એપલ કંપનીના જન્મદાતા સ્ટીવ જોબ્સ

   

જન્મ - ૨૪, ફેબ્રુઆરી - ૧૯૫૫             અવસાન - ૫, ઓક્ટોબર - ૨૦૧૧


-  વિનોદ પટેલ

       “નિષ્ફળતાના પીડાદાયી તબક્કામાં એક જ વસ્તુએ મને ટકાવી રાખ્યો હતો અને એ હતો - મારા કામ પ્રત્યેનો મારો પ્રેમ. I loved what I did.  સંતોષભર્યું જીવન તો જ જીવી શકાય છે જો તમે મનપસંદ ક્ષેત્રમાં હો, જો તમે એ કામ કરતા હો જેમાં તમે શ્રેષ્ઠ હો.”

- સ્ટીવ જોબ્સ

      આજે દુનિયાભરમાં બાળકોથી માંડી  વૃદ્ધજનોમાં લોકપ્રિય થયેલ 'એપલ' કંપનીની અનેક  પ્રકારની આધુનિક ટેકનોલોજીની પેદાશો જેવી  કે  i-Mac, i-Pad, i-Pod,અને i-Phone ઘેર ઘેર પહોંચી ગઈ છે.આવાં ખિસ્સામાં રાખીને ઉપયોગ કરી શકાય એવાં નાજુક સાધનોની શોધ કરીને સ્ટીવ જોબ્સે કોમ્પ્યુટર અને કોમ્યુનીકેશન ટેકનોલોજીમાં એક ક્રાંતિ  સર્જી દીધી છે.એપલ કંપનીએ બજારમાં મુકેલ આધુનિક ઉપકરણો વસાવવા માટેનો લોકોનો ક્રેઝ અદભુત છે.એપલના જનક સ્ટીવ જોબ્સ અને સાથીઓના અથાક પ્રયત્નોને પ્રતાપે જ આ ચમત્કાર શક્ય બન્યો છે.   

     સ્ટીવ જોબ્સના જન્મથી મૃત્યુ  સુધીના જીવનનો ચડાવ-ઉતારનો આલેખ  દર્શાવતી સાલવાર ટૂંકી જીવન કથા આ પ્રમાણે છે.

      જન્મ – ફેબ્રુ આરી ૨૪, ૧૯૫૫, સાન ફ્રાન્સિસ્કોમાં. એનું આખું નામ સ્ટીવન પોલ જોબ્સ.

      સાનફ્રાન્સિસ્કોની એક વિદ્યાર્થિની જોન સિમ્પસન અને મૂળ સીરિયાના અબ્દુલફતહ જોનનાં લગ્ન વિનાના પ્રેમ સંબંધનું પરિણામ એટલે સ્ટીવ. સ્ટીવનાં માતા-પિતા એ વખતે લગ્ન કરવા નહોતાં ઇચ્છતાં એટલે તેમણે પુત્રને દત્તક આપી દીધો. જોકે સ્ટીવની અસલી માએ સ્ટીવને ભણાવવાનું વચન લીધું અને પછી જ તેને દત્તક આપ્યો. સ્ટીવનાં પાલક મા-બાપનાં નામ- પોલ અને કાલરા.

      અભ્યાસ- ૧૯૭૨માં હાઇસ્કુલ ગ્રેજ્યુએટ.  રીડ કોલેજ, પોર્ટલેન્ડમાં દાખલ થયા પણ ફક્ત એક જ સેમીસ્ટર પછી ટ્યુશન ફી ન પોસાતાં ડ્રોપ આઉટ થયા. એમના કોલેજ કાળ અંગે ૨૦૦૫માં સ્ટીવ જોબ્સે  સ્ટેનફોર્ડ યુનિવર્સીટીનાં વિદ્યાર્થીઓ  સમક્ષ આપેલ એક ભાષણમાં આ પ્રમાણે કહ્યું હતું:

      "મેં જે કોલેજમાં એડમિશન લીધું હતું તે સ્ટેનફોર્ડ જેટલી જ મોંઘીદાટ હતી. મારાં નોકરિયાત મા-બાપે બિચારાઓએ આખી જિંદગી મહેનત કરીને જે પૈસા બચાવ્યા હતા તે તમામ મારી ફી ભરવામાં ખર્ચાઈ રહ્યા હતા. પહેલાં છ જ મહિનામાં મને કોલેજનું ભણતર નકામું લાગવા માંડયું. તે ઉંમરે હું ખુદ નક્કી નહોતો કરી શકતો કે લાઇફમાં હું શું કરવા માગું છું. મને એય સમજાતું નહોતું કે આ નક્કી કરવામાં કોલેજનું આ ભણતર મને કેવી રીતે કામમાં આવવાનું છે, તેથી મેં નિર્ણય લીધો કે મારે આગળ નથી ભણવું. કમ સે કમ મારાં મમ્મી-પપ્પાનું સેવિંગ તો બચશે. મનમાં ભરોસો હતો કે આખરે સૌ સારાં વાનાં થઈ જશે.મારો આ નિર્ણય મારા માટે આશીર્વાદ બન્યો.’’

     “It was not all romantic. I did not have a dorm room, so I slept on the floor in friend’s rooms,I returned coke bottles for the 5 cent deposits to buy food with and I would walk the seven miles across town every Sunday night to get one good meal a week at the Hare Krishna temple.”

    સ્ટીવ જોબ્સની વ્યવસાયી કારકિર્દી

  • એમણે 'એપલ'ની શરૂઆત કરી એ પહેલાં, વિડીયો ગેમ્સ બનાવતી કંપનીમાં જોબ કરી.
  • ૧૯૭૬માં એમના પાર્ટનર સ્ટીવ વોઝ્નીયાકની ભાગીદારીમાં એમના ગરાજમાં એપલ કંપનીનો પાયો નાખ્યો અને પછી એને  વિકસાવી.
  • ૧૯૮૪માં I-Mac પર્સનલ કોમ્પ્યુટર લોન્ચ કર્યું.પરંતુ એક વર્ષ પછી એપલના ચેરમેને એપલ કમ્પનીમાંથી સ્ટીવ જોબ્સને છુટા કરી દીધા. જે માણસે એપલ કંપની સ્થાપી હતી અને સફળ કરી દેખાડી હતી એ જ માણસને એની જ કંપનીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી! એ વખતે ત્રીસ વર્ષના સ્ટીવ જોબ્સ ભયંકર નિષ્ફળતાથી ભાંગી પડયા હતા.
  • ૧૯૮૬માં સ્થાપેલી એમની કંપની પીક્સારનું  ડીઝની કમ્પની સાથે જોડાણ કર્યું. ડિઝની સાથેની બનાવેલી ફિલ્મ 'ટોય સ્ટોરી'એ જાણે એમને રાખમાંથી બેઠા કર્યા.જ્યારે એપલની હાલત માઇક્રોસોફ્ટ સાથેની હરીફાઇને કારણે બગડી રહી હતી એવા સમયે પોતાના જ બાળક સમી એપલ કંપનીના તારણહાર તરીકે ખુદ સ્ટીવ પોતે જ આગળ આવ્યા.
  • ૧૯૯૬ માં તેઓ એપલમાં એડવાઈઝર તરીકે ફરી જોડાયા અને થોડા સમય પછી  વચગાળાના  CEO બન્યા.બીજી ઇનિંગમાં સ્ટીવ વધુ ઝનૂની કામ કરવા લાગ્યા અને એપલ કંપનીને ફરીથી ઊભી કરી તેઓ કમ્પ્યુટર અને ૨૧મી સદીના પહેલા દાયકામાં મોબાઇલની દુનિયામાં છવાઇ ગયા.
  • ૨૦૦૦માં તેઓએ કાયમી CEO તરીકે એપલ કમ્પનીની પુરેપુરી જવાબદારી સંભાળી.અને એમની નીગાહ્બાનીમાં  બઝારની માંગ મુજબ બનાવેલ લોકપ્રિય પ્રોડક્ટ્સ i-Pod,i-Phone & i.Pad એ વિશ્વભરના બઝારમાં ધૂમ મચાવી અને એપલ કમ્પની માટે જાણે નાણાંની ટંકશાળ ખડી કરી દીધી.
  • સ્ટીવે ૨૦૦૪માં પેન્ક્રિયેટીક કેન્સર માટે સર્જરી કરાવવી પડી હતી.૨૦૦૯માં લીવરનું ટ્રાન્સપ્લાન્ટ   કરાવ્યું હતું.     
  • ૨૦૧૧ ના  જાન્યુઆરીમાં નબળી તબિયતને લીધે તેઓ મેડીકલ લીવ ઉપર ઉતરી ગયા.
  • ઓગસ્ટ ૨૦૧૧માં CEO તરીકે રાજીનામું આપ્યું અને એપલ કમ્પનીના ચેરમેન ચૂંટાયા.

અવસાન-

     બુધવાર,૫મી ઓક્ટોબર,૨૦૧૧ના રોજ માત્ર ૫૬ વર્ષની ઉમરે એપલ કમ્પનીના પ્રણેતા સ્ટીવજોબ્સનું પેન્ક્રીયાટીક કેન્સરના લીધે  અકાળે  દુખદ અવસાન થયું.વિશ્વનો કોમ્પ્યુટર ટેકનોલોજી જગતનો એક સિતારો એની જિંદગીના મધ્યાહને જ ખરી પડ્યો.

     એમની વિદાયથી એપલ કંપનીને એક બૌદ્ધિક વિઝનરીની મોટી ખોટ જણાશે. દુનિયાભરનાં સમાચાર માધ્યમોએ અને જોબ્સના કરોડો પ્રસંશકોએ એમના મૃત્યુના દુખદ સમાચાર સાંભળીને આંચકો અનુભવ્યો હતો અને એમની ચમત્કારિક સિદ્ધિઓને યાદ કરીને ભવ્ય અંજલિઓ આપી હતી.

     સ્ટીવ જોબ્સ જો એક-દોઢ દાયકો વધુ જીવી ગયા હોત તો ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની દુનિયામાં કોણ જાણે બીજા કેવા ચમત્કાર કરી ગયા  હોત! આઇમેક, આઇપોડ, આઇપેડ, આઇટયૂન્સ અને આઇફોન પછી સ્ટીવ જોબ્સે આઇકાર જેની ચર્ચા એમણે શરુ કરી દીધી હતી એ ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિણામો હાંસલ કરી બતાવ્યાં હોત !

     ભૂતકાળમાં જીવનની શરૂઆતમાં જે વ્યક્તિ પાસે કોલેજની ફી માટે પૈસા ન હતા અને સારું ખાવા મળે એ માટે માઈલો ચાલીને દર રવિવારે હરે કૃષ્ણના મંદિરે જતી હતી એજ વ્યક્તિ મૃત્યુ પછી ૮.૩ બિલિયન ડોલર જેટલી જંગી સંપત્તિ પાછળ મુકીને જાય એ જેવી તેવી સિદ્ધિ ન ગણાય.

ફોર્બ્સ મેગેજીનના જણાવ્યા પ્રમાણે  વિશ્વના સૌથી મોટા ૫૦૦ ધનવાનોની યાદીમાં સ્ટીવ જોબ્સ ૧૧૦મા ક્રમે હતા.૧૮૮૫માં એમણે એપલ છોડ્યું ત્યારે એમણે જો એપલના શેરો વેચ્યા ન હોત તો આજના ભાવે આજે જગતના ધનવાનોની યાદીમાં એમનો નંબર ઘણો આગળ હોત !કેવી કમાલની એમની આ સિદ્ધિ કહેવાય!. 

      એક ભારતીય તરીકે આપણને સ્ટીવ જોબ્સના ઇન્ડિયા કનેક્શનની વિગતો આનંદ આપે  એવી  છે. ભૂતકાળમાં સ્ટીવ જોબ્સે ભારત જઈને જાણીતા કરોલી બાબાના આશ્રમની મુલાકાત લીધી હતી અને એમના આશિર્વાદ લીધા હતા.જ્યારે એ અમેરિકા પાછા આવ્યા ત્યારે એક પાકા ઝેન બુદ્ધિસ્ટ બનીને આવ્યા હતા.

   ૧૯૯૨ માં લોરેન્સ પોવેલ સાથે Yashomite National Park ખાતે એમના લગ્ન ઝેન બુદ્ધિસ્ટ સાધુને હસ્તે થયા હતા. તેઓ માંસ  અને પ્રાણીજન્ય ચીજો ખાતા ન હતા.ભારતની આયુર્વેદિક ચિકિત્સા અને Eastern Medicines ઉપર અને ભગવાન પર એમને ઊંડી શ્રધ્ધા હતી.એ માનતા હતા કે એમની કામમાં એકાગ્રતા અને સફળતામાં ભારતીય ધ્યાન-યોગાસનોનો અમુલ્ય ફાળો છે. 

  • જીન્દગી તમારી શરતો પર જીવો
  • સપનાં જુઓ
  • Stay Hungry  - એટલે કે જ્ઞાનની પિપાસા હંમેશા રાખો
  • ઈશ્વર પર શ્રધ્ધા રાખો

........એમ સૌને પોતાનાં પ્રવચનોમાં  અવારનવાર કહેનાર 'rags to riches' સુધીનું અચંબો પમાડે એવું ગજબનું  સફળ જીવન જીવીને વિદાય થયા.

     અમેરિકાની યુવાપેઢી માટે સ્ટીવ જોબ્સ આઇકોન બની ગયા હતા. એમના માટે તેઓ ક્રિએટિવ, જિનિયસ, વિઝનરી, ઇનોવેટર એવાં વિશેષણો વાપરતા થયા હતા.સ્ટીવ જોબ્સનું જીવન વિશ્વના કરોડો નવજુવાનો માટે પણ એક પ્રેરક ઉદાહરણ છે. 

‘’ જિંદગીનું ચિત્ર બનાવવા માટે ટપકાં જોડવાનાં હોય ત્યારે એક ટપકા પરથી બીજા ટપકા પર જતી વખતે (એટલે કે જીવનમાં નેક્સ્ટ લેવલ પર જવાની કોશિશ કરતી વખતે) કશાક પર તો ભરોસો રાખવો જ પડે. આ કશુંક તમારી અંતઃસ્ફુરણા, નસીબ, કર્મ કંઈ પણ હોઈ શકે. આ ભરોસો હોય તો એક-એક ટપકું જોડાતું જાય છે ને આખરે એક સળંગ સુરેખ ચિત્ર બને જ છે."

- સ્ટીવ જોબ્સ                                             

વિશેષ માહિતી વિકિપિડિયા પર  .....

--

4 thoughts on “એપલ કંપનીના જન્મદાતા સ્ટીવ જોબ્સ”

  1. ખૂબ સુંદર પ્રેરણાદાયી સંકલન…તેમના અંગે ઘણા મતભેદ છે પણ આ સ્ટીવ જોબ્સ એક સત્યઘટના છે. જેણે પોતાની હારેલી સલ્તનતના ફરી ચક્રવર્તી સમ્રાટ થઇ એપ્પલને આસમાને પહોંચાડી

  2. …ભૂતકાળમાં સ્ટીવ જોબ્સે ભારત જઈને જાણીતા કરોલી બાબાના આશ્રમની મુલાકાત લીધી હતી અને એમના આશિર્વાદ લીધા હતા Steve Job did not meet Karoli Baba, seehttp://www.abc.net.au/radionational/programs/archived/rhythmdivine/jobs-holy-man-and-apple-logo/4609698 Also apple logohas connection with this story.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *