جِگَر مُرادآبادی
ઉર્દૂ સાહિત્યના સુપ્રખ્યાત જિગર મુરાદાબાદીના જીવનનો પ્રસંગ છે.
એક દિવસ તેઓ પોતાના મિત્ર સાથે ઘોડાગાડીમાં બેસીને ક્યાંક જઈ રહ્યા હતા. આ ઘોડાગાડીમાં જિગર સાહેબની બાજુમાં કોઇ અજાણ વ્યક્તિ બેઠેલી હતી. જિગર સાહેબના મિત્રની નજરે એક વાત ચઢી કે પેલો અજાણ્યો શખ્સ અત્યંત અસ્વસ્થતા અનુભવી રહ્યો હતો. એ ઉતારુ ઘડીકમાં જિગર સામે જોઇ રહેતો હતો અને તરત જ પોતાની આંખો અને માથુ નીચે ઢાળી દેતો હતો.
એ ઉતારુના ઊતરવાનું સ્થાન આવ્યું ત્યારે એ નત મસ્તકે જ ઉતરીને ઝડપથી પોતાના માર્ગે ફંટાઇ ગયો. હવે એની અસ્વસ્થતા જોઇને અવઢવમાં પડેલા જિગર સાહેબના મિત્રથી ના રહેવાયું અને ઉત્સુકતાથી એ અંગે જિગર સાહેબને પૂછ્યું.
“એની પાછળ એક દાસ્તાન છે. એક વાર હું આવી જ રીતે ઘોડાગાડીમાં જઈ રહ્યો હતો ત્યારે એ શખ્સે મારું પાકીટ તફડાવી લીધું હતું પછી એ બિચારો મારી સામે કેવી રીતે સ્વસ્થતા જાળવી શકે? અને હું પણ એની અસ્વસ્થતા વધારીને એને શરમમાં મુકવા માંગતો નહોતો એટલે તેની તરફ ઇરાદાપૂર્વક જોવાનું ટાળતો હતો.” જિગર મુરાદાબાદીએ એમના મિત્રના મનનું સમાધાન કરતા કહ્યું.
“ તો તો તમે એક તક ગુમાવી. તમે તો સાવ ભલા માણસ છો ને! એ વ્યક્તિને તમે જવા જ શા માટે દીધો. તમે જરા અમથી ઇશારત કરી હોત તો આપણે બંને ભેગા થઈને એને સારો એવો મેથીપાક આપત ને?”મિત્રે પોતાની હૈયા વરાળ ઠાલવી.
“ ના મારે એની ફજેતી નહોતી કરવી. એની ફજેતી કરીને મને શું મળત અને એને કેટલી હેરાનગતિ થાત ! કોઇનો ફજેતો કરીને એને ત્રાસ આપવો એમાં કઈ માનવતા રહી? લોકો મને માનવતાવાદી શાયર માને છે તો પછી મારાથી લોકોની માન્યતાને વિફળ કેવી રીતે જવા દેવાય?”
વાત સાવ નાની પણ એની પાછળ કેટલી ઊંડી સમજ?
પડેલાને પાટુ મારવામાં કયું શાણપણ? જે વ્યક્તિ પોતાની નજરમાંથી ય ઉતરી ગઇ હોય; જે વ્યક્તિ પોતે જ પોતાના કાર્ય પર ક્ષોભ અનુભવતી હોય એને વધુ ક્ષોભભરી પરિસ્થિતિમાં મુકવામાં કઈ શાન? નબળા પર તો સૌ ઘા કરે પણ જે એની નબળાઇને ઢાંકે, જે વ્યક્તિ એના ક્ષોભ-શરમની મર્યાદા સમજે એ જ ખરી માનવતા.
જુના વાદ-વિવાદ-વિતંડાવાદ(નકામી માથાઝીંક) ને ભૂલી આ એક માત્ર માનવતાવાદને પ્રાધાન્ય ( મહત્વ) આપીશું તો ય એમાં તમામ સારપ આવી ભળશે.
'વિકિપિડિયા' પર તેમના વિશે માહિતી
- રાજુલ કૌશિક