વાત અમારી ડુલસેની

   -   શૈલા મુન્શા

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા,
ક્યાંક પંખી ટહુક્યુંને તમે યાદ આવ્યા.
- હરીન્દ્ર દવે
[ આખી કવિતા અહીં વાંચો/ સાંભળો ]

    હંસાબેન દવેના સુમધુર કંઠે ગવાયેલું આ ગીત ભલે જેને યાદ કરીને હરિન્દ્રભાઈએ લખ્યું હોય પણ મને મારા નાનકડાં પંખીડા યાદ આવી ગયા, જે બે ત્રણ વર્ષ અમારી પાસે રહી ઊડી જાય.

   રવિવારની સવારે અમારા હ્યુસ્ટનમા એક કલાક ગુજરાતી કાર્યક્રમ આવે છે, અને જૂના/ નવા ગુજરાતી ગીતો સાથે  દર વખતે કોઈ ખાસ વિષય પર વાર્તાલાપ થતો હોય. આજે રેડિયો ચાલુ કર્યો અને વાતનો વિષય હતો સ્પેશિઅલ નીડ બાળકો અને અમેરિકામા એમને મળતી સગવડો.

    આવી જ એક પંખિણી ડુલસે મને યાદ આવી ગઈ.

     આજે મારે મારા ક્લાસની નટખટ, તોફાની અને સાથે સાથે ખુબ ચબરાક એવી ટેણકી ડુલસે ની વાત કરવી છે. લગભગ ત્રણ વર્ષ પહેલાં સ્કુલના અંતભાગમા એટલે કે માર્ચની શરૂઆતમાં એ અમારા ક્લાસમાં આવી. જેવા ત્રણ વર્ષ પૂરા થયા ને એ દાખલ થઈ. નાનકડી સ્પેનિશ છોકરી, નાનુ મોઢું ને સાવ હલકી ફુલ્કી. અંગ્રેજી ખાસ આવડે નહિ. એના ડાબા હાથમાં થોડી તકલીફ અને જીભ થોડી થોથવાય, એ કારણસર એ અમારા ક્લાસમા.(ફિજીકલ એન્ડ સ્પીચ ડીસએબીલીટી).
       જ્યારે આવી ત્યારે દેખાવમા ટેણકી પણ સ્વભાવે જમાદાર. નાની અમસ્થી પણ બધાને ભારે પડે. પહેલા દિવસથી જ જરા પણ ડર નહિ, જરાયે અજાણ્યું ન લાગે, વાતવાતમાં હાથ ઉપડે. ખાસ તો રમતના મેદાનમાં. બે વેંતની છોકરી, પણ  એનાથી મોટા છોકરાઓ વચ્ચે રમવા પહોંચી જાય અને કોઈ જરા એને હાથ લગાડે તો સામો જવાબ મળી જ જાય.
      ધીરે ધીરે ક્યારેક સમજાવટથી તો ક્યારેક સખત થઈને એની એ આદત છોડાવી. ડુલસે જેટલી હોશિયાર બાળકી અમે જોઈ નથી. નવુ શીખવાની ધગશ એટલી. ક્લાસમા જેટલી પ્રવૃતિ કરાવીએ એમાં ખુબ ઉત્સાહપૂર્વક ભાગ લે. સંગીત એને ખુબ ગમે અને જેટલા બાળગીત ગવડાવીએ એ બધા પુરા અભિનય સાથે ગાવાની કોશિશ કરે, અંગ્રેજી પણ ઝડપભેર શીખવા માંડી.
       એની એક ખાસિયત. જ્યારે પણ એને ગુસ્સો કરીએ એટલે મમ્મી મમ્મી કરીને રડવા માંડે. પણ બે જ મિનિટમા આવીને અમારી સોડમાં ભરાય, અમે જાણી કરીને એને દૂર કરીએ તો એવું મીઠું હસીને લાડ કરે, અથવા કોઈનું પણ નામ આપી અમારૂં ધ્યાન બીજે દોરવાનો પ્રયાસ કરે. “મુન્શા! ડેનિયલે મને માર્યું” અમને ખબર હોય કે ડેનિયલ તો એનાથી દૂર છે, પણ એટલું કહીને ખિલખિલ હસી પડે. આપણો ગુસ્સો પળમા ગાયબ કરી દે.

     ડુલસેની પ્રગતિ જોઈ અમે બીજા વર્ષે એને બે કલાક માટે સામાન્ય બાળકોના ક્લાસમાં મોકલવાનું નક્કી કર્યું. થોડા દિવસ તો ઠીક ચાલ્યું, પછી  ફરિયાદ આવવા માંડી, ડુલસે જમવાના સમયે કાફેટેરિઆમાંથી  ભાગી જાય છે, ક્લાસમાં બાજુમાં બેસેલા બાળકની પેન્સિલ છીનવી લે છે,  કોઈવાર મારવાનો પ્રયાસ કરે છે, વગેરે વગેરે….

     તરત જ કાઉન્સલિંગ શરૂ થયું અને નિદાન આવ્યું કે ડુલસે A.D.H.D.(Attention-Deficit/Hyperactivity Disorder.) બાળકી છે. આ બાળકો જેને આપણે ધ્યાન બહેરા કહીએ એવા હોય.  પોતાનુ ધાર્યું થવું જોઈએ. કોઈ એમના પર ધ્યાન ન આપે તો ધ્યાન ખેંચવા અવનવી હરકતો કરે, માટે જ તો આ બાળકો અનોખા હોય છે.

    અમારા ક્લાસમાં લગભગ દસ થી બાર બાળકો હોય, જ્યારે નિયમિત ક્લાસમાં પચ્ચીસ જેટલા.  હવે તમે જ કહો, શિક્ષક ક્યાંથી વ્યક્તિગત ધ્યાન દરેક વખતે કેવી રીતે આપી શકે?

     ધીરે ધીરે સમજાવટ,સારા વર્તનનો શિરપાવ મળવાની એક બાંહેધરી થી ડુલસેમાં ઘણુ પરિવર્તન જોવા મળ્યું. વધુ સમય નિયમિત ક્લાસમાં રહેવા માંડી. આવતા વર્ષથી એ નિયમિત પહેલા ધોરણની વિદ્યાર્થિની બની જશે. ગઈકાલના બનાવે મને ભૂતકાળ યાદ કરાવી દીધો. હું ને ડુલસે કોમ્પ્યુટર પર બાળકોની કોઈ વેબસાઈટ ખોલવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, વારંવાર ક્લિક કરવા છતાં વેબસાઈટ ખુલતી નહોતી. ડુલસે મને કહી રહી હતી “Wait Ms Munshaw, wait Ms Munshaw"  ઘણીવાર થોડી રાહ જોવી પડે, પણ મારી ધીરજ નહોતી રહેતી, આખરે ગુસ્સામાં ડુલસે બોલી ઊઠી “Do you know WAIT?”

    ડુલસેનુ આ રૂપ અને એની ધીરજે મને ત્રણ વર્ષ પહેલાની ડુલસે યાદ આવી ગઈ, ક્યાં તોફાની ડુલસે અને ક્યાં આજની ઠાવકી, ઠરેલ ડુલસે!

તેમનો બ્લોગ અહીં....

--

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *