અહંકાર

- રાજુલ કૌશિક

     એક વાર એક નવદીક્ષિત સંતનું મંદિરમાં આગમન થયું. તેમનો સમાવેશ કરવા મંદિરના મુખ્ય સંતે ધર્મશાળામાં આસન રાખતા સૌ સંતોને વિનંતી કરી કે ”સૌ પોતાનું આસન ૪-૪  વ્હેંત આગળ ખસેડે તો આ નવા સાધુ માટે પણ જગ્યા થઇ જાય” તે વખતે બધા ખસ્યા પણ એકે નામરજી બતાવી. પોતાના આસનની જગ્યા માટે જાણે જન્મસિધ્ધ અધિકાર હોય તેમ એક તસુ પણ ખસવા નન્નો જ ભણ્યા કર્યો. છેવટે બળજબરીથી બધાએ તેનું આસન સહેજ ખસેડ્યું.  હઠીલા સાધુને માઠું લાગી ગયું અને તે ત્યાંથી નિકળીને ૪૦ ગાઉ દૂર બીજા મંદિરમાં રહેવા ચાલી ગયા. ૪૦ ગાઉ ખસ્યા પણ ૪ વેત ના ખસ્યા તે ના જ ખસ્યા.

     અહંકારનો  હુંકાર-ફુત્કાર માનવીને એટલી હદે જડ બનાવી દે કે, સ્વભાવમાં  એક અકડાઇ આવી જાય. તૂટી જાય પણ નમે નહી.

     ઓબામા જ્યારે અમેરિકાના પ્રેસિડન્ટ હતા ત્યારની વાત છે. ઓબામાની  જાપાનના વડાપ્રધાનની મુલાકાતને લઇને અખબારોમાં થોડીક ચણભણ થઇ.  એક મહાસત્તાના મુખિયા એવા ઓબામાએ સહેજ વળીને જાપાનના વડાપ્રધાનનું અભિવાદન કર્યું. સહેજ જુદી રીતે વિચારીએ તો એથી શું ઓબામાની માન-પ્રતિષ્ઠા-ગૌરવને ક્યાંય હાની પહોંચી? 

     ના!  કોઇની સાથે નમ્રતાથી,સલુકાઇથી પેશ આવવાથી, કોઇને માન આપવાથી ખુદનું માન ક્યાય ઓછું થતું જ નથી. અહંકાર એક કાળમીંઢ ખડક જેવો છે. વ્યકિતને પોતાની મોટાઇ બતાવવાની મનોવૃતિ અંદરનો અહંકાર પેદા કરે છે. એથી કરીને નુકશાન કોને થશે? આપણા અહંકાર ને લઇને આપણી આસપાસના લોકો પોતાના આત્મસન્માન-ગૌરવ જાળવવા આપણાથી ધીરે ધીરે દૂર થતા જશે પરંતુ આપણે કોનાથી વેગળા થતા જઇએ છીએ એનો લેશમાત્ર અંદાજ પણ તરત નહીં આવે.

     અભિમાની-અહંકારી વ્યકિતને પોતાના અહમ્ ની આળ-પંપાળ કરવામાં બીજાનુ અપમાન કરતા સહેજ પણ વાર નથી લાગતી. પણ ક્યારેય એને અહમ ધવાય ત્યારે પોતાને શું લાગણી થાય છે તેનો વિચાર પણ કરશે ખરા?

      ક્યારેક વડીલો પણ પોતાના વડીલપદના તોરમાં કોઇની પણ હાજરીની  પરવા કર્યા વગર ઘરના સભ્યોને, સંતાનોને પણ કોડીના કરી મૂકતા અચકાતા નથી અને પછી વડીલ પોતાનું માન જળવાય તેવી અપેક્ષા પણ રાખે છે.  માન માંગવાથી નથી વધતું; માન આપવાથી માન વધે છે.

    જેમ કહે છે કે ”સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે” તેમ માન મેળવવા માન આપતા શિખવું પડે છે.

     આજના અત્યંય લોકપ્રિય અને ઉચ્ચતાના શિખરો પર બિરાજમાન અમિતાભ બચ્ચનને તો આપણે રોજ-બરોજ જાણે આપણા ઘરમાં જ ઉપસ્થિત હોય તેમ જોઇએ છીએ. કેટ-કેટલાક લોકોના માન-સન્માને યોગ્ય એવા આ અજોડ અભિનેતાની સલૂકાઇ, નમ્રતાને ક્યારેય ધ્યાનમાં લીધી?  કોઇ પણ અદના આદમી-સાવ નાનામાં નાની વ્યકિતને પણ કેટલા માનથી  આવકારે છે ? એથી શું તેમના ગૌરવને આંચ આવી? ના! બલ્કે એથી એ વધુ એક મુઠ્ઠી ઊંચેરા સાબિત થાય છે.

     અહંકાર તો રાજા રાવણનું પણ ટક્યું નહીં. આમ જોવા જઇએ તો રાવણ અને કંસ બંનેને અહંકારના પ્રતિક કહેવામાં આવે છે. બાહ્ય રીતે માન પામતા આ બંને જણના પતનથી કેટલાય લોકો સાચા હ્રદયથી ખુશ થયા હશે? 

      માન હોય છે ત્યાં પ્રેમ હોય તેવું નથી હોતું. પરંતુ પ્રેમ હોય ત્યાં આપોઆપ માન પોતાનું સ્થાન મેળવી લે છે.

     માન આપવાની પ્રક્રિયા એ બાહ્ય અથવા 'ચમત્કાર હોય ત્યાં નમસ્કાર' ની પરિસ્થિતિ છે. પરંતુ એથી કરીને વ્યકિત આંતરિક પ્રેમને ક્યારેય પામી શકતી નથી.

     શ્રી પ્રમુખસ્વામી મહારાજના કહેવા અનુસાર

”મૂરખ, મગર અને મંકોડો
એને પકડતા આવડે
પણ છોડતાં નહીં.” 

    આવા મૂરખની પંકિતમાં અહંકારનો સાથ હોય, તેને ઝડપથી આસન મળી જાય જ્યારે અહંકારવૃતિ માણસના મન પર ભરડો   લે ત્યારે માણસ પોતે ખતમ થઇ જાય પણ પેલા મંકોડા ની માફક વળ છોડી ન શકે. માટે જ મંકોડાની માફક કોઇ આપણને ઉખાડી ફેંકે તે પહેલાં જ, સમય વર્તે સાવધાન.

તેમનો બ્લોગ ' રાજુલનું મનોજગત' 

નોંધ - કોઈ પણ ચિત્ર પર ક્લિક કરી તેને મોટું જોઈ શકશો. ત્યાં ફરી ક્લિક કરી પાછા અહીં આવી શકશો.

Video embed code not specified.
---

3 thoughts on “અહંકાર”

  1. બહુ સુંદર રીતે અહંને વ્યક્ત કર્યો છે. અભિનંદન.

  2. સુરેશભાઈ ,

    આપે તો આ આજની વાતમાં એને અનુલક્ષીને જે ફોટા મુક્યા એમાં તો લેખ વધુ લેખે લાગ્યો.

  3. સાહેબ સરસ બોધ મળે છે. વ્યક્તિનાં ” અહંમ ” માંથી પ્રથમ અ ખરી જાય તો માત્ર ” હમ ” જ રહી જાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *