મિયાં લટક્યા – પ્રિયાંશી રાઠોડ

સાભાર - રીડ ગુજરાતી

શાળા – સિલ્વર ગ્રીન અંગેજી માધ્યમ શાળા, હિંંમતનગર

મિયાંં લબ્બે પથારીમાં પડેલા પણ ઊંઘ આવે નહીં. વાણિયો અને શેઠાણી મોડી રાત સુધી જાગેલાં. લબ્બેજી સૂતેલા બહાર, પણ કાન અંદર. સોનાની વાત સાંભળી એટલે બેઠા થઈ ગયા. બારણાની તિરાડમાંથી અંદર નજર કરી. લબ્બેજીની આંખ ફાટી ગઈ. ઝવેરાતનો આખો ઢગલો પડેલો. વાણયાએ બધું એક થેલામાં ભર્યું. મિયાંં ખુશ થઈ ગયો. વાણિયાની ચાલાકી જોઈને તેનાથી બોલી જવાયું, “શાબાશ, વાણિયા !”

 

પછી તો શેઠાણીએ દીવો ઓલવી નાખ્યો. લબ્બેજી પથારીમાં પડ્યાં.

પડ્યા એવા ઊંઘી ગયા. ઊંઘમાં સોનારૂપાનાં સ્વપ્ન આવ્યાં. સ્વપ્નમાં જ એક રૂપાળી બીબી લાવ્યા. બીબી સાથે નિકાહ પઢતા હતા ત્યાં જ..

લબ્બેજીને લાત પડી. લબ્બેજીનું સુંદર સ્વપ્ન તૂટી ગયું. એકદમ બેઠા થઈ ગયા. આંખ ચોળીને જોયું તો સવાર પડી ગઈ હતી. પાંચ છ માણસોએ તેમને ઘેરી લીધા હતા. બધાની આંખો લાલ થઈ ગઈ હતી. લબ્બેજી સમજી ગયા કે વાણિયો તેમને લટકતા મૂકીને ચાલ્યો ગયો હતો. હવે તો પહેલાં ડંડા પડશે અને પછી જવું પડશે. જેલમાં મિયાંંએ નમ્રતાથી કહ્યું, “ક્યા બાત હૈ ભાઈસા’બ?”

“ક્યા બાત વાળી, પેલો તારો શેઠ ક્યાં ગયો? તમે બંને ચોરના સરદાર છો. સાચું બોલજે નહીં તો ખાલ ઉખાડી નાખીશ.”

મિયાંં ગળગળા થઈ ગયા. હવે છૂટવું હોય તો નાટક કરવું જ પડે. તેમણે લાચાર બનીને કહ્યું, “મેરે માલિક, મેં કુછ નહીં જાનતા. ઉસને બોલા દો રૂપિયા મિલેગા. પેટી લે લો. દો રૂપિયા કે લિયે મેં આયા. કહાં ગયા વો નાલાયક હાય રે મેરે દો રૂપયે….!”

લબ્બેજી તો માથું પછાડવા માંડ્યા. એમણે તો મોઢેથી રડવા માંડ્યું, “હાય રે હાય દો રૂપૈયા હાય હાય!”

મિયાંંનું નાટક સફળ. ગુસ્સે થયેલા લોકોને તેની દયા આવવા લાગી એટલે મિયાંંને ત્યાં જ રાખીને વાણિયાની શોધમાં નીકળી પડ્યા.

લબ્બેજી એકલા બેઠા છે. છટકવાનો વિચાર કરે છે. પ્રશ્ન એ છે કે, છટકવું શી રીતે? કંઈક તો યુક્તિ કરવી પડે.

આમ વિચાર કરતાં હતા ત્યાં જ ચમક્યા. બરોબરના ગભરાયા. અંદરના ખંડમાં સ્ત્રીઓ બેઠેલી. એમની વાતો મિયાને સંભળાતી હતી. એક સ્ત્રી બોલતી હતી, મને તો આ નોકર પણ બદમાશ લાગે છે. આ બંને જણને આગળના દિવસે મેં ભાગોળે જોયા હતા. આ નોકરને ડંડા પડે તો હમણાં સાચું બોલી જાય.

લબ્બેજી તો ઊભા જ થઈ ગયા. હવે વિચાર કરવાનો હોય નહીં. વાણિયો પાછળની બાજુએથી ભાગેલો. મિયાંંએ પણ એ જ રસ્તો પસંદ કર્યોં.

ધીમે ડગલે તે મકાનની પાછળના વાડામાં ગયા. વાડામાંથી ખેતરમાં નીકળ્યા અને પછી તો વાત શી પૂછવી? પછી તો એ રસ્તો ને એ મિયાંં.

લબ્બેજી દોડે છે. મુઠ્ઠીઓ વાળીને દોડે છે. દાંત કચકચાવીને દોડે છે. બિચારા આવું કોઈ દિવસ દોડેલા નહીં. આજે જીવ હાથમાં લઈને દોડવું પડ્યું.

વધારામાં ખેતરનો રસ્તો ખરાબ. ચાર-પાંચ વખત તો તેમનાથી ધરતીને નમસ્કાર થઈ ગયા. બે-ચાર જગ્યાએ લોહી નીકળ્યું. એકાદ-બે ગાળ ખેતરને ચોપડાવી દીધી. બે-ચાર વાણિયાને ચોપડાવી દીધી. ખેતરમાંથી એક રસ્તા પર નીકળાતું હતું. રસ્તો સારો હતો. લબ્બેજી રસ્તા પર ઊતરી પડ્યા.

હવે લબ્બેજીને હાશ થઈ. હવે તેમણે દોડવાનું બંધ કર્યું. ઝડપથી ચાલવાનું રાખ્યું. રસ્તો સારો હતો એટલે બધો ગુસ્સો વાણિયા પર ઠાલવતા હતા. ‘તારી માનું વાનિયું, મને મૂકીને ભાગી ગયું. સામે મળે તો ખબર પાડી દઉં.’ ગાળો ન બોલે તો કરે શું? તેમની છાતી ઘમણની માફક ચાલતી હતી. બીકને કારણે મગજમાં ફટકારો પેસી ગયો હતો. હજુ પણ શરીર ધ્રુજતું હતું. પગની તો વાત જ ના પૂછશો.

હવે તો મિયાંં ચાલતા ન હતા, પણ ઘસડાતા હતા. ચાલવાની શક્તિ હતી નહીં. તે એક ઝાડ નીચે બેસી પડ્યા. બેઠા બેઠા રસ્તો ધ્યાનથી જોવા લાગ્યા. એક ગધેડાના પગલાનું નિશાન હતું. તેની પાછળ માણસના પગલાનું નિશાન હતું. મિયાને ખાતરી થઈ કે, વાણિયો આ રસ્તે જ ગયો હશે.

વાણિયાને રસ્તામાં જ પકડી પાડવો. હવે તો ઉતાવળા બન્યા, પણ ચાલવાની શકિત ક્યા? પણ મિયા નસીબદાર ખરા.

દૂરથી એક ગાડું આવતું હતું. ગાડામાં પૂળા ભરેલા હતા. પણ બળદ તેજીલાં હતાં. ગાડામાં આટલું વજન હતું. છતાં દોડતાં હતાં. મિયાને આશા બંધાઈ. ગાડામાં બેસવાનું મળે તો વાણિયો ઝટ હાથમાં આવે.

ગાડું નજીક આવ્યું. મિયાએ ખેડૂતને વિનંતી કરી, “ભાઈ, ખૂબ થાકી ગયો છું. ચાલવાની શક્તિ નથી. તારા ગાડામાં બેસાડી લઈશ, તો મોટો ઉપકાર થશે, અલ્લા રહેમ કરે તારા પર.”

ગાડાવાળો દયાળુ હતો. તેણે ગાડું ઊભું રાખ્યું. તેણે મીઠાશથી કહ્યું, “મિયાંં તને બેસાડવાનો વાંધો નથી, પણ મારા બળદ જરા તેજ છે. ગાડામાં પૂળા ભર્યાં છે. તું ગબડી પડે એની મને ચિંતા છે. જો કે નાડી (દોરડું) બાંધેલી છે. એટલે વાંધો નહીં આવે.”

મિયાને ગરજ હતી. અને ગરજવાનને અક્કલ હોય નહીં. એટલે તેને તો કંઈ જોખમ દેખાયું જ નહીં. એટલે તે તો ગાડા પર ચઢવા જ માંડ્યા.

ગાડા પર બેસીને મિયાંંએ કહ્યું, “ચલાવ દોસ્ત, તારી ગાડું. હવે કોઈ વાંધા નહીં હૈ.”

ખેડૂતે ગાડું ચલાવતા કહ્યું, “મિયાંં, આમ તો વાંધા જેવા કુછ નહીં હૈ. એક બાત ધ્યાનમાં રખના. નાડી બરોબર પકડના. રસ્તા ખરાબ હૈ. મેરા બળદ હેંડતા નહીં હૈં, દોડતા હૈં. માટે નાડી બરોબર પકડના.”

ઉપરથી મિયાંંએ જવાબ આપ્યો, “એ… હો…. ભાઈ, ફિકર મત કરો.”

ગાડું તો દોડ્યું. સડસડાટ દોડ્યું. રસ્તો ઊંચો-નીચો હતો. ગાડું એક બાજુ નમે અને થોડી વારમાં બીજી બાજુ નમે.

ગાડામાં બાંધેલા પૂળા હાલે.

એના કરતાંયે વધારે લબ્બેજી હાલે.

ગાડામાં બેઠા તો ખરા, પણ હવે પસ્તાવા લાગ્યા. એ પણ આમથી તેમ નમી પડે. મિનિટે મિનિટે માંડ માંડ પડી જતા બચી જાય. મહાપરાણે શરીરનું સમતોલન જાળવી રાખે. થોડી થોડી વારે અવાજ નીકળે, “યા અલ્લા, યા અલ્લા !”

મિયાંંને તો દરેક સેંકડ ફટાફટમાં પસાર થાય છે. બધું ભૂલી જવાયું છે, ફકત જીવ યાદ રહ્યો છે અને તે પણ એ ગયો એ ગયો જેવી સ્થિતિ છે.

લબ્બેજી તો મનમાં ને મનમાં બબડે, “સાલા ખેડૂતને બોલા થા, નાડી પકડના; મેં ને જોરસે નાડી પકડ રખી હૈં, સબ તાકાત નાડી મેં લગાદી હૈં ફિરભી પડનેકા ડર કયું લગતા હૈ!”

“યા અલ્લા, કબ છૂટકારા મિલેગા ઔર….!”

લબ્બેજીએ અલ્લાને છૂટકારાની વિનંતી કરી. અલ્લાએ તે સાંભળી અને તરત જ તેમને ગાડાથી છૂટા કર્યાં. અરે! ભાઈ ગાડીવાલે, “મર ગયા મૈં. ખડી રખ તેરી ગાડી મર ગયા રે…!”
ગાડાવાળાએ આ અવાજ સાંભળ્યો. એ સાથે જ એક બીજો અવાજ પણ સંભળાયો. ધ…બ…બા…ક.

ખેડૂત ચમક્યો. તેણે એકદમ ગાડું ઊભું રાખ્યું. ઝટપટ નીચે ઊતર્યો. ગાડાની પાછળ ગયો. લબ્બેજી પાછળ પડ્યા પડ્યા કણસતા હતા. “મર ગયા રે! હાય અલ્લા, મર ગયા મેં તો.”

ખેડૂત નજીક ગયો. તેણે કહ્યું, “મિયાંં મૈને નહીં બોલા થા કે નાડી પકડના. તમે નાડી નહીં પકડી અને પડ ગયા.”

“અરે ભાઈ, નાડી તો મૈં ને પકડી થી. ઔર અબ ભી પકડ રખી હૈ, ફિર ભી પડ ગયા.”

ખેડૂતે જોયું તો, મિયાંંએ હજુ સુધી લેંઘાનું નાડું પકડી રાખ્યું હતું. ખેડૂત મિયાંંની ભૂલ સમજ્યો. તે ખડખડાટ હસી પડ્યો. ખેડૂતને હસતો જોઈને મિયાંં બગડી બેઠા. તેમણે મોં બગાડીને કહ્યું, “મેરા જીવ જાતા હૈ ઔર તું હસતા હૈ?”

“મિયાંં, મૈને નાડી પકડનેકો બોલા થા. લેકિન તૂને તો લેંઘા કા નાડા પકડા. વાહ, મિયાંં! વાહ, તૂ ભી ગજબ હૈ! ચલ, ફિરસે બૈઠ જા!”

“ના, ભાઈ ના અબ કયા બૈઠણા! અલ્લાકી દયા થી, તો બચ ગયા. અબ મૈં મરના નહીં ચાહતા. તૂ જા!”

ગાડાવાળો ચાલ્યો ગયો. મિયાંં તો થોડીવાર સુધી તો અલ્લાને યાદ કરતા પડ્યા રહ્યા. પછી મગજ ઠેકાણે આવ્યું. વાણિયાને પકડવાનો હતો. સોનુ અને ઝવેરાતમાં અર્ધો ભાગ લેવાનો હતો.
સોનાની યાદમાં દુઃખ ભૂલાઈ ગયું. પગમાં જોર આવ્યું, ઊભા થયા અને ઝડપથી પગ ઉપાડવા માંડ્યા. ગાડામાં બેસવાને કારણે એક લાભ તો થયો જ હતો. ઘણો રસ્તો ઓછા સમયમાં પસાર થઈ ગયો હતો. વાણિયો નજીકમાં જ હોવો જોઈએ. મિયાંંએ ઝડપથી પગ ઉપાડ્યા. વાણિયો દૂર ન હતો. ગાડાવાળો એકાદ માઈલ દૂર ગયો હશે. વાણિયાએ ગાડાવાળાને જોયો એટલે ઊભો રહ્યો. તેણે ગાડાવાળાને પૂછ્યું, “એ ભાઈ, રસ્તામાં તમને મિયાંં મળ્યા કે?”

ગાડાવાળાએ ગાડું ઊભું રાખ્યું. આખો બનાવ વાણિયાને કહી સંભળાવ્યો. વાણિયો તો પેટ પકડીને હસ્યો.

મિયાંંના સમાચાર આપીને ગાડાવાળો તો ચાલ્યો ગયો, પણ વાણિયાને ચિંતા થઈ. ગધેડું થાક્યું હતું. પોતે પણ થાક્યો હતો. પણ હવે હિંમત હારી જાય તો જીતેલી બાજી હારી જાય. વાણિયાએ ગધેડાને બે ડંડા મારીને દોડાવ્યું. પાછળ પોતે પણ દોડ્યો. દોડતાં દોડતાં જ વિચાર કરવા લાગ્યો. ‘મિયાંં દોઢ-બે માઈલ દૂર હશે. હવે મને પકડ્યા વિના રહેશે નહીં. બીજું તો ઠીક, મિયાંંને અર્ધો ભાગ આપવો પડે. મહેનત બધી મારી છે. મિયાંંને મફતનો ભાગ તો શેનો આપું? કંઈક ઉપાય તો શોધવો પડશે.’

ચાલતાં ચાલતાં જ તેને મોજડી યાદ આવી. થેલામાં શેઠાણીની મોજડી પણ હતી. મોજડી ખરી, પણ એવી મોજડી કે જોયા જ કરીએ. પગમાં પહેરવાનું મન ના થાય. ખૂબ મોંઘી મોજડી હતી.
આ મોજડી વાણિયાને બચાવી શકે. વાણિયાએ થેલામાંથી મોજડી કાઢી. હતી તો બે, પણ હોશિયાર વાણિયાએ એક મોજડી રસ્તામાં નાખી દીધી. એક જ મોજડી? હા, એક જ મોજડી.
બીજી મોજડી થેલામાં સાચવીને મૂકી દીધી. વળી પાછો તે ગધેડા સાથે દોડવા લાગ્યો.

લગભગ એક માઈલ જેટલું અંતર કાપી નાખ્યું. પછી થેલામાંથી બીજી મોજડી કાઢી. હવે આ બીજી મોજડીને રસ્તામાં ફેંકી દીધી.

હવે તો ગામ પણ નજીકમાં હતું. વળી પોતાની યુક્તિ સફળ જ થવાની તેવો તેને વિશ્વાસ હતો. હવે ઝડપથી દોડવાની જરૂર નથી. ગામ આવી ગયું. વાણિયો સીધો પોતાને ઘેર જ ગયો. પોતાના ઘરની પાછળ વાડો હતો. વાડામાં એક લીમડો હતો. ઝવેરાતનો થેલો ઉંચકીને લઈ ગયો. વાડામાં ઘરમાંથી કોદાળી શોધી કાઢી. ઝડપથી લીમડા નીચે ખાડો ખોદી કાઢ્યો. ઝવેરાતનો થેલો ખાડામાં મૂકી દીધો. થેલામાંથી થોડા પૈસા કાઢીને ખિસ્સામાં મૂક્યા. થેલાને બાંધી દીધો. ઉપર નાખી દીધી માટી. તેના પર નાખ્યું ઘાસ. હવે કોઈને શંકા જાય નહીં. કોદાળી સાફ કરીને એની જગ્યાએ મૂકી દીધી.

