એક બાળકની આંખે.......
ઝાંખાં ને પાંખાં અજવાળાને ઓરડે,
અળખાયું છે આખુંપાખું
તોય મને ઝાઝું નથી સમજાતું, કે કેવા,
કેવા હશે ગાંધી બાપુ!
વાંચ્યું છે કોઈ દી ખોટું ન બોલતા,
કહી દેતા, લાગતું જે સાચ્ચું;
કોઈથી એ કોઈ દી ડરતા નહીં,
ને કદી ડારતાયે નહીં એય સાચું!
પણ મને ઝાઝું નથી સમજાતું...
લડયા વિના એ દુશ્મન ભગાડે,
ઉપવાસે ઊતરતા બહુ;
પોતાના માટે એ કાંઈ ના સંઘરે,
કહેતા, હરિનાં જન સહુ,.
પણ મને ઝાઝું નથી સમજાતું...
હાથમાં છે લાકડી, અંગે છે પોતડી,
ચિત્ર જોયું છે બહુ ઝાઝું;
ચશ્માંની ફ્રેમમાંથી, લાગે મને કે,
મારી સામે જુએ છે આજ બાપુ.
પણ મને ઝાઝું નથી સમજાતું...
ગાંધીબાપુના પાઠ વાંચું ને થાય મને,
હું પણ બાપુ બની જાઉં;
ખાદી પહેરું હું, લાવ રેંટિયો હું કાંતુ,
ભગવદ્ગીતા પણ હું વાંચુ.
પણ મને ઝાઝું નથી સમજાતું...
- મીનાક્ષી ચંદારાણા
સાભાર - લતા હિરાણી