મિત્રો, હરણ અને કાળિયાર એ બંને અલગ પ્રાણીઓ છે. મોટેભાગે જોવા મળે છે કે આ બંને પ્રાણીઓની વાત કરવામાં આવે ત્યારે ગૂંચવણ ઉભી થતી હોય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટીએ તમામ સજીવ પ્રાણીઓનું વર્ગીકરણ કરવામાં આવતું હોય છે જેનો મુખ્ય આધાર જે તે પાણીના બાહ્ય દેખાવ, અંગ ઉપાંગ તેમ જ કેટલીક આંતરિક રચનાઓ હોય છે. આજે આપણે બે મુખ્ય કહેવાતા એવા પ્રાણીઓની વાત કરશું જે દેખાવે મળતા આવતા હોવા છતાં વૈજ્ઞાનિક રીતે અલગ રૂપે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. જયારે વન વગડાની અથવા તો કોઈ ખેતરાઉ પ્રદેશની કે પછી કોઈ જંગલ વિસ્તારની મુલાકાતે જઈએ ત્યારે તેમ જ શહેરી વિસ્તારોમાં આવેલાં પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે જઈએ ત્યારે હરણ અને કાળીયાર આપણને જોવામાં આવતા હોય છે. ઘણી વાર્તાઓમાં પણ આ પ્રાણીઓનો ઉલ્લેખ આપણે જોયો છે.
જીવશાસ્ત્રના વૈજ્ઞાનિકોએ પૃથ્વી પર આવેલાં લગભગ મોટાભાગના સજીવોનો ઝીણવટપૂર્ણ અભ્યાસ કરીને તેમને વિવિધ વર્ગોમાં જુદા પાડ્યા છે. સસ્તન પ્રાણી એ એક એવો વર્ગ છે જેના શરીર પર વાળ/રૂંવાટી હોય છે અને માદા પ્રાણી પોતાના બચ્ચાંઓને દૂધ પાઈને ઉછેરે છે. માણસ પણ સસ્તન વર્ગમાં જ આવે છે તે તમે સમજી શકો છો. માતા પોતાના બાળકોને ધવરાવીને પોષણ પૂરું પાડે છે. હવે સસ્તન પ્રાણીઓને પણ જુદીજુદી રીતે વિભાજીત કરવામાં આવ્યા છે. આપણે જાણીએ છીએ કે ગાય, ભેંશ, બળદ, ઘેટાં, બકરાં જેવાં પ્રાણીઓ સતત વાગોળતાં રહે છે. આ એક ખોરાકને પચાવવાની રીત છે. આવાં વાગોળતાં પ્રાણીઓને ‘Ruminant’ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત વાગોળતાં પ્રાણીઓને પગમાં ખરી ( hoof) પણ જોવામાં આવે છે. આવાં ખરી ધરાવતા પ્રાણીઓને ‘આર્ટીઓડકટાયલા’ ( Artiodactyla) (બેકી સંખ્યામાં આંગળા) અથવા ‘પેરીસોડકટાયલા’(Perissodactyla )
(એકી સંખ્યામાં આંગળા) માં વર્ગીકૃત કરાયેલાં છે.
આપણે આજે હરણ અને કાળિયાર વિષે જાણીએ. આ બંને પ્રાણીઓ ઉપર દર્શાવ્યા મુજબ સસ્તન પ્રાણીઓ છે, વાગોળતાં હોવાથી રૂમીનંટ પ્રાણી છે અને બંનેને પગના તળીયે ખરી પણ હોય છે. ખરીમાં બેકી સંખ્યામાં આંગળા હોવાથી તેઓ આર્ટીઓડકટાયલા વર્ગમાં મુકાયેલા છે. ત્યારબાદ કેટલાક ફેરફારને ધ્યાનમાં લેતા હરણને અને કાળીયારને અલગ અલગ કુળમાં મુકવામાં આવ્યા છે. હરણને ‘સર્વીડી’ (Cervidae ) કુળમાં અને કાળિયારને ‘બોવીડી’ ( Bovidae )કુળમાં સ્થાન આપવામાં આવ્યું છે. હવે આપણે બંનેમાં કેવા કેવા ફેરફાર જોવામાં આવે છે તે વિચારીએ.
હરણ: હરણના શિંગડાંને એન્ટલર કહેવામાં આવે છે. વર્ષ દરમ્યાન હરણના શિંગડાં એકવાર ખરી પડે છે અને તેની જગ્યાએ નવા શિંગડાં ફરી ઉગે છે. હરણના શિંગડાં શાખાઓ ધરાવે છે.
હરણ અને કાળીયારના પગના તળીયે આવેલી ખરી(
ચિતલ - Spotted deer
ખરી ( hoof )
કાળીયાર: કાળીયાર એન્ટીલોપ શ્રેણીમાં આવતું પ્રાણી છે. ઘણી રીતે હરણને મળતું આવે છે પરંતુ કેટલીક બાબતોમા જુદું પડે છે. આપણા દેશમાં એન્ટીલોપ શ્રેણીના ૪ પ્રાણીઓ જોવા મળે છે જેમાં કાળીયાર, નીલગાય, ચૌશીન્ગા અને ચીન્કારાનો સમાવેશ થાય છે.
કાળિયાર - black buck
નીલ ગાય - blue bull
હરણના શિંગડાં નક્કર હાડકાંના બનેલાં હોય છે અને શાખાઓ ધરાવે છે જયારે એન્ટીલોપના શિંગડાં પોલાં હોય છે જેની ફરતે હાડકાનું પાતળું પડળ વીંટળાયેલું હોય છે. વળી એન્ટીલોપના શિંગડાં હરણના શિંગડાંની માફક ક્યારેય ખરી પડતા નથી અને કાયમી હોય છે તેમ જ સ્પ્રિંગ આકારના હોય છે જે નાની નાની રીંગ વડે બનેલાં હોય તેવો દેખાવ આપે છે.
વાગોળવું: ખોરાક પચાવવા માટે વાગોળતાં પ્રાણીઓ (રૂમીનંટ્સ) ઘાસ, પાંદડા ચર્યા બાદ તેને સીધી રીતે પચાવી શકતાં હોતા નથી. આવાં પ્રાણીઓ ચરિયાણ કરતી વખતે મોટા જથ્થામાં ચારો ગળે ઉતારી લેતા હોય છે. પછી નિરાંતે કોઈ એક આરામદાયક જગ્યા શોધીને વાગોળે છે. તેમનું જઠર ચાર ચેમ્બરમાં વહેંચાયેલું હોય છે. પ્રથમ બે ચેમ્બરમાં બેક્ટેરિયાની મદદથી યોગ્ય એન્ઝાઈમનું નિર્માણ થાય અને અડધું પાચન થઇ શકે. ત્યારબાદ પચ્યો ના હોય તેવા ખોરાકને ગોળા સ્વરૂપે મોં તરફ ધકેલી દેવાતો હોય છે. આ ગોળા સ્વરૂપે મોં માં પરત આવેલ ખોરાકને ‘કડ’ કહેવામાં આવે છે જે પ્રાણીઓ દ્વારા સતત ચવાતો રહે છે. બરાબર ચાવ્યા બાદ ફરી આ ખોરાકનું ત્રીજા અને અંતે ચોથા ચેમ્બરમાં સંપૂર્ણપણે પાચન થાય છે.
દોસ્તો, આશા છે કે તમને હરણ કુળ, એન્ટીલોપ કુળ વિષે જાણકારી મળી હશે અને બંનેના તફાવતથી તમે સુમાહિતગાર થયા હશો.
- ચંદ્રશેખર પંડ્યા
નોંધ:
પ્રસ્તુત લેખમાં ઈન્ટરનેટ પરથી જે ચિત્ર લેવામાં આવ્યા છે તેનો ઉપયોગ ફક્ત શિક્ષણ અને બાળકોમાં વન્યપ્રાણીઓ વિષે જાગૃતિ પેદા કરવા પુરતો જ રાખવામાં આવ્યો છે. કોઈ પ્રકારનો વ્યવસાયિક ઉદ્દેશ્ય નથી.
એન્ટીલોપ કુળ વિષે સ રસ જાણકારી
ધન્યવાદ