પછી વાણિયણને બોલાવી. પૈસા કાઢીને વાણિયણને આપ્યા. વાણિયણે જિંદગીમાં પહેલી વખત આટલા પૈસા જોયા. તેની તો આંખો જ ફાટી ગઈ, “આટલા બધા… !”

વાણિયાએ તેને વચ્ચેથી જ અટકાવી. ચૂપ રહેવાનો ઈશારો કરીને ધીમેથી કહ્યું, “આગળની બાજુ આપણો કૂવો છે. એ કૂવામાં એક બખોલ છે. મારી પાછળ પેલો મિયાંં પડ્યો છે. હું એ બખોલમાં રહીશ, તું મને સવાર-સાંજ શીરો બનાવીને મોકલજે. પૈસા ઠેકાણે મૂકી દે અને ચાલ જલદી કૂવા આગળ.”

વાણિયણ પૈસા મૂકવા ગઈ. વાણિયાએ એક જાડું દોરડું શોધી કાઢ્યું. કૂવાના કઠેરા પર એક છેડો બાંધી દીધો. બીજો છેડો કૂવામાં લટકતો નાખ્યો. એટલામાં વાણિયણ આવી પહોંચી. વાણિયાએ તેને સૂચના આપી, “હું કૂવામાં ઉતરી જાઉં પછી આ દોરડું છોડીને ઘરમાં મૂકી દેજો.”

દોરડું પકડીને વાણિયો કૂવામાં લટક્યો. પછી સડસડાટ નીચે ઉતરી પડ્યો. બખોલ આવી એટલે તેમાં બે પગ મૂકી દીધાં. ધીમેથી બખોલમાં બેસી ગયો. દોરડું છોડી દીધું. પછી વાણિયણને કહ્યું, “દોરડું છોડીને ઘરમાં લઈ જા. સવાર-સાંજ મને શીરો મોકલજે. મિયાંં આવે તો કહેજે કે હું આવ્યો જ નથી. હમણાં આવશે. જા જલદી.”

બિચારા લબ્બેજી!

ક્યારના આવી ગયા હોત, પણ પૂરેપૂરા છેતરાયા. એમને શી ખબર કે આમ બનશે?

એ સટાક, પટાક ચાલતા હતા. મિયાંંભાઈએ ફરી પાછી રસ્તા પર નજર રાખવા માંડી. માણસનાં પગલાં અને ગધેડાનાં પગલાં રસ્તા પર દેખાતાં હતાં. ઝીણવટથી જોતાં લાગ્યું કે પગલાં તાજાં જ છે. વાણિયો નજીકમાં જ હોવો જોઈએ. મિયાંંએ ઝડપ વધારી. પણ આ શું? ચાલવાની ઝડપ ઓછી થઈ ગઈ. રસ્તા પર મોજડી પડી હતી. પણ એક જ હતી. એક મોજડી વેચાતી લે પણ કોણ? મોજડી લેવી કે ન લેવી? થોડો વખત વિચાર કરવા તે ઊભા રહ્યા. છેવટે મોજડી ફેંકીને આગળ ચાલવા માંડ્યું. દૂરથી ગામ દેખાવા લાગ્યું. લબ્બેજીનો ઉત્સાહ વધી ગયો. તેમણે ઝડપ વધારી. પણ વળી પાછી મુશ્કેલી આવી. રસ્તા પર બીજી મોજડી પડી હતી. મિયાએ બીજી મોજડી ઉંચકીને જોવા માંડી. પહેલી મોજડી જેવી જ આ મોજડી હતી. હવે શું કરવું? બે મોજડી હોય તો સારા પૈસા મળે. બીજી મોજડી લેવા પાછા જવું?

લબ્બેજી હતા લોભી.

વાણિયાની યુક્તિ સફળ થઈ. લબ્બેજી બીજી મોજડી લેવા એક માઈલ પાછા ગયા. એક માઈલ પાછા આવ્યા. આટલો સમય મિયાંંનો બગડ્યો. એટલા સમયમાં વાણિયાએ માલ ઠેકાણે કરી નાખ્યો.

લબ્બેજી રહ્યા લબડતા!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *