ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન

            ૫મી સપ્ટેમ્બરના દિવસે દરેક શૈક્ષણિક સંસ્થાઓમાં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના માનમાં તેમજ વ્યક્તિઘડતરમાં શિક્ષકની ભૂમિકાને લીધે શિક્ષકદિનની ઉજવણી થાય છે. આ અનેરા ઉત્સવની શરૂઆત કેમ થઈ હતી તે જાણીએ.

            ૫મી સપ્ટેમ્બર ઈ.સ.૧૮૮૮માં ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ તામિલનાડુ રાજ્યના તિરૂટ્ટની ગામમાં બ્રાહ્મણ પરિવાર થયો હતો. તેઓ એક પ્રોફેસર, ફિલોસોફર અને ભારતના શિક્ષણ જગતમાં આમૂલ પરિવર્તન કરનાર યુનિવર્સિટી પંચના અધ્યક્ષ તેમજ દેશના બીજા રાષ્ટ્રપતિ હતા.

             રાષ્ટ્રપતિ બન્યાં બાદ એક દિવસ તેના વિદ્યાર્થીઓ અને મિત્રો દ્વારા તેમના જન્મદિવસની ઊજવણી કરવાનું કહેવાયું. ત્યારે તેઓએ કહ્યું કે, “મારો વ્યક્તિગત જન્મદિવસ ઉજવવો નથી. પરંતુ મારા જન્મદિવસે દેશભરના તમામ શિક્ષકોને વિશેષ માન આપવા શિક્ષકદિનની ઊજવણી કરો”. ત્યારથી એટલે કે ઈ.સ. ૧૯૬૨થી દેશની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષકદિનની ઊજવણી થાય છે. તેઓ અદ્ભુત વ્યક્તિત્વ ધરાવતા હતાં. તેમના પ્રેરક જીવન વિશે જાણીએ.

            દક્ષિણ ભારતના રિવાજ મુજબ પૂર્વજોના ગામનું નામ એ જ વ્યક્તિની અટક બનતી હતી. આમ રાધાકૃષ્ણનની અટક સર્વપલ્લી બની.  તેઓએ પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ બેલૌર અને તિરૂપતિમાં મિશન સ્કૂલમાં લીધુ હતું. એમ.એ. તર્કશાસ્ત્ર અને દર્શનશાસ્ત્ર વિષયમાં મદ્રાસની ક્રિશ્ચિયન કોલેજમાંથી શિક્ષણ લીધું હતું. ૧૯૦૯માં તેઓ મદ્રાસની એક કોલેજમાં દર્શનશાસ્ત્ર વિષયના અધ્યાપક તરીકે નિયુકત થયા. ત્યારબાદ મૈસુર તથા કલકત્તાની વિશ્વવિદ્યાલયોમાં પણ દર્શનશાસ્ત્રના અધ્યાપક તરીકે કાર્ય કર્યુ હતું. તેઓએ આંધ્ર અને કાશી હિન્દુ યુનિવર્સિટીમાં કુલપતિપદને શોભાવિત કર્યુ હતું. અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંગઠનો અને શિષ્ટ મંડળોનું નેતૃત્વ કર્યુ હતું. ઉપરાંત યુનેસ્કોની કાર્યકારી કમીટીના અધ્યક્ષ પદે ૧૯૪૮-૪૯માં સેવા આપી હતી. તેઓએ વિદેશોની અનેક યુનિવર્સિટીઓમાં પ્રભાવક વ્યાખ્યાનો આપ્યા હતાં. ભારત અને વિશ્વના અનેક દેશોની યુનિવર્સિટીઓએ તેઓશ્રીને 'ડોકટરેટ'ની માનદ્દ ઉપાધિથી સન્માનીત કર્યા હતાં.

            ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન, ૧૯૫૨-૬૨ના સમયમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ અને ૧૯૬૨-૬૭માં રાષ્ટ્રપતિ તરીકે રહ્યા હતાં. તેઓના રાષ્ટ્રપતિ પદના સમયગાળામાં ૧૯૬૨માં ભારત-ચીન યુધ્ધ અને ૧૯૬૫માં ભારત-પાકિસ્તાન યુધ્ધ લડાયું હતું. તેઓએ ઓજસ્વી વ્યકતવ્યો આપીને ભારતના સૈનિકોના મનોબળને ઉંચા લઇ જવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

            ૧૯૫૪માં ભારત રત્નનો સર્વોચ્ચ ખિતાબ અર્પણ કરીને ભારતે આ મહાન શિક્ષક પ્રત્યેનું પોતાનું ઋણ અદા કર્યુ છે. 'ટેમ્પલટન પારિતોષિક' મેળવનાર તેઓ વિશ્વના પ્રથમ બિન ખ્રિસ્તી વિજેતા હતાં. ડો. રાધાકૃષ્ણને દર્શનશાસ્ત્ર અને સંસ્કૃતિના વિષય પર ૧૫૦ જેટલા પુસ્તકોની રચના કરેલ છે. જેમાં `ફિલોસોફી ઓફ ધી ઉપનિષદસ', 'ભગવદ્દગીતા', ‘ઇન્ડીયન ફિલોસોફી’ વગેરે ગ્રંથોનો સમાવેશ થાય છે.

            તેઓ ૧૯૬૭માં રાષ્ટ્રપતિ તરીકે નિવૃત થયા. નિવૃતિ બાદ તેઓ ચેન્નાઇમાં જ રહ્યા. તા.૧૭મી એપ્રિલ ૧૯૭૫ના રોજ તેમનો દેહવિલય થયો. તેઓએ આપણા દેશની કિર્તી સમગ્ર વિશ્વમાં ફેલાવી હતી. આવા મહાન અધ્યાપક-શિક્ષકને શત શત વંદન.

ડૉ. સંજય કોરિયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *