ઘરના છોકરાં ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો
પોતાનાને બાજુએ મૂકી પારકાને લાભ કરાવે ત્યારે કહેવાય છે કે 'ઘરના છોકરાં ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો.'
આની પાછળ બહુ જૂની વાયકા છે.
જૂના જમાનામાં ગામમાં ગરીબીનું સ્તર બહુ નીચે. બે ટંક ખાવાનાં પણ સાંસા. રોજનું રોજ જે થોડું ઘણું મળે તેમાંથી ચલાવવાનું. આવા એક ગરીબ ઘરમાં ઘઉં મળતાં સંતાનોને જે પણ થોડું ઘણું આપી શકાય માની મા ઘંટીએ દળવા બેઠી. સંતાનો પણ આતુરતાથી રોટલાની રાહ જોતા હતાં. દલણ પત્યું નથી ત્યાં એક સાધુ ભિક્ષા માંગવા આવે ઉભો.
આંગણે આવેલાને ખાલી હાથે ન જવા દેવાય એટલે માએ દળેલો જે થોડો લોટ હતો, તે સાધુને આપી દીધો. હવે સંતાનો માટે કશું બચ્યું નહિ. પણ ભૂખ્યા બાળકો શાંત કેમ રહે. તેમણે જોયું કે, દળતાં દળતાં ઘંટીના પડમાં થોડો લોટ ચોંટી રહ્યો છે એટલે તેઓ તે ચાટવા લાગ્યા. મા બિચારી શું બોલે?
બસ ત્યારથી કહેવાય છે ઉપરની કહેવત.
- નિરંજન મહેતા