રોલ નંબર આઠ..
સંગીતા એ માત્ર હાથ ઊંચો કર્યો. એ બહુ ઓછું બોલે, હાજરી માટે પણ માત્ર હાથ ઊંચો કરવાથી રોડવાઈ જતું હોય તો જીભ ઊંચી ના કરે એવી. મેં એને પાસે બોલાવી કડક સૂચના આપી, ‘જો આજથી તારે પાણી ભરવા જવાનું બંધ, રિસેસમાં ઘરે જવાનું જ નહિ. મને પૂછ્યા સિવાય બહાર જ નહિ જવાનું.’
આદત મુજબ એણે માથું હલાવ્યું ને બેસી ગઈ.
એની આળસ ઊડીને આંખે વળગે એવી. બધી છોકરીઓ બે ચોટલા લે પણ સંગીતા એક જ ચોટલો રાખે, ને એ પણ બે-ત્રણ દિવસે ઓળતી હશે. કદાચ રોજ નહાવાનું એને ફાવતું નહિ હોય એમ લાગે. રિસેસમાં અને રજામાં જલદી વર્ગની બહાર દોડી ને નિકળી શકાય એવી મોકાની જગ્યાએ જ એને બેસવું ગમે. નોટબૂકમાં લખતી વખતે પાનું પૂરૂ થઈ જાય તો પણ ફેરવ્યા વગર જ નીચે ટેકામાં રાખેલી પાટી પર આગળ લખવા માંડે. લખાણ અધૂરું મૂકવું કે અનુસંધાન બીજે પાને ખેંચી જવાનું એને ગમે જ નહિ !
પહેલા ધોરણમાં બેસાડી ત્યારે ક્લાસનું બારણું બંધ કરવા જ ન દે. શિયાળૉ હોય, બહાર ઠંડો પવન હોય તો પણ બારણું બંધ કરીયે કે તરત જ મોટેથી રડવા માંડે અને બારણું ખોલાવ્યે જ છૂટકો કરે ! એને અંદર કોઈક પ્રકારની બીક રહે કે હું રૂમમાં પૂરાઈ જઈશ ! એ બીક મનમાંથી દૂર કરતા એક વરસ લાગેલું.
ક્લાસમાં એનો અવાજ ન હોય. ચૂપચાપ પોતાનું કામ કર્યા કરે. પણ દરેક વાતમાં મૂંગા રહેવાની એની આદત આ દિવસોમાં મને પણ છેતરી ગઈ. હમણા હમણા એને રિસેસમાં વધુ સમય ઘેર જવા માટે રજાની જરૂર પડ્તી, ‘સાયબ, પાણી આવવાનો ટાઈમ થયો છે, મારે ઘરે પાણી ભરવા જવું પડશે. જાઉં ?’
શાળાની ઘણી દીકરીઓને ઘરની પરિસ્થિતિને પહોંચી વળવા પાણી ભરવાના સમયે રજા લઈ ઘરે જવું પડતું હોય એટલે એ બાબતે હું પણ ના પાડું નહિ. એટલે સંગીતા પણ રોજ રિસેસ પછી પાણી ભરવા માટે ઘરે જતી અને પછી બહુ મોડી આવતી.
પણ ગઈ કાલે જે બન્યું એ સમજ્યા પછી મેં એને પાણી ભરવા માટે ઘેર જવાની રજા લેવા માટે ચોખ્ખી ના પાડી દીધી. કાલે એ પાણી ભરવા ગઈ પછી ખાસ્સી વાર સુધી આવી જ નહિ. મેં એના વાલીને ફોન કર્યો, થોડી વારમાં કામે ગયેલા એના મમ્મી આવી ગયાં. એટલી વારમાં તો સંગીતા પણ આવી ગઈ. પાણી ભરવામાં એ પરસેવાથી અને પાણીથી ભીંજાઈ ગયેલી હતી.
મેં તેના મમ્મીને કહ્યું, ‘આ સંગીતાને માથે રોજ આમ પાણી ભરવાની જવાબદારી નાંખો છો પણ મને એમાં ખૂબ ચિંતા રહે છે. તમે બીજો કોઈ રસ્તો ન કરી શકો ?’
તેના મમ્મી કહે, ‘પણ સાહેબ, મેં એને પાણી ભરવા જવાનું ક્યારેય કહ્યું જ નથી !’
મને નવાઈ લાગી, ‘તો ? એ તો રોજ રિસેસમાં પાણી ભરવા માટે જાય છે અને બહુ મોડી આવે છે. આજે વધુ મોડું થયું એટલે તમને બોલાવ્યાં.’
સંગીતાના મમ્મી ગુસ્સે થયાં, ‘એલી છોડી, હાચું બોલ.. ક્યાં જા છો ? મેં તને પાણી ભરવાનું કહ્યું છે ?’
સંગીતા ગભરાઈ ગઈ, ‘ના... પણ... ‘
‘પણ... પણ... શું ? કોણ તને પાણી ભરવા જવાનું કહે છે ?’ તેના મમ્મી બરાબર ખિજાયાં.
‘કાકાએ કીધું તું.. ‘ એટલું બોલી સંગીતા રડવા માંડી.
જાણે વીજળી પડી, ‘મૂઓ... તારો કાકો... મારી છોડીનેય...-‘ ગાળો બોલતા તેના મમ્મી તેને મારવા જતા હતા પણ મેં અટકાવ્યા, ‘એમાં એનો શું વાંક છે ?’
‘એમા તમને કાંય નહિ હમજાય સાહેબ..’ ગુસ્સાને કાબુ કરવા જતા સંગીતાના મમ્મીને પણ આંખમાં આંસુ આવી ગયા.
મેં કહ્યું, ‘હવે એવું કરજો, એના કાકા ઘરે જ હોય તો પછી એને જ પાણી ભરવાનું સોંપી દ્યો ને, સંગીતાને ભણવાનુંયે બગડે નહિ.’
ઉશ્કેરાયેલાં સંગીતાના મમ્મી કહે, ‘અરે સાહેબ, તમારે મારી છોકરીને રજા આપવાની જ નહિ. એના કાકાને તમી નહિ ઓળખો, પાણી તો રોજ એ જ ભરે છે.’ પછી પરસેવો લૂછતા જતા જતા કહે, ‘અમારી શેરીમાં પાણી આવવાનો ટેમ તો રાતના આઠ વાગ્યા નો છે !’
- અજય ઓઝા