એકવાર કલકતા યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરે પંડિત મદન મોહન માલવિયાના સામાજીક કાર્યોનો વખાણ કરતો એક પત્ર એમને મોકલ્યો. જ્યારે માલવિયાજીને એ પત્ર મળ્યો ત્યારે એ એક મિત્ર સાથે બેઠા હતા. પત્ર વાંચીને એમણે એમના મિત્રને કહ્યું, “આ તો અજબ જાતનો પત્ર છે. હું એમને શું જવાબ આપું?”
એમના મિત્રે પત્ર જોવા માંગ્યો. પત્ર જોઈને એમણે કહ્યું, “આમાં શું ખોટું છે? કલકતા યુનિવર્સિટી પાસેથી ડોકટરેટની ઉપાધી મળે એ તો બહુ મોટું સન્માન ગણાય.”
માલવિયાજી હસ્યા, અને કહ્યું, “મિત્ર તું અણસમજુ છે. આ સન્માન નથી પણ અપમાન છે. બનારસ યુનિવર્સિટીમાં હું પંડિત માલવિયા તરીકે ઓળખાઉં છું. આ કલકતા યુનિવર્સિટી મારી પાસેથી આટલી મોટી ડીગ્રી લઈ લેવા માગે છે અને બદલામાં ડોકટરની ડીગ્રી આપવા માગે છે, ડો. માલવિયા!”. એમનો મિત્ર સ્તબ્ધ થઈ ગયો.
માલવિયાજીએ પત્ર લખ્યો, “માનનીય સાહેબ, તમારી ઓફર માટે આભાર. મહેરબાની કરી મારા આ જવાબને અપમાન ન ગણશો, પણ જરા વિચારજો. હું જન્મથી અને કર્મથી બ્રાહ્મણ છું, અને બ્રાહ્મણના ધર્મ-નિયમ અનુસાર જીવું છું. મારા માટે પંડિતથી વધારે મોટી કોઈ ડીગ્રી નથી. મને લોકો પંડિત મદન મોહન માલવિયા કહે એ જ વધારે ગમશે. હું ઇચ્છું છું કે મારી લાગણીને સમજીને તમે મને પંડિત જ રહેવા દો.”
- પી.કે. દાવડા