- લતા હીરાણી
હે! ઈશ્વર, શાળામાં આવતું પ્રત્યેક બાળક
એ અમને તારા તરફથી મળેલું અમૂલ્ય વરદાન છે.
બાળકના માતાપિતાએ તેની સંભાળ
અમને સોંપી છે અને
અમારી જવાબદારી ઘણી મોટી છે.
બાળકના માતા-પિતાની સાથે
અમે પણ તેના વાલી છીએ કેમ કે,
શાળામાં તે દિવસનો મોટાભાગનો સમય વિતાવે છે.
બાળક પ્રેમને જ ઓળખે છે.
અમારે બાળકને પ્રેમથી છલકાવી દેવાનું છે.
એને પૂરી હૂંફ અને સુરક્ષા પૂરાં પાડવાના છે.
બાળકના સ્વત્વની ખીલવણી,
બાળકનું ઉમદા ઘડતર
એ અમારી જવાબદારી છે
અને અમે તે પૂરી નિષ્ઠાથી નિભાવીશું.
અમે જાણીએ છીએ કે
બાળકનું ઘડતર સહેલું કામ નથી.
એ ભરપૂર પ્રેમ, પૂરી સમજદારી
અને ખૂબ ધીરજ માગી લે છે.
હે! ઈશ્વર, તું અમારા મન, વચન અને કર્મમાં
પ્રેમ અને સમજદારી છલોછલ ભરી દે.