દાદીમા

      ઘરના એકાંત ખૂણામાં બેસી રડી રહેલા દાદીમાને આંસુ સારતા તેમનો પૌત્ર સંસ્કાર દેખી રહ્યો હતો, તેનામાં સમજશક્તિ તો એટલી વિકસિત ન હતી પરંતુ તેણે સવારે એની મમ્મી અને પપ્પા દાદીને વઢતા હતા એ જોયું હતું અને એ એટલું તો સમજી ચુક્યો હતો કે એની પ્યારી દાદીમા એટલે જ રડે છે.

       સંસ્કાર દાદીમા પાસે આવી બંને નાનકડા હાથે એમના આંસુ લૂછે છે અને કાલીઘેલી ભાષામાં પૂછે છે, ‘દાદી દાદી તમે કેમ રડો છો?’

       દાદીનું એમના પૌત્રને જોતા અડધું દુઃખ દૂર થઈ જાય છે. દાદી બોલ્યા. ‘બેટા, આજે તારા દાદાજીનું શ્રાદ્ધ છે અને મેં સવારે વહેલા ઉઠી ખીર બનાવી અને કાગપિતૃને વાસ તરીકે નાખી જે તારા મમ્મી પપ્પાને ના ગમ્યું તેથી મને વઢ્યા.

      સંસ્કાર :- ‘પણ દાદી મમ્મી તો તને રોજ વઢે છે, તને ઉતારી પાડે છે અને પપ્પા પણ કોઈ કોઈ દિવસ તારા ઉપર ગુસ્સો કરે છે. કેમ? મમ્મી પપ્પાની તું મમ્મી નથી?’

      દાદી: -‘બેટા એવું નથી. ઘડપણમાં મારી યાદશક્તિ, સાંભળવાની શક્તિ, સમજશક્તિ ઘટી ગઈ છે. તેથી હું નાની નાની ભૂલો કરું છું. તેથી તારી મમ્મી મને ખાલી સમજાવે છે. તું આ બધું મન ઉપર ના લે બેટા. જા રમ.’ કહેતા કહેતા દાદીમા સુઈ જાય છે.

      સંસ્કાર દોડતો દોડતો એના મમ્મી પપ્પાના રૂમમાં જાય છે.

       સંસ્કાર- ‘મમ્મી, એક વાત પૂછું?’

        મમ્મી- ‘બોલ દીકરા.’

        સંસ્કાર- ‘મમ્મી ઘરડા માણસો નકામા થઈ જાય છે?’

          મમ્મી- ‘કેમ બેટા આવું પૂછે છે?’

           સંસ્કાર- ‘મમ્મી, તું રોજ બાને નથી કહેતી તમે સાવ નકામા છો એટલે પૂછ્યું. તો તો મમ્મી તમે અને પપ્પા પણ હું મોટો થઈશ એટલે નકામા થઈ જશો ને? પછી મારે પણ તમને બંનેને રોવડાવા પડશે?

       સંસ્કારની મમ્મી પાસે કોઈ જવાબ ના હતો.

        સંસ્કાર:- ‘પપ્પા, તમને એક પ્રશ્ન પૂછું?’

        પપ્પા :-  ‘હા, પૂછ.’

        સંસ્કાર:- ‘પપ્પા, હું પણ નકામો છું?’

         પપ્પા :- ‘ના બેટા તું તો અમારો લાડકો દીકરો છે.’

          સંસ્કાર :- ‘મારા ટીચર કહે છે કે ઘડપણ અને બાળપણ બંને એક સમાન હોય તો મને લાગ્યું કે દાદી નકામા છે તમારા માટે તો હું પણ નકામો જ થયોને?  એમની સમજશક્તિ ઘટી ગઈ છે તો મારામાં તો આવીજ નથી. તો થયા ને અમે બંને સરખા?’

       સંસ્કારના મમ્મી અને પપ્પા ઉભા થઇ જાય છે.

        સંસ્કાર :- ‘અમારા ટીચર એવું પણ કહેતા હતા કે વૃક્ષ ગમે તેટલું ઘરડું થાય તો ફળ ના આપે પણ છાંયડો તો આપે જ છે. તો દાદી એવુ ઘરડું વૃક્ષ છેને?’

       સંસ્કારની કાલીઘેલી પરંતુ આવી વાતો સાંભળી સંસ્કારના મમ્મી અને પપ્પાના હોશ ઉડી ગયા એમને પોતાના વર્તન પર પસ્તાવો થવા લાગ્યો, એ દોડતા જઇ દાદીમાના પગમાં પડી ગયા અને પોતાના વર્તન માટે માફી માંગી.

       આમ આ ઘરમાં એક સંસ્કાર નામના બાળકે મા બાપની આંખો ઉઘાડી અને દાદીમાની પાછલી જીંદગી સુધારી પરંતુ આજના ઘોર કળયુગમાં આવા સંસ્કાર ક્યાંથી આવશે?

*એક ભાનુશાલી*

(વોટ્સ એપ પર મળેલ એક સંદેશ)

 

      -      નિરંજન મહેતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *