હું ભણવામાં ઠીક ઠીક હોંશિયાર હતો. ગણિત, વિજ્ઞાન, ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત આ વિષયોની પરીક્ષામાં હમ્મેશ મારા વર્ગમાં હું સૌથી વધારે માર્ક લઈ આવતો. અમારી શાળામાં દરેક ધોરણમાં ચાર વર્ગ રહેતા. દસમા ધોરણમાં બધા હોંશિયાર વિદ્યાર્થીઓને એકઠા કરી એક અલાયદો વર્ગ ‘ક’ બનાવાતો; જેથી અગિયારમા ધોરણની SSC બોર્ડની પરીક્ષામાં ઝળકી શકે તેવા હોંશિયાર વિદ્યાર્થીઓ પર શિક્ષકો ધ્યાન કેન્દ્રિત કરી; તેમને એ મેરેથોન દોડ માટે તૈયાર કરી શકે.
આ વાત દસમા ધોરણની વાર્ષિક પરીક્ષાની છે. (૧૯૫૮ ) હું અલબત્ત ‘ક’ વર્ગમાં હતો અને ક્લાસમાં મારો પહેલો નમ્બર આવ્યો હતો. ગણિત સિવાય બધા વિષયમાં આખા વર્ગમાં મારા સૌથી વધારે માર્ક આવ્યા હતા. આવું કદી બન્યું ન હતું. સમાજશાસ્ત્ર અને હિંદીમાં પણ મને સૌથી વધારે ગુણ મળ્યા હતા; પણ ગણિતમાં દર વખતે સો લાવનાર મને ૯૯ માર્ક જ. આટલા સારા પરિણામ છતાં હું ખિન્ન થઈ ગયો. મેં બાર માંથી આઠ સવાલ નહીં, પણ ત્રણ કલાકના પેપરમાં બારે બાર સવાલના જવાબ આપ્યા હતા. છતાં પણ આમ કેમ બન્યું?
પરિણામ મળ્યા બાદ છૂટીને હું અમારા ગણિતના શિક્ષક શ્રી. ચિતાણીયા સાહેબ પાસે રડમસ ચહેરે ગયો. અને ડરતાં ડરતાં પૂછ્યું,” મને ૯૯ માર્ક આપ્યા છે, તો મારી ભૂલ કયા પ્રશ્નમાં થઈ છે તે મને જણાવશો? ”
સાહેબ બોલ્યા, “ ભાઈ, જો! તેં બારે બાર સવાલ સાચા ગણ્યા, તે વખાણવા લાયક છે. રીત પણ બરાબર છે; અને અક્ષર પણ સારા છે. એક ભૂમિતિની સાબિતી તો તેં બે રીતે આપી છે. આટલું બધું કામ ત્રણ કલાકમાં ભાગ્યે જ કોઈ કરી શકે.”
મેં કહ્યું, ” તો સાહેબ! મારો એક માર્ક કેમ કાપ્યો?”
સાહેબ બોલ્યા,” તું મને મળવા આવે તે માટે મેં આમ કર્યું. મને ખબર જ હતી કે તું મને મળવા જરુર આવશે. ”
હવે મારાથી ન રહેવાયું. હું લગભગ રડી જ પડ્યો અને બોલ્યો,” તો સાહેબ ! મારો વાંક શું?”
સાહેબે છેવટે કહ્યું,” જો, ભાઈ! તેં ઉત્તરવહી ઉપર પહેલા જ પાને લખ્યું છે કે –
' ગમે તે આઠ જવાબ તપાસો. (Examine any eight.) '
આ તારું અભિમાન બતાવે છે. એ તારા અભિમાનનો એક માર્ક મેં કાપ્યો. એકાદ જવાબમાં તારી ભૂલ થઈ હોત; અને મેં તેના માર્ક કુલ માર્કમાં ગણ્યા હોત તો તને દસેક માર્કનો ઘાટો પડત. મેટ્રિકમાં બોર્ડમાં નમ્બર લાવનારાઓમાં એક એક માર્ક માટે રસાકસી હોય છે. તેમાં આવું થાય તો? એનાથીય વધારે....
તારી હોંશિયારી તને જીવનમાં કામ લાગશે; તેના કરતાં વધારે આ અભિમાન તને નડશે.
મેં કાનપટ્ટી પકડી લીધી અને ચિતાણીયા સાહેબને હ્રદયપૂર્વક નમસ્કાર કર્યા.
ત્યાર બાદ જ્યારે જ્યારે મારા જીવનમાં ગર્વ લેવા જેવા પ્રસંગો આવ્યા છે, ત્યારે ત્યારે મને એ ચિતાણીયા સાહેબ અને એ ૯૯ માર્ક યાદ આવી જાય છે.
- સુરેશ જાની
Great story Sureshbhai. EGO means NO GO!
Sureshbhai, very touching post. EGO means NO GO!
ખૂબ ખૂબ અભિનંદન સાહેબ, સરસ રસપ્રદ લેખ વાંચી આનંદ થયો