લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે
માનવીના મનમાં એકવાર લોભ જાગે ત્યારે તે વગર વિચાર્યે કોઈકની વાતમાં આવી જાય અને પછી તે અંતે તો પોતાની મૂડી કે વસ્તુ ગુમાવે છે. આવી વ્યક્તિઓના સ્વભાવને ઓળખી તેનો લાભ લેના ધુતારા ઓછા નથી. તે લોકોના ભોળપણનો લાભ લેવાનું આ ધુતારા ચૂકતા નથી. તે ઉપરથી આ કહેવત બની છે.
ધુતારા ભોળા અને અણસમજુ લોકોને જુદી જુદી રીતે ફસાવીને તેમને છેતરે છે તેમાં એકના બમણા પૈસા કરવા, સોનાનાં ઘરેણા બમણા કરવા જેવા સામાન્ય બનાવો છે જે હાથચાલાકીનું પરિણામ છે. આમાં નિર્દોષ માણસો ફસાય છે અને પોતાનું સર્વસ્વ ગુમાવે છે.
આનું જ્વલંત ઉદાહરણ છે મહાભારતમાં જેમાં લોભને કારણે યુધિષ્ઠિર કૌરવો સાથે જુગાર રમવાનું સ્વીકારે છે અને સર્વસ્વ હારે છે. આ સંદર્ભમાં એ પણ કહેવાય છે કે હાર્યો જુગારી બમણું રમે, એ આશાએ કે તેણે ગુમાવેલી મૂડી હવે પછીના દાવમાં પાછી મેળવશે જે અંતે ખોટી પડે છે અને નિરાશા જ પ્રાપ્ત થાય છે.
આ જ રીતે લોટરી ટિકિટ માટે પણ કહી શકાય કે જેમાં નજીવી રકમની સામે જંગી રકમ મેળવાનો લોભ હોય છે. અને તે માટે પ્રયત્નો પર પ્રયત્નો કરાય છે. પણ અંતે તો ફાયદો જેમણે આ યોજના બનાવી તેમને જ થાય છે.
- નિરંજન મહેતા