૧૦૬ વર્ષની ઉંમર વાંચી એક વખત તો નવાઈ લાગે કે આ ડોશીમા કેવી જિંદગી જીવતા હશે. પણ આ ડોશીમા અન્ય ડોશીમાથી જુદા છે.
વાત છે સ્વિડનના શ્રીમતિ ડેગની કાર્લસનની.
૯૯ વર્ષ સુધી તો તે અન્ય મહિલાઓની માફક જીવ્યા અને સંસાર ચલાવ્યો પણ ૯૯ વર્ષના થયા ત્યારે કોઈએ તેમને કોમ્પ્યુટર ભેટ આપ્યું અને તેઓ ૧૦૦ વર્ષના થયા ત્યાં સુધીમાં તો પોતાની નવું શીખવાની તાલાવેલીએ તેમાં પારંગત થયા. ત્યાર પછી લોકો માટે કાંઈક કરવાની ઈચ્છાથી તેમણે પોતાનો બ્લોગ શરૂ કર્યો જેને આજ સુધી ૨૮ લાખ જેટલા લોકોએ માણ્યો છે.
તેમના ઉમંગ, ઉત્સાહ અને હકારાત્મક વિચારોને લોકો સમક્ષ રજુ કરવા તેમને ઠેકઠેકાણેથી પ્રવચન આપવા આમંત્રિત કરવામાં આવે છે. એટલું જ નહીં તેઓ ત્યાના ટી.વી. શોમાં પણ આવી ચુક્યા છે.
સ્વિડન દેશ દુનિયાનો સૌથી ખુશીવાળો દેશ ગણાય છે અને તેમાંય આ ડોશીમાનો નંબર પહેલો છે. તેને કારણે સ્વિડનના રાજા કાર્લ ગુસ્તફ અને રાની સિલ્વિયાએ તેમનું સન્માન પણ કર્યું છે. આ ઉપરાંત સ્વિડનની યુનિવર્સીટીએ તેમને ૨૦૦૦ યુરો એટલે કે લગભગ રૂ. ૧.૬૦ લાખ આપ્યા જે તેમણે જન્મદિવસે વાપરી નાખ્યા. જે મહિલા ત્યાંની છોકરીઓ જીન્સ પહેરે તેની ચીડ હતી તે હવે ખુદ જીન્સ પહેરે છે. આ તેની ઝિંદાદિલી દાખવે છે.
સવારના ચા-નાસ્તો પછી નેટ ઉપર બધા અખબારોનું વાંચન કર્યા બાદ સારી સારી માહિતી અને પોતાના વિચારો તે પોતાના બ્લોગ ઉપર મુકે છે. રમૂજમાં કહે છે કે, 'જો તે એક દિવસ પણ પોતાના બ્લોગ પર નહીં લખે તો લોકો સમજશે કે હું મરી ગઈ!'
તેમના લાંબા આયુષ્યનું રહસ્ય પૂછતાં તેમણે કહ્યું કે, "એક તો સારી જાણકારી અને નવી નવી વસ્તુઓ શીખવાની ટેવ. બીજું ગામ પંચાત ન કરવી અને અન્યોની ખણખોદમાં સમય ન વેડફવો. દુનિયામાં શું બની રહ્યું છે તે જાણવું, તે વિચારવું અને તેમાંથી સારી વસ્તુ લોકો સુધી પહોંચાડવી. સાથે સાથે ઉમંગ અને ઉત્સાહમાં રહેવું પણ જરૂરી છે."
મિત્રો, આ ઉપરથી તમે સમજી જશો કે કોઈ પણ નવી ચીજ શીખવા માટે ઉંમરનો કોઈ બાધ નથી. તમારા ઉત્સાહ અને ધગશ જેટલા પ્રબળ એટલું તમે નવું નવું જાણી શકશો અને તેનો આનંદ મેળવી શકશો.
(તાં. ૨૭ ઓગસ્ટ ૨૦૧૮ના ‘જન્મભૂમિ’ અખબારમાં પ્રકાશિત શ્રી પાર્થ દવેના લેખ પર આધારિત )
- નિરંજન મહેતા