- ગીતા ભટ્ટ
દરેક મા- બાપ પોતાનાં બાળકોને દિલથીયે અધિક ચાહતાં હોય છે, એટલે તો કોઈએ કહ્યું છે કે, જે ક્ષણે આપણે મા- બાપ બનીએ છીએ તે જ ક્ષણથી આપણું હૈયું બહાર નીકળીને સંતાનની પાછળ જોડાઈ જાય છે!
પણ પ્રત્યેક વ્યક્તિની સંતાનને પ્રેમ કરવાની, પ્રેમ દર્શાવવાની, રીત જુદી જુદી હોય છે. જેવી વ્યક્તિની સમજ તેવો તેનો અભિગમ. કોઈ વ્યક્તિ પોતાના બાળકને સુખ સગવડ અને સાહ્યબી આપવા માટે તનતોડ મહેનત કરે , અને પોતાના સંતાનોને એ સગવડ આપી શકે તેને પ્રેમ ગણે. તો કોઈ વ્યક્તિ પોતાના બાળકને થોડી મુશ્કેલી પડે છતાંય એ સારું શીખે , કોઈ રમત ગમત, સંગીત કલામાં પારંગત થાય તે માટે સખત મહેનત મજૂરી કરે તેને પ્રેમ કહે. અને પછી તેમાં ભળે જે તે વ્યક્તિના સંજોગો. ઘરમાં અંદર અંદર મતભેદ પડે, ત્યારે કોઈ મા બાપ બાળકનું હિત સમજીને સમજૂતી કરી લે ; તો કોઈ મા બાપ બાળકને એ ક્લેશમય વાતાવરણથી દૂર રાખવા એકલતા સ્વીકારી લે; અને આમ બાળકનું ઘડતર થાય.
આ રીતે જ તો વાત્સલ્યની વેલ પાંગરે ને?
બાળઉછેર ક્ષેત્રમાં મારો પ્રવેશ પણ કાંઈક આવી જ રીતે કોઈ અગમ્ય સંજોગોમાં થયો. બાળ ઉછેરનું મારુ જ્ઞાન પણ સીમિત હતું. દેશમાં તો ઘણાં બધાં લોકો બાળકોના ઉછેરમાં ભાગ ભજવતાં હોય. વળી એ દિશામાં મેં વિચાર્યું ય નહોતું.
‘ મેરા ભારત મહાન !’ એ રાષ્ટ્રપ્રેમની ભાવના મારામાં બચપણથી જ હતી. પણ લગ્ન અને બંને બાળકોના જન્મ પછી હાડમારીભર્યાં જીવનને કારણે ( એને હાડમારીભર્યું જીવન કહેવાય કે નહીં એ પણ વ્યકિગત સમજ અને સંજોગોને આધારે જ કહી શકાય.) પણ સદનસીબે ટુરિસ્ટના વિઝા મળતાં એ લઈને તરત જ અમે આ સમૃધ્ધ દેશમાં આવી ગયાં. પછી જલ્દી જલ્દી કાંઈક કરવાની તાલાવેલી લાગી.
જરા શરૂઆતનો રોમાંચ ઓછો થયો, પછી સૌથી મોટો પ્રશ્ન દોઢ અને ત્રણ વર્ષનાં અમારાં બાળકોનો હતો. કેમેય કરીને શિકાગોના વાતાવરણમાં તેમને ફાવતું નહોતું. ક્યાં આપણાં દેશમાં વસ્તીમાં ઉછરવાનું, ખૂલ્લાં ફળિયામાં નાનાં મોટાં બધાં લોકો સાથે રમવાનું, દાદા બા કે નાના નાની વગેરે સાથે મોજ મઝા કરવાની; અને ક્યાં અહીંના બેબીસિટરો કે ડેકેર સેન્ટરમાં ઘડિયાળને કાંટે, ચાર દિવાલ વચ્ચે બંધિયાર વાતાવરણમાં પ્રવૃત્તિઓ કરવાની? રોજે રોજ કોઈક ને કોઈક નવી સમસ્યા ઉભી જ હોય. ક્યારેક છોકરાં માંદા સાજા થાય કે, ક્યારેક અમસ્તાં જ કજિયા કરે.
વાચક મિત્રો , આજે જયારે આ લખું છું ત્યારે ઘણી વણબોલાયેલ ન
સમજાયેલ લાગણીઓ પાંત્રીસ વર્ષ બાદ અચાનક જ સપાટી પર આવે છે. સાચું કહું તો એ સમયે મારુ ધ્યાન અર્જુનની જેમ પંખીની આંખ પર નહોતું; હું તો ભીમની જેમ ચારે બાજુ ડાફોળિયાં મારતી હતી. છોકરાંઓને બેબીસિટર પાસે મૂકીને અમે પણ બીજાં બધાંની જેમ જલ્દી સેટ થઇ જવા માંગતા હતાં. આગળ વધવાની મહત્વકાંક્ષા મારામાં પણ હતી. રખેને બધાં આગળ થઇ જાય અને હું કાયમ માટે પાછળપડી જઈશ તો? પણ એ દિવસે ભગવાને મારી આંખ ઉઘાડવાનું નક્કી જ કર્યું હતું !
એ દિવસે બધું જ એક સામટું ઊમટ્યું ! એ દિવસે સાંજના છ વાગ્યા હતા. અમારા ચાર વર્ષના ખેલન સિવાય ડે કેરમાં કોઈજ બાળક નહોતું અને ટીચર પણ ઘેર જવાની ઊતાવળમાં હાથમાં પર્સ લઈને ઉભી હતી. સ્વાભાવિક રીતે જ તે ગુસ્સામાં હતી કારણ કે, આજે ફરીથી અમે મોડાં પડ્યાં હતાં. હાંફળી ફાંફળી હું બારણામાં પ્રવેશી ત્યાં જ રડતાં રડતાં અમારા દીકરા ખેલને મને કહ્યું.“મારે પાણી પીવું છે. મમ્મી! મને તરસ લાગી છે!"
એણે એની કાલી ભાષામાં બે ચાર વખત અધીરાઈથી કહ્યું. મારું કાળજું કપાઈ ગયું. અરેરે ! એ ક્યારનો તરસ્યો હશે? હું એને જોરથી વળગી પડી ને લગભગ રડી પડી.
‘ મને સમજાતું નથી કે એ શું બોલે છે!’ ટીચર જરા ઝંખવાણી પડી ગઈ. એ પણ નવી જ હતી અને કદાચ અણઘડ પણ હશે. આ નાનું બાળક પાણી માંગે છે એટલોયે એને ખ્યાલ ના આવ્યો ? પણ એને શું પડી હોય કોઈના છોકરાની? એ તો બસ રાહ જોતી હતી. આ છોકરો જાય એટલે મારો દિવસ પૂરો!
પણ બસ! આજે હવે અંતર્ચક્ષુ ખુલી ગયાં હતાં. ફૂલ જેવો મારો દીકરો આજે કોઈ અણઘડ બાઈને કારણે તરસ્યો રહ્યો. ટીચર પર ગુસ્સો આવ્યો પણ તેનાથી કાંઈક અનેક ઘણો તિરસ્કાર મને મારી જાત પર આવ્યો. ધિક્કાર છે મને કે, મેં તદ્દન અજાણ્યા દેશમાં, તદ્દન અજાણ્યાં લોકો વચ્ચે મારાં ફૂલ જેવા દીકરાને જ્યાં ત્યાં ધકેલ્યે રાખ્યો. અને હજુ પેલી નાનકડી બે વર્ષની દીકરી નૈયા તો બેબી સિટરને ઘેર છે. હું અંદરથી ખળભળી ઉઠી. અમારાં બાળકો અહીંના સમાજથી પરિચિત થાય, અંગ્રેજી ભાષા આવડે એવાં કોઈ બિનજરૂરી ખ્યાલોમાં અટવાઈને હું એમને અહીંના બાળમંદિરોમાં લઇ જતી હતી. પણ વાસ્તવિકતા એ હતી કે, અમને પણ અહીંના સમાજની પૂરતી સમજ નહોતી.
આ એ સમય હતો (૧૯૮૩- '૮૪ ) જયારે સામાન્ય અમેરિકનને યુરોપ અને અમેરિકા સિવાયના બીજા કોઈ ખંડનું જરાયે જ્ઞાન નહોતું. ઇન્ડિયા એટલે સાપ અને હાથીઓનો દેશ એમ તેઓ માનતાં અને કેટલાંક લોકો આપણાં ભારતીયો તરફ ભેદભાવનું વલણ પણ દર્શાવતાં. છોકરાંઓને લેવા મુકવા જતાં મારું મન પૂછતું કે, 'શું તું આ બરાબર કરે છે? કોઈ મોટી ભૂલ તો નથી કરતી ને?'
સુભાષના ભાઈ સાથે અમે રહેતાં ત્યારે એ બન્ને છોકરાંઓને રમાડતાં પ્રેમથી કહેતા, "મંડવે તલે ગરીબકે દો ફૂલ ખીલ રહે હૈ! ‘ પણ હવે તો અમે અમારાં એપાર્ટમેન્ટમાં રહેવાં આવી ગયાં હતાં. આમ પણ લગભગ રોજ છોકરાં લેવા જવામાં મોડું થઇ જતું હતું. અને તેથી પણ ટીચરના વર્તનમાં એક પ્રકારની ઉપેક્ષા દેખાતી હતી.
આવાં અનેક કારણોથી અમે આ ડે-કેર પણ છોડ્યું. પણ આ વખતે હવે કોઈ બીજા ડે-કેરમાં ના જતાં મેં ઘેર રહેવાનું નક્કી કર્યું. હવે મારી આંખમાંથી આંસુનો ધોધ છૂટ્યો. મને મારી જાત ઉપર તિરસ્કાર થતો હતો. પણ હવે અફસોસ થવા માંડ્યો. ' મારાથી આ દેશમાં કાંઈજ નહીં થઇ શકે. આ બે ટાબરિયાઓમાંથી હું કોઈ દિવસ બહાર આવી શકીશ નહીં. મને અસંતોષ પણ હતો જ. પણ જે રીતે બાળકોના ડે કેર, બેબીસિટરના બનાવો બનતા હતા તેથી ચોખ્ખું સાબિત થતું હતું કે, આ વ્યવસ્થા બરાબર નથી. હવે આ પરિસ્થિતિ સ્વીકારવી જ રહી. ગમે કે ના ગમે, પણ એ તો હકીકત હતી કે અમારો ખેલન કલાકો સુધી તરસ્યો જ રહ્યો હર્તો.
વાચક મિત્રો, જયારે આપણું ધાર્યું થાય ત્યારે આપણે ખુશ; અને જયારે આપણું ધાર્યુ ના થાય ત્યારે ભગવાન ખુશ!
ભગવાન ખુશ થઇ ગયા હશે; કારણકે, બન્ને બાળકોએ ખુશ થઈને ગાવા માંડ્યું : 'હિપ હિપ હુરરે ! હવે આપણે ઘેર રહેવાનું છે.' હું હજુ દ્વિધામાં હતી કે, મેં આ સાચો નિર્ણય કર્યો છે કે, ખોટો? ઘણી વખત અમારાં ડે કેર સેન્ટરમાં મમ્મીઓને આ સ્ટેજમાંથી, આવી પરિસ્થિતિમાંથી પસાર થતાં જોઈ છે. નોકરી કરવી કે ના કરવી? છોકરાંઓને ઘરે રાખવાં જોઈએ કે સ્કૂલે મોકલવાં જોઈએ? નવી જગ્યાએ છોકરાંઓ રડે, તો કેટલા સમય સુધી