સાત ચોપડી પાસ

    ‘ હું તો સાત ચોપડી પાસ છું.’ – મેજર બોલ્યા.

     અમે એમને મેજર તરીકે જ ઓળખતા હતા. એમનું નામ તો ***** પટેલ હતું. પણ એ વખતે પણ અમને એ નામ ખબર ન હતી. ઘણે મોડે એમનું અસલી નામ જાણવા મળ્યું હતું; પણ અત્યારે એ સ્વાભાવિક રીતે યાદ નથી.

મેજર અને સાત જ ચોપડી પાસ?

      હા! પણ કેવી ચોપડી? !


      વાત જાણે એમ છે કે, સાબરમતી ખાતે આવેલા, મ્યુનિ. પૂલના  સ્વિમિંગ કોચે મારું વાર્ષિક સભ્યપદ રિન્યુ કરવા, મારી તરણ પરીક્ષા લીધી હતી; અને એમાં હું નાપાસ થયો હતો. દર સાલ તો બધા કોચ મારી ઓછી શક્તિ જાણીને મને પૂલની એક જ લંબાઈ તરાવી પાસ કરી દેતા હતા. પણ નવા આવેલા આ કોચ, મેજરે તો બધાની પરીક્ષા લેતા હતા તેમ, મને પણ પૂલની લંબાઈ પાર કરી, વચ્ચે અટક્યા વિના પાછા આવવા કહ્યું હતું. આ મારી તાકાત બહારની વાત હતી. એટલે પાછા વળતાં પા ભાગની લંબાઈ જ પાર કર્યા બાદ, મેં પૂલની કિનાર પકડી લીધી હતી.

      અને મેજરે મને ત્રણ દિવસ પ્રેક્ટિસ કરી, ચોથા દિવસે ફરીથી પરીક્ષા આપવા કહ્યું હતું.

      મને કાંઈ તરતાં નહોતું આવડતું એમ નહીં. સાત વર્ષથી હું એ પૂલમાં સભ્ય હતો. પણ આ નવી નવાઈના કોચ – મેજર સાહેબને મારી આ નબળાઈ સ્વીકાર્ય ન હતી. મારી ઉમ્મર એ વખતે બાવન વર્ષની હતી; અને આ તાકાત મારામાં હોવી જોઈએ, એવી એમની અપેક્ષા પણ અસ્થાને ન હતી.

     પણ કાંઈ ચાર જ દિવસમાં મારાં પાતળાં સોટી જેવાં બાવડાં અને દમિયલ ફેફસાં ઓલિમ્પિકના ખેલાડી જેવાં થોડાં જ બની જવાનાં હતાં? ચોથે દિવસે પણ મારા હાલ હવાલ તો એવા ને એવા જ રહ્યા. હું ફરી નપાસ થયો. પણ ઓણી મેર એ મને પૂલના છીછરા ભાગમાં લઈ ગયા; અને મારી તરવાની રીતનું બારિકીથી નિરીક્ષણ કર્યું.

      પછી મેજર જિંદગીભર યાદ રહી ગયેલું, એ અમર વાક્ય વદ્યા ,

      ” જુઓ સુરેશ ભાઈ! હું તમારી જેમ બહુ ભણ્યો નથી. માત્ર સાત જ ચોપડી ભણેલો છું. પણ તરવાની બાબત આ ત્રણ વસ્તુ યાદ રાખી લો.

  1. ત્રાજવું –     એક પલ્લું નમે એટલે બીજું ઉપર જાય. હાથ અને પગ બન્ને સરખા ચાલે તો શરીર સીધું રહે અને તરવામાં ઝડપ આવે.
  2. લાકડી–      શરીરને વચ્ચેથી સીધું, લાકડી જેવું રાખો તો વચ્ચે ઝોળો ન થઈ જાય અને પાણીનો સૌથી ઓછો અવરોધ નડે.
  3. ધમણ –     તમારાં ફેફસાંની ધમણ લુહાર ચલાવે છે; એમ ચલાવો – જરૂર હોય તેટલીજ. વધારે ચલાવશો તો આગ ભભૂકશે – બધી શક્તિ એક સાથે ખરચાવા માંડશે.

       સુરેશભાઈ! તમારા તરવામાં આ ત્રણે ચોપડી તમે ભણ્યા જ નથી. પછી મારી પરીક્ષા દસ વખત આપશો તો પણ નાપાસ જ થશો. તમને આત્મવિશ્વાસ આવે; ત્યારે મને કહેજો. પણ પાસ થવા તમારે સામે કાંઠે જઈ, રોકાયા વગર પાછું આવવું તો પડશે જ. ”

     પાણીમાં આજુબાજુ પંદરેક જણ હતા. બધાની વચ્ચે મને આ શિખામણ આપી; તે મને બહુ કડવી તો લાગી; પણ વાત સાવ સાચી હતી. કોઈએ હજુ સુધી મને આ શિખવ્યું જ ન હતું. હું તો બાપુ! એ જ ઘડીથી મચી પડ્યો. આ ત્રણે વાતનું બરાબર ધ્યાન રાખી તરવા મંડ્યો.

     અને આ શું? કદી બન્યું ન હતું એવું, પહેલે જ ધડાકે બન્યું. હું સામે કાંઠે તરીને, અટક્યા વિના પાછો આવી ગયો. અને મારો શ્વાસ પણ ચઢેલો ન હતો અને બાવડાં પણ સાતતાળી રમતા ન હતા.

     મેજર બાજુમાં ઊભા ઊભા મારો ખેલ નિહાળી રહ્યા હતા. હું પાછો આવી ગયો, એટલે એમણે તાળીઓ પાડી અને કહ્યું,” ચાલો! ત્રણ ચોપડી પાસ. બહાર જઈ, નહાઈ, કપડાં પહેરી તમારી અરજી લઈને આવો.“

     મેજરની સહી થઈ ગઈ; અને મારું સભ્યપદ એક વર્ષ માટે રિન્યુ થઈ ગયું.

પણ ખરી વાત તો હવે આવે છે !

     આ ઘટના બન્યા બાદ, મેજર મારા દોસ્ત બની ગયા. રોજ પાણીમાં અવનવી કળાઓ તેઓ અમને શિખવતા. સંબંધ અંગત વાતો કરવા સુધી વિકસ્યો. આથી મારા મનમાં રહેલી શંકાનું સમાધાન કરવા , મેં પૂછી જ નાંખ્યું,” મેજર! તમે આ બધું અમને શિખવાડો છો; એ માટે તમારો આભાર માનીએ એટલો ઓછો. પણ. તમે સાત ચોપડી ભણ્યા છો, છતાં તમને કોચની આ નોકરી મળી શી રીતે?”

     મેજરે હસીને કહ્યું,” એમ તો હું બી.કોમ. પાસ છું. પણ કારકૂનીની નોકરીઓ મને ના ફાવી એટલે, ગામડાંના તળાવમાં શિખેલી આ તરવાની કળાને વરી ગયો.”

     અમારા બીજા સાથીએ મારી વાતમાં હવે ટાપશી પૂરી ,” પણ સાત ચોપડીનો ભેદ?”

      મેજર જાતે પટેલ – એટલે આખાબોલા – પણ સાવ સરળ જીવ. એમણે તરત સમજાવ્યું ,

      ” સાતેય ચોપડીઓ મારી આ નોકરી માટે કામની છે. ત્રણ ચોપડી તો આ સુરેશ ભાઈને શિખવી તે.

    ચોથી –      ગમે તેટલો જોરાવર તરવૈયો ન હોય; પાણીમાં એ ત્રણ મિનીટથી વધારે સમય ન રહી શકે. એ પહેલાં શ્વાસ ભરવા સપાટી પર આવી જ જવાનું. આપણી મર્યાદા કદી ન ઓળંગવી. ઓવર કોં ન્ફિડન્સમાં ભલભલા તારા ડૂબી જાય છે.

    પાંચમી –     તમે હાથ કે પગ એકલા ચલાવતા રહીને પણ તરી શકો. ( એમણે માત્ર હાથ કે પગ ચલાવીને જ જૂદી જૂદી રીતે તરી બતાવ્યું.) શરત માત્ર એટલી જ કે પાયાની ત્રણ ચોપડી પર માસ્ટરી હોવી જોઈએ ; અને મનને નવી નવી રીતો  શિખવા તૈયાર રાખવું જોઈએ.

    છઠ્ઠી –       ડૂબતાને બચાવવા જતાં જાતે ડૂબી ન જવાય; એનું ખાસ ધ્યાન રાખવું. બને તો લાકડું કે એવી કોઈ વસ્તુ હાથમાં રાખીને જ પાણીમાં પડવું. ધરમ કરતાં ધાડ પડતી હોય છે.

    સાતમી – સાહેબની સામે કદી તરવાની હોંશિયારી ન બતાવવી. એમના ઈગોને આંચ ન આવવી જોઈએ! “

    અમે બધા આ સાત ચોપડી ભણેલા મેજર પર ઓવારી ગયા. મેજર એટલે મેજર – એમનો કોઈ જવાબ નહીં!

  -     સુરેશ જાની

 

આ સત્યકથા 'પ્રતિલિપિ' પર આ રહી.

--
--

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *