તા. ૨૨ ઓગસ્ટ ૨૦૧૮ના દિવસે મુંબઈના દાદર પરામાં એક બહુમાળી મકાનમાં આગ લાગી જેમાં ચાર વ્યક્તિઓનું મૃત્યુ થયું હતું. પણ આ લખાણ આ સમાચાર માટે નથી પણ એક દસ વર્ષની બહાદુર બાલિકા માટે છે.
આ બહુમાળી મકાનના ૧૨મા માળે જેન સદાવર્તે રહે છે. તે દિવસે શાળામાં ઇદની રજા હોવાથી તે સુતી હતી ત્યારે તેના પિતાએ તેને જગાડી અને જણાવ્યું કે આગ લાગી છે. રસોડાની બારી ખોલતા ધુમાડાના ગોટેગોટા ઘરની અંદર આવી ગયા. તેના પાડોશીઓ પણ એકઠા થઇ ગયા હતાં.
હજી અગ્નિશમન દળના લોકો આવ્યા ન હતા પરંતુ આ બાલિકાએ જરા પણ ગભરાયા વગર પોતાના માતા પિતા અને પાડોશીઓને સલાહ આપી કે રૂ અને કપડાના ચીરા કરી પાણીમાં પલાળો અને તેને નાક આગળ ધરી રાખો. ધૂમાડામાં કાર્બનનું જે વધુ પ્રમાણ હોય છે તે ભીના કપડામાં શોષાઈ જાય છે અને તેથી ગુંગળામણ નહિ થાય. વળી વીજળીનું કનેક્શન પણ બંધ કરવા કહ્યું. આ બધું કરવાથી લગભગ ૧૭ જણની જિંદગી બચી ગઈ.
તમને થશે કે આ જ્ઞાન જેનને ક્યાંથી મળ્યું?
છઠ્ઠા ધોરણમાં ભણતી જેનના કહેવા પ્રમાણે તે જ્યારે ત્રીજા ધોરણમાં હતી ત્યારે તેણે એક પ્રોજેક્ટ બનાવ્યો હતો. તેમાં તેને આગમાંથી બચવાનો આ ઉપાય જાણવા મળ્યો હતો. જે તેને યાદ હતો અને તેથી કામમાં આવ્યો.
મિત્રો, જેને કહેલી ઉપરની વાત યાદ રાખશોને?
આપણે એ પણ યાદ રાખવાનું કે કોઈ પણ સંકટ આવે ત્યારે જરા પણ ગભરાયા વગર મગજને શાંત રાખીને તેમાંથી બચવાના ઉપાય કરવા.
- નિરંજન મહેતા