પંડિતજીના માથે આફત

સાભાર - વેબ ગુર્જરી

માનસી પટેલ

શાળા – સિલ્વર ગ્રીન અંગેજી માધ્યમ શાળા, વિદ્યાનગરી હિમંતનગર

ગોરાણીને એક દિવસ બહારગામ જવાનું થયું. એમણે પંડિતજીને કહ્યું, “તમે ખાવાનું શું કરશો?”

પંડિતજી : તમે અમારી ચિંતા ન કરો. અમે મારું સંભાળી લઈશું !

ગોરાણી : લોજમા જમશો !

પંડિત : લોજમાં જમે મારો ભૂતોભાઈ !

ગોરાણી : તો આપણી બાજુમાં રહેતા કરુણાશંકરને ત્યાં જઈને ભાણું માંડશો ?

 

પંડિતજી : એને ત્યાં આ જગા પંડિત કદી જમે નહીં. એ તો કંજૂસનો કાકો છે. જમવામાં રોટલો અને છાશ જ મૂકે અને ત્યાં તો અમે પગ પણ માંડીએ નહીં. શું સમજ્યા ?

ગોરાણી: તો પેટ પૂજા કેમ કરવા ધારો છો ?

પંડિતજી: જુઓ, આ હાથ ભગવાને શા માટે આપ્યા છે ? કામ કરવા, અમે અમારા હાથે રસોઈ કરીશું. અમને રસોઈ કરતા આવડે છે. હા…..તમને કહી દીધું.

ગોરાણી બહાર ગયાં.

પંડિતજી રસોડામાં ગયા.

પાંજરામાં બટાટા પડ્યા હતા. તે સમારવા તેમણે છરી લીધી. પણ બટાટા કાપવાને બદલે છરીએ પંડિતની આંગળી સહેજ કાપી. લોહી વહેવા માંડ્યું. જોરથી છરી ફેંકીને પંડિતજી ઊભા થયા. ધોતિયાનો છેડો ફાડી ઘાસતેલના ડબામાં તે બોળીને આંગળી પર પાટો બાંધ્યો. મનોમન બોલ્યા, “છરી કેવી કમજાત કે બટાટા કાપવાને બદલે પરમ પવિત્ર આ વિપ્રવર્યની અંગુલી કાપી.”

જેમતેમ કરીને બટાટા સમારીને, તપેલીમાં વઘાર મૂકીને બટાટાનું શાક તૈયાર કર્યું.

શાક તૈયાર થયું એટલે ચૂલા પર ખીચડી તૈયાર થઈ ગઈ.

પંડિતજીને થયું કે ખીચડીની સાથે બે-ચાર ભાખરી હોય તો મજા આવે.

પંડિતજીએ ભાખરીનો લોટ બાંધ્યો, પછી તે ભાખરી વણવા લાગ્યા. પણ ભાખરીનો આકાર ગોળ રહેવાને બદલે કોઈ ભાખરી લંબચોરસ થઈ તો કોઈ ભાખરી ખૂણાવાળી બની. તો વળી કોઈ ભાખરી સાવ ઘાટ વિનાની રહી.

પણ પંડિતજી તો બેઠા પંડિત. તે મનમાં બોલ્યા, “ભાખરીનો આકાર ભલેને ગમે તે રહે, આપણે આકાર સાથે શી લેવાદેવા ? એનો સ્વાદ જળવાઈ રહેવો જોઈએ. આપણે ખાવા સાથે મતલબ. આકાર સાથે કશી મતલબ નહીં.

પછી તેમણે ચૂલા પરથી ખીચડી ઉતારવા માંડી. પણ સાણસીને બદલે હાથથી ઉતારવા જતાં તેમના જમણા અંગૂઠે ફોલ્લો પડ્યો.

મરે રે મરે….. કહીને ઝડપથી ખીચડીની તપેલી ચૂલા પરથી ઉતારીને નીચે જમીન પર મૂકી. પછી અબોટિયું પહેરીને પંડિતજી જમવા બેઠા.

થાળીમાં થોડી ખીચડી મૂકી, બાજુમાં બે-ચાર ભાખરી ગોઠવી અને એક વાડકામાં બટાટાનું શાક લીધું. પણ જ્યાં ખીચડીનો કોળિયો મોંમાં મૂક્યો કે તરત જ તે બૂમ પાડી ગયા !! કેમ કે ખીચડીમાંની એક કાંકરી દાંત સાથે કચડાઈ. પછી તેમણે ખીચડી જોવા માંડી તો તેમાં પાર વિનાના કાંકરા દેખાયા.

તે ગોરાણી પર મનમાં ખિજાઈ ઊઠ્યા અને બોલવા લાગ્યા, “આ ગોરાણી તો મને માથે પડ્યાં છે. ચોખા વીણીને નહીં ભર્યા હોયએટલે જ ખીચડીમાં કાંકરી આવે ને !! હવે ખીચડી કૂતરાને નાખી દેવી પડશે અને ભાખરી અને બટાટાના શાકથી જ કામ ચલાવવું પડશે.”

એમણે થાળીમાંથી ખીચડી તપેલીમાં મૂકી દીધી.

ભાખરી ખાવાનું શરૂ કર્યુંતો ભાખરીમાં પણ કાંકરીઓ આવવા લાગી. પંડિતજી મૂંઝાઈ ઊઠ્યા !

ખીચડી ખાવામાંથી બાકાત થયા પણ ભાખરીનેય બાકાત કરવી પડી. તેથી એમના દુઃખનો કોઈ પાર રહ્યો નહીં. પણ જગા પંડિત એમ હારી જાય તો એ જગા પંડિત શાના ?

તેમણે મનમાં કહ્યું, “અરે ! આ જગા પંડિત એકલા બટાટાના શાકથી પણ ચલાવી લે. પેટમાં કશુંક પડવું જોઈએ. બસ… ભલેને બટાટાનું એકલું શાક કેમ ન હોય ?”

એમણે બટાટાનું ફોડવું મોંમાં મૂક્યું કે થૂથૂથૂ… થૂથૂથૂ….થૂથૂથૂ….થવા માડ્યું.

બટાટાના શાકમાં મીઠું ઘણું પડી ગયું હતું. એટલે શાક ખારું ખારું ધુધવું બની ગયું હતું.

પંડિતજી ભાણા ઉપરથી ઊભા થઈ ગયા. હવે રસોઈ કરવાની હિંમત તેમનામાં રહી નહોતી.

પણ પેટમાં ઉંદરડા રમતા હતા. ભૂખથી પેટમાં વેંતએકનો ઊંડો ખાડો પડ્યો હતો.

પંડિતજીના મનમાં થયું કે જો વધારે વાર ભૂખ્યા રહેવું પડશે તો ચક્કર આવવા લાગશે.

હવે શું કરવું ?

એવામાં તેમને વિચાર આવ્યો કે લાવ કરુણાશંકરને ઘેર જવા દે. ભલે ભાણામાં સૂકો રોટલો અને છાશ પીરસે પેટ તો ભરાશે.

ઘરને તાળું મારીને પંડિતજી કરુણાશંકરને ઘેર ગયા.

કરુણાશંકર હિંચકા પર આરામથી બેઠા હતા. ઘેર તેમનાં પત્ની નહોતાં.

પંડિતજી: જે જે કરુણાશંકર !

કરુણાશંકર: જે જે પંડિતજી ! ઘણે દિવસે આવ્યા. આવો, બેસો, નિરાંતે વાતો કરીએ. આજે માંડ ફુરસદ મળી છે.

પંડિતજી: ઑફિસમાં રજા છે કે શું ?

કરુણાશંકર: રજા નથી રજા લીધી છે !

પંડિતજી: કેમ વારું ?

કરુણાશંકર : આજે મોટી અગિયારસ છે ! નકોડો ઉપવાસ કર્યો છે. થોડો ધરમ કરીએ તો આ માનવ ભવ સુધરે !!

પંડિતજી: તમારા પત્ની ?

કરુણાશંકર: એનેય નકોડો ઉપવાસ છે એટલે મંદિરે દર્શન કરવા ગઈ છે. આજે રાંધવાનું નથી એટલે ત્યાં કથામાં પણ ખાસ્સીવાર બેસશે ! બોલો, કેમ આવવાનું થયું ?

(પંડિતજી મનમાં બબડ્યા, “આવ્યા તો ખાવા માટે, પણ હવે તો અહીં ચૂલો જ સળગ્યો નહોતો પછી ખાવાની વાત જ ક્યાં રહી ?)

પંડિતજી બોલ્યા, “બસ, બજારમાં જવા નીકળ્યો હતો. થયું કે લાવ જરા કરુણાશંકરને મળતો જાઉં. ઘણા દિવસથી તમારે ઘેર આવ્યો નહોતો. લ્યો, હવે જાઉં ત્યારે.”

પંડિતજી ત્યાંથી રવાના થયા.

હવે તો લોજ વિના બીજો આશરો તેમને માટે રહ્યો નહોતો.

તેઓ એક લોજમાં ગયા. તેમણે લોજમાં મૅનેજરને પૂછ્યું, “ભાઈ, ભાણાનું શું લ્યો છો ?”

મૅનેજર: ચાર રૂપિયા !

પંડિતજી: અને મિષ્ટાન સાથે ?

મૅનેજર: સાત રૂપિયા.

પંડિતજીએ પૈસા માટે ખિસ્સામાં હાથ નાખ્યો પણ ખિસ્સામાં પાકીટ જ નહીં !!

તેમને યાદ આવ્યું કે પાકીટ તો ગોરાણી લઈ ગયાં હતાં. બીજા પૈસા ઘરમાં હતા. હવે શું થાય ?

તે બોલ્યા,“મૅનેજરભાઈ, અમે રજા લઈએ. લોજના દર્શન માત્રથી અમારી ક્ષુધા શાંત પામી છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *