હીરો ઘોઘે જઈ આવ્યો અને ડેલીએ હાથ દઈ આવ્યો
જે વ્યક્તિમાં વિચાર શક્તિ ઓછી હોય અને સમજ્યા વગર કોઈ કામ કરી આવે ત્યારે આ કહેવત કહેવાય છે.
એક શેઠને ત્યાં એક નોકર હતો તેનું સાચું નામ તો બીજું હતું પણ શેઠ શેઠાણી તેને હીરો કહીને જ બોલાવતા. શેઠને ખબર કે આ હીરોમાં અક્કલ ઓછી છે તેમ છતાં તેને નાના નાના કામ સમજાવીને સોંપતા. તેમ છતાં તેમાંય કોઈ ગરબડ ન કરે તો તેનું નામ હીરો નહીં. સાધારણ રીતે બહારગામનું કામ શેઠ જાતે જ કરતા. એક દિવસ તેમને ઘોઘાનું એક કામ આવી પડ્યું. પણ તે ત્યાં જઈ શકે એમ ન હતાં કારણ તે કામથી પણ વધુ અગત્યનું કામ બીજા ગામનું હતું. એટલે રાતના શેઠાણી સાથે ચર્ચા કરી ત્યારે શેઠાણીએ કહ્યું ઘોઘાનું કામ હીરાને સોંપો. બરાબર સમજાવશો તો વાંધો નહીં આવે અને તે કોઈ ભૂલચૂક કરશે તો પણ કોઈ ખાસ નુકસાન નથી. શેઠે પણ તેમાં સંમતિ આપી.
હવે હીરો બહારથી આ વાતચીત સાંભળી ગયો. તેને થયું કે દર વખતે શેઠ મને કામ બરાબર ન કરવા બદલ ધમકાવે છે તો આ વખતે હું તેઓ કહે તે પહેલા જ કામ કરી દેખાડું એટલે તે રાજી થશે. આમ વિચારી તે રાતના તરત જ ગયો અને ઘોઘા પહોંચ્યો. પણ રાતના શહેરના દરવાજા બંધ રખાતા હોય તે અંદર ન જઈ શક્યો. તેમ છતાં ગામના દરવાજાને હાથ લગાડી તરત પાછો વળી ગયો.
બીજે દિવસે સવારે જ્યારે શેઠે તેને બોલાવ્યો અને કહ્યું કે તારે ઘોઘા જવાનું છે ત્યારે હીરોએ કહ્યું કે, "શેઠ હું ધોઘા જઈ આવ્યો." શેઠ નવાઈ પામ્યા અને વધુ પૂછતા તેણે કહ્યું કે, "તમે રાતના શેઠાણી સાથે વાત કરતાં હતાં તે મેં સાંભળી હતી અને તમે જેમ ઇચ્છતા હતાં તેમ હું રાતના જ ઘોઘા જઈ આવ્યો."
"પણ રાતના તો ગામના દરવાજા બંધ હોય છે અને વળી શું કામ જવાનું છે તો તને ખબર નથી તો ત્યાં જઈને શું કર્યું?" શેઠે પૂછ્યું.
જવાબમાં હીરો બોલ્યો કે, "ગામના દરવાજા બંધ હતાં એટલે તેને હાથ લગાડીને પાછો આવ્યો!"
શેઠે માથે હાથ દીધો અને બોલ્યા ....
હીરો ઘોઘે જઈ આવ્યો અને ડેલીએ હાથ દઈ આવ્યો
- નિરંજન મહેતા