રોલ નંબર એક..
રોજના ક્રમ પ્રમાણે મેં મારા ૭ ઈંચના ટેબ્લેટમાં વર્ગની હાજરી પૂરવાનું ચાલુ કર્યું.
‘યસ્સ સર.’
રોલ નંબર એક બોલ્યો કે તરત જ મેં તેના નામની સામેના ખાનામાં તેની હાજરી નોંધી. મારા ક્લાસરૂમની ઍપમાં તેના નામ સામે બધી જ વિગતો દેખાય અને ફૂટડો ને નિખાલસ ચહેરાવાળો તેનો ફોટો પણ. મેં તેના પર ટચ કર્યું ને ફોટો ઝૂમ થયો.
બાળકોના ચહેરા કેટલા નિર્દોષ હોય છે...નહિ ! આજકાલ આટલા નિર્દોષ ચહેરા બહુ ઓછા જોવા મળતા હોય છે, એટલે એમ થાય કે જોયા જ કરીએ.
આટલા વર્ષોના અનુભવે બાળકોની ખુશીનું કારણ મેં શોધી કાઢ્યું હતું. યુવાનો ભવિષ્યની ચિંતામાં હોય છે એટલે ખુશ નથી હોતા, વૃદ્ધો ભૂતકાળ વાગોળતા હોય છે એટલે ખુશ નથી હોતા. પણ બાળકો હંમેશા વર્તમાનમાં જ ઓતપ્રોત થઈ જીવતા હોય છે માટે જ તેઓ આટલા ખુશ હોય છે ! આ રોજેરોજ મારી નજરે જોવાતું સત્ય છે !
હું રોલ નંબર એકનું પ્રોફાઈલ ખોલી બેઠો. વિવિધ સ્કીલ્સની કસોટીએ મેં એને ચડાવ્યો છે ને એની ક્ષમતા પ્રમાણે ગ્રેડ પણ આપ્યા છે. થોડો આડો અવળો, ઉપર-નીચે ફંટાતો, તેની જેમ જ નાચી રહેલો તેનો વિકાસ ગ્રાફ નોર્મલ છે, જે હવે આ વર્ષે પાંચમાં ધોરણમાં જરા જરા ઉપરની તરફ જતો જણાય છે. પ્રોગ્રેસ સાધારણ દેખાય છે, એની શીખવાની ગતિ સામાન્ય રહી છે. પહેલા ધોરણમાં દાખલ થયો ત્યારે તેનો ચહેરો આજના કરતા પણ વધુ માસૂમ હતો. આજે પાંચમાં ધોરણમાં પણ એનામાં બહુ મોટો ફેરફાર થયો નથી.
ટચસ્ક્રીનના ફાયદા ગણો તો ફાયદા અને સમયની બરબાદી ગણો તો એમ, પણ જૂઓ મેં બનાવેલા તેના કેટલાક વિડીયો પણ ખોલી બેઠો. આ વિડીયો તેની વિલક્ષણતાઓને કેદ કરવા અને તેના અભ્યાસના ભાગરૂપે મેં બનાવ્યા છે. મારી ઍપની મદદથી કેટલાક સાચા દૃશ્યો સાથે મેં એની તાસીરને મારી કલ્પનાના એનીમેશનમાં પણ ઢાળવા કોશીશ કરી છે. મારી આંખ સામે પાંચ વરસની નાની નાની પગલીઓ પડતી આવે છે જેના પર રોલ નંબર એક લખેલું છે.
એ પગલીઓ પર ક્યાંક સહેજ અમથો દફતરનો ભાર આવે ને આડીઅવળી પડવા માંડે, તેમ છતાં જાતને અને ચાલને એવી રીતે સંભાળે જાણે કોઈ જ ભાર નથી. પાટી પર એકડો માંડતા તો એના ચહેરા પર અનેક ખુશીઓ દોડી જાય. એક્ડા, શબ્દો, જોડકણાં, વાર્તા અને ગમ્મતોમાં ગોઠવાઈ જતા એને વાર લાગી જ નથી.
એક્વાર પેંડો લઈને પરાણે મારા મોંમાં મૂકતા કહે, ‘જલમદિન છે મારો, માએ તમારા હારુ જ મોકલ્યો તો, તમે મોડા આયા તે જરાક મે ચાખી લીધો...હી...હી...!’
એની લાગણી ચોક્ખી હતી. આખા ક્લાસરૂમમાં ‘હેપી બર્થ ડે’ ગવાયું ત્યારે એના ચહેરા પરની અપાર ખુશીઓ હું જોતો જ રહી ગયેલો.
‘જરાય તોફાન કરે તો તમતમારે આને મારજો, લેશન નો કરે તોયે ઠપકારજો, મારી ફરિયાદ નહિ આવે.’ એની મમ્મીએ પહેલા જ દિવસે મને ભલામણ કરતા કહેલું, ‘ઘરમાં મારા સાસુએ જરા લાડકો વધારે કર્યો છે તે જરા બગડી ગયો છે, હવે તમારે સુધારવાનો બીજું શું !’
પણ એ માસૂમને ક્યારેય ઠપકારવાની જરૂર જ નહોતી પડી. પોતાની ક્ષમતા અનુસાર તો એણે મને પરિણામ લાવી બતાવ્યું એટલે મને એના માટે કશી ફરિયાદ નહોતી. આમ પણ આટલા વરસના અનુભવે મને એટલું શિખવ્યું છે કે ક્યારેય કોઈ કોઈને કશુંયે શિખવી શકતું નથી હોતું, માત્ર દિશા બતાવી શકે છે, એ દિશામા જઈ શિખવાનું તો માણસે જાતે જ હોય છે. એટલે મારું કામ માત્ર અંગૂલિનિર્દેશ પૂરતું જ હોય છે જે હું સંતોષપૂર્વક કરું છું.
- અજય ઓઝા