-પી. કે. દાવડા
કોઈપણ ભારતીય તાતા નામ ન જાણતું હોય એની સંભાવના ઘણી ઓછી છે.
તાતા ગ્રુપ લગભગ ૩ લાખ લોકોને રોજગાર પૂરા પાડી રહ્યો છે. તાતા સમૂહમાં કુલ ૧૦૦ જેટલી કંપનીઓ અલગ અલગ વ્યાવસાયિક ક્ષેત્રોમાં સક્રિય છે. ૧૯૯૩માં અવસાન પામેલા ભારતીય ઉદ્યોગજગતના સ્તંભ જેવા જે.આર.ડી. તાતા બહુમુખી પ્રતિભાના ઘણી હતા. ઉદ્યોગ જગતમાં કંપનીઓના સંચાલન અને કંપનીઓની સામાજીક જવાબદારીના માનકો જમશેદજી તાતાએ ભારતમાં સ્થાપિત કર્યા. એમણે કર્મચારીઓના કલ્યાણની અનેક યોજનાઓ શરૂ કરી.
કહેવાય છે કે, તાતા ગ્રુપમાં કામ કરતા પ્રત્યેક કર્મચારી ઘરેથી કામ માટે નીકળતાની સાથે જ ઓન ડ્યુટી માની લેવામાં આવે છે. જો કાર્યસ્થળ પર જતી વખતે તેને કોઈ દુર્ઘટના નડી જાય તો કંપની તેના માટે આર્થિક જવાબદારી સ્વીકારે છે. છેક ૧૮૭૭માં એમણે કર્મચારી પેન્શન યોજના લાગી કરી, ૧૯૧૨માં દિવસના ૮ કલાક જ કામનો સમય પણ એમણે જ નક્કી કર્યો. ૧૯૨૧થી ગર્ભવતિ મહીલાઓ માટે માતૃત્વ સહાયની સુવિધા શરૂ કરવામાં આવી.
તાતા સમૂહ દર વર્ષે સામાજિક કાર્યો પાછળ સરેરાશ કરોડો રુપિયા ખર્ચ કરે છે.
૨૬, નવેમ્બર - ૨૦૦૮ ના રોજ મુંબઈના તાજ હોટેલ પરના આતંકી હુમલા બાદ તાતા ગ્રુપે પોતાના કર્મચારીઓ પ્રત્યે જે માનવતા દાખવી હતી તે વિશ્ર્વભરમાં અજોડ છે. હુમલા વખતે હોટેલના જેટલા પણ કર્મચારીઓ હતા, પછી ભલે તેમને કામ પર આવ્યાને એક દિવસ જ થયો હોય, તમામને આ ગ્રુપ ઓન ડ્યુટી માની તે જ સ્કેલ અનુસાર વેતન આપ્યું હતું. હોટેલના જેટલા કર્મચારી માર્યા ગયા કે ઘાયલ થયા તે તમામનો સંપૂર્ણ ઇલાજનો ખર્ચ તાતાએ ઉઠાવ્યો હતો.
હોટેલની આજુબાજુ પાંઉ-ભાજી, શાકભાજી વગેરેના નાના નાના દુકાનદારો જે સુરક્ષા દળો કે આતંકવાદીઓની ગોળીઓનો ભોગ બન્યા, ઘાયલ થયા હતા કે તેમની દુકાનો નષ્ટ થઈ ગઈ હતી, તે તમામને ૬૦,૦૦૦ રૂપિયા તાતા તરફથી આપવામાં આવ્યા હતા. આવા જ એક દુકાનદારની નાની બાળકીને ચાર ગોળીઓ વાગી હતી, તેમાંથી એક ગોળી સરકારી હૉસ્પિટલમાં કાઢી નાખવામાં આવી હતી. જ્યારે બાકીની ગોળીઓ ન કાઢી શકવાની સ્થિતિમાં તાતા ગ્રુપે હૉસ્પિટલમાં તજ્જ્ઞ ડૉક્ટર્સ દ્વારા ઓપરેશન કરાવી બાકીની ત્રણ ગોળીઓ પણ કાઢી નખાવી હતી, જેનો કુલ ખર્ચ ૪ લાખ રૂપિયા થયો હતો.
હુમલા દરમિયાન જેટલા દિવસ હોટેલ બંધ રહી ત્યાં સુધી તમામ કર્મચારીઓને વેતન મની ઓર્ડરથી ઘેર બેઠાં પહોંચાડવામાં આવ્યું હતું. એટલું જ નહીં તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સ તરફથી એક મનોચિકિત્સકે તમામ ઘાયલ પરિવારો સાથે સતત સંપર્ક રાખ્યો હતો, અને તેમનું મનોબળ વધાર્યું હતું. પ્રત્યેક ઘાયલ કર્મચારીની દેખરેખ માટે તમામને એક-એક ઉચ્ચ અધિકારીનો ફોન નંબર આપવામાં આવ્યો હતો, જે ૨૪ કલાક ઘાયલ કર્મચારીની મદદ માટે તૈયાર રહેતો હતો.
હુમલામાં ઘાયલ કર્મચારીઓને ઘરે જઈ રતન તાતાએ પરિવારવાળાને આશ્ર્ચર્યમાં નાખી દીધા હતા. ઘાયલ કર્મચારીઓના તમામ સગાસંબંધીઓને બહારગામથી લાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, અને જ્યાં સુધી તેમનો સંબંધી ખતરામાંથી બહાર ન આવી જાય ત્યાંસુધી તમામને હોટેલ પ્રેસિડન્ટમાં રાખવામાં આવ્યા હતા.
સૌથી મહત્ત્વની વાત એ હતી કે તાતા ગ્રુપે તેની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ ન હતો એવા રેલવે કર્મચારીઓ, પોલીસ સ્ટાફ તથા અન્ય ઘાયલોને પણ ૬ મહિના સુધી ૧૦,૦૦૦ રૂપિયાની સહાયતા આપી હતી.
હુમલામાં માર્યા ગયેલા તમામ ૪૬ કર્મચારીઓનાં બાળકોના આજીવન શિક્ષણની જવાબદારી તાતાએ ઉપાડી લીધી હતી.
મૃત કર્મચારીના તેના હોદ્દા મુજબ નોકરી-કાળના અનુમાન મુજબ ૩૬થી ૮૫ લાખ સુધીની સહાય તત્કાળ આપવામાં આવી હતી. એમાં પણ જેઓને આ સહાય એકસાથે નહોતી જોઈતી તે પરિવારોને આજીવન પેન્શન આપવાની શરૂઆત કરી દેવામાં આવી હતી. આ જ પ્રકારે મૃતકના સમગ્ર પરિવારનો મેડિકલ વીમાનો ખર્ચ તાતા તરફથી આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
જો મૃતકે તાતા પાસેથી જેટલી લોન લીધી હોય તે તમામ માફ કરી દેવામાં આવી હતી.
આ બધું કરનાર તાતા નબીરાનું નામ છે રતન તાતા.
નોંધ - કોઈ પણ ચિત્ર પર ક્લિક કરી તેને મોટું જોઈ શકશો. ત્યાં ફરી ક્લિક કરી પાછા અહીં આવી શકશો.