાતમો રેન્ક પ્રાપ્ત કર્યાની પરિવારને ખુશી છે.
ઓલ ઇન્ડિયામાં સાતમો રેન્ક આવ્યો હોવાથી ઘરનો માહોલ કંઇક અલગ જ છે
એક્ઝામની તૈયારી કરવામાં આર્ટિકલશીપ અને ક્લાસિસ સાથે મારો દિવસ પુર્ણ થઇ જતો હતો. મને મારા માટે પણ સમય મળતો ન હતો. સારા માર્ક્સ અને રેન્ક મેળવવા માટે હાર્ડ વર્ક બધા સ્ટુડન્ટસ કરતા હોય છે, પરંતુ સાથે સારા ગાઇડન્સની પણ જરૃર છે. ઇન્ટરમીડિએટની તૈયારી માટે મે ક્લાસિસ મટીરિયલ અને ઇન્સ્ટિટયુટના મોડયુલ વાંચ્યા હતા. મારા પરિવારમાં માતા પિતા અને નાનો ભાઇ છે. માતા હાઉસ વાઇફ છે, જ્યારે પિતા શાકમાર્કેટની એક શોપમાં નોકરી કરે છે. ઓલ ઇન્ડિયામાં સાતમો રેન્ક આવ્યો હોવાથી ઘરનો માહોલ કંઇક અલગ જ છે.
- દિવ્યા પ્રજાપતિ
મારા કરતા ટીચર અને મિત્રોને રેન્કની આશા હતી
એક્ઝામની તૈયારી માટે છેલ્લા ત્રણ મહિનામાં ૧૦ કલાક પ્રેક્ટિસ સાથે વાંચનનું સિડયુઅલ ફિક્સ કર્યું હતું. સિડયુઅલ ફિક્સ કર્યા પછી પણ સ્ટડી માટે સૌથી અગત્યનું ટાઇમ મેનેજમેન્ટ હોય છે. સીએ ઇન્ટરમીડિએટની તૈયારી કરવા માટે બીજી રેફરન્સ બુક કરતા ઇન્સ્ટિટયુટના મોડયુલ વાંચવાનું વધારે પસંદ કર્યું હતું, અને મારા મત મુજબ બધા સ્ટુડન્ટસે મોડયુલ જ વાંચવા જોઇએ. સેલ્ફ સ્ટડી પણ પ્રોફેશન કોર્સમાં વધારે મહત્ત્વ ધરાવે છે. ઓલ ઇન્ડિયા લેવલે રેન્ક મેળવવાની આશા ન હતી. પરંતુ મારા ટીચર અને મિત્રોને મારા પર વિશ્વાસ હતો. મારા પિતા સુગરનો બિઝનેસ કરે છે અને માતા હાઉસ વાઇફ છે.
- દિવ્યેશ હરપાલાણી
કલાકો વાંચન કરવાની પ્રથાની સખત વિરૃદ્ધ છું
હું ક્યારે પણ કલાકો સુધીના વાંચનમાં માનતી નથી. જ્યારે પણ હું જાતને ફ્રેસ માનતી ત્યારે પ્રેક્ટિસ અને વાંચન કરતી હતી. છેેલ્લા ત્રણ મહિનામાં જ ઇન્ટરમીડિએટની તૈયારી કરી છે. આર્ટિકલશીપ સાથે એક્ઝામની તૈયારી કરવી એ દરેક સ્ટુડન્ટસ માટે ચેલેન્જ હોય છે. કારણ કે, ત્રણ મહિનાની તૈયારી પ્રોફેશન કોર્સ માટે ઓછી કહી શકાય. એક્ઝામ સમયે મારા દાદી બિમાર હોવાથી એક વખત એક્ઝામ ન આપવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ મમ્મી પપ્પાના સપોર્ટથી એક્ઝામ આપી હતી. રેન્ક મેળવવાની આશા તો સાચે ન હતી, માત્ર પાસ થવા પર ફોકસ કર્યું હતું. - લાવિના કોટવાણી
ફૂટબોલ માટે એક કલાકનો સમય કાઢી લેતો હતો
સી.એ ઇન્ટરમીડીએટની પરિક્ષામાં ૭૧.૭૫ ટકા માર્કસ સાથે ઉતીર્ણ થયેલ યશ દ્રઢપણે માને છે કે પહેલાં જ દિવસથી નિયમિત અભ્યાસ કરવાથી ધાર્યુ પરિણામ મળે જ છે. આ અંગ વાત કરતા યશ કહે છે કે, દિવસ દરમિયાન મારુ સમગ્ર ધ્યાન અભ્યાસમાં રહેતું પરંતુ ફૂટબોલ મારી ફેવરેટ ગેમ છે તેનાથી હું રીફ્રેશ થઇ જવું છું તેથી હું ગમે તેટલુ પ્રેશર હોય કે બીજા દિવસે પરિક્ષા હોય પણ રોજ ફૂટબોલ રમવા માટે એક કલાક અચૂક કાઢી લેતો હતો અને મને લાગે છે કે ગમતી પ્રવૃતિ કરવાથી ભણવાની ક્ષમતા અને યાદશક્તિ વધે છે. - યશ શ્રેયસભાઇ ચોક્સી
માતા પિતાની છત્ર છાયા ગુમાવી ચુકેલા અર્પિતને ૨૧મો રેન્ક
જ્યારે પોતાનું સપનું ઉજળુ અને બાકી બધું ધુંધળુ દેખાતુ હોય તેવી વ્યક્તિઓ પોતાના સપનાને સાકાર કરવા એડી ચોટીનું જોર લગાડતા હોય છે. અમદાવાદના અર્પિત પટેલે આ કરી બતાવ્યુ છે. બાળપણમાં જ માતા પિતાની છત્ર છાયા ગુમાવી ચુકેલા અર્પિતને ગ્રેજ્યુએશન સુધી સી.એ કરવાની કોઇ તૈયારી નહતી પરંતુ સમય જતા તેણે સી.એ માં પોતાની કારકિર્દી બનાવવાનુ વિચાર્યું શરુઆતમાં અર્પિતને સી.એ ટફ લાગ્યુ પણ હિંમત ન હારી અમે મહેનત ચાલુ કરી દીધી. આ અંગે વાત કરતા અર્પિતે કહ્યું કે, જો તમારે છેલ્લા મહિનાઓમાં ૧૫ થી ૧૭ કલાકની મહેનત ન કરવી હોય તો તમારે શરુઆતના દિવસથી જ ત્રણ થી ચાર કલાકની મહેનત ચાલુ કરવી જોઇએ. - અર્પિત પટેલ
મૂળ સ્રોત