અમદાવાદ ના નાનકડા રેલવે સ્ટેશન અસારવા પર તો કોઈક જ લોકલ મીટરગેજ ગાડી જ ઊભતી. પાટા પાસે ની ખાલી જમીન માં કાચી ઝૂંપડી બનાવીને મંગુભાઇ પરિવાર સાથે રહેતા. રોજ રડયા -ખડ્યા ઉતરતા મુસાફરોનો સામાન પેડલ રીક્ષામાં લઇ જાય. જે મળે તેમાં થી ઘર ચલાવે.
નાનકડો જીતેન્દ્ર ,જન્મ્યો ત્યાર થી જ કૈક જુદો હતો. નાનકડી આંખોથી પિતાની કાળી મજૂરી જોતો. સમયાનુસાર શાળામાં દાખલ થયો. પહેલા-બીજા ધોરણ સુધી તો બાળકને આવી સમસ્યા ઉકેલવા ની સૂઝ-બુઝ ન હોય, પણ જયારે તે ત્રીજા ધોરણમાં આવ્યો ત્યારે એક વખત શાળાએ પાછા ફરતા તેનું કોઈકે આપેલું તૂટેલું ચપ્પલ વધારે તૂટ્યું. ભર તડકામાં ઉઘાડા પગે ઘેર કેમ જવું ? અચાનક તેની નજર રસ્તાની પડખે બેઠેલા બુટ પોલીસ કરતા, રામુ મોચી પર પડી.
'કાકા ,ચપ્પલમાં એક ખીલી મારી આપોને .પૈસા કાલે આપી દઈશ. '
રામુકાકા ચપ્પલને ખીલી મારતા હતા ત્યાં જ જીતેન્દ્ર ના મનમાં ઓચિંતો એક વિચાર સ્ફ્રુર્યો . તેણે રામુકાકા ને સવાલ કર્યો ,"કાકા, મને બુટ પોલીસ શીખવશો ? મારી ભણવાની ચોપડી લેવા”
બાળકની ઉત્કંઠા જોઈ રામુએ તો સ્વાભાવિક રીતે જ બૂટપોલિશ કરવાની સાદી સમજણ બુટ પોલીસ કરતાં કરતાં જ સમજાવી અને બુટ પોલીસની એક ડબ્બી અને બ્રશ પોતા તરફથી ભેટ પણ આપ્યા.
બીજા જ દિવસથી બાળ જીતેન્દ્રએ શાળા સમય સિવાય બુટ પોલીસ શરુ કરી જ દીધી! બાળકને સમયની કિંમત સમજાઈ. શાળા, શાળાનું ગૃહકાર્ય અને બુટ પોલીસમાં તેનો આખો દિવસ ક્યાંય પસાર થઇ જતો. બુટ પોલીસમાંથી મળતો રૂપિયે રૂપિયો તે બચાવતો; અને પોતાની અભ્યાસ માટે ઉપયોગી વસ્તુ ખરીદતો. તેની અભ્યાસનિષ્ઠામાં તેણે સાતમું ધોરણ ખુબ જ ઊંચા ગુણાંક માં પસાર કર્યું.
આઠમા ધોરણમાં પ્રવેશ માટે નજીકની માધ્યમિક શાળા પલ્લવી વિદ્યાલયમાં ગયો. પ્રવેશ માટે આચાર્ય પાસે ગયો. કાળા હાથ અને તેમાં મેલીઘેલી થેલી જોઈ આચાર્યએ તેની સામે જોયું. તે સમજી ગયો," સાહેબ ,અહીં આવતો હતો ત્યાં રસ્તામાં બે ઘરાક મળી ગયા એટલે હાથ ચોખ્ખા કરવાનો સમય ન મળ્યો."
આચાર્યએ સમય કાઢી તેનો પૂર્વ ઇતિહાસ તેના મોઢે સાંભળ્યો. તેની પીઠ થાબડી અને કહ્યું, "તારા જેવાને પ્રવેશ આપીને તો શાળાનું મૂલ્ય વિશેષ વધશે " જીતેન્દ્રનું માધ્યમિક શિક્ષણ ધમાકેદાર ટકાવારીથી આગળ ચાલ્યું.
શાળા દફતર માં પણ એક ખાનામાં પોલીશની ડબ્બી અને બ્રશ રાખવાની આચાર્યએ સંમતિ આપેલી એટલે કેટલીયે વાર રીસેસમાં પણ એક-બે ગ્રાહકની બુટ પોલીસ કરી આપે. ધોરણ દસ ની બોર્ડ ની પરીક્ષામાં ઊંચા ગુણાંક તો ખરા પણ શાળામાં સૌથી પ્રથમ! અનેક જાહેર સન્માન થયા. આગળ ભણવા ની તીવ્ર ઈચ્છા. ખબર હતી કે ભણતર મોંઘુ જ થવાનું.
પણ તેણે બે વસ્તુ ન છોડી - એક બુટપોલીશ અને બીજું પોતાનું દ્રઢ મનોબળ.
‘શું કરું ?" એણે પોતાના પૂર્વ આચાર્ય અને શુભચિન્તકને સવાલ કર્યો. ડિપ્લોમામાં પ્રવેશ લઇ ને તરત આર્થિક રીતે મજબૂત થવું - એ જ લક્ષ્ય. તોય પ્યારી બુટ પોલીશ તો ચાલુ જ. સમયના સથવારે ડિપ્લોમા પૂરું થયું. પણ જીતેન્દ્રની ઈચ્છા તો કોઈ અધિકારી બનવાની હતી! એટલે કારખાનામાં નોકરી, બુટ પોલીશ ને સાથે સાથે એક્ષટર્નલ અભ્યાસ ના ત્રિપાંખિયા વ્યૂહે એ જીતેન્દ્ર પંખી ઊડતો જ રહ્યો - સતત ને સતત.
એક દિવસ ઓચિંતો હતાશ ચહેરે તે શાળામાં આવ્યો." રેલવેની મોટી લાઈન નાખવાની છે એટલે અમારા ઝુંપડા તોડી નાખ્યા. અમે ફૂટપાથ પર છીએ." લડતો ગયો. દોડતો ગયો. થોડા દિવસ પછી ફરી એક વાર આવ્યો. ખુબ જ પ્રફુલ્લિત ચહેરે. હાથમાં એમ.કોમ. નું ગુણપત્રક હતું. અતિ ઉત્સાહમાં બોલવા લાગ્યો, " આ તો સારું છે જ પણ આ પણ વાંચો!"
એ પત્ર એક નિમંત્રણપત્ર હતો. મેનેજમેન્ટ નો અભ્યાસ કરાવતી ભારત ની સૌથી પ્રથમ નંબર ની સંસ્થા આઈ. આઈ .એમ. એ જીતેન્દ્રને "સંઘર્ષ અને મેનેજમેન્ટ " પર વક્તવ્ય આપવા બોલાવ્યો હતો!
આચાર્યશ્રી એ બે હાથે તેની પીઠ થાબડીને કહ્યું, " તારો તો દાખલો દુનિયા માં બેસે તેવો છે. હિંમતે મરદા તો મદદે ખુદા. આ જ ગતિ થી દોડતો રહેજે."
- દિનેશ માંકડ
નોંધ - કોઈ પણ ચિત્ર પર ક્લિક કરી તેને મોટું જોઈ શકશો. ત્યાં ફરી ક્લિક કરી પાછા અહીં આવી શકશો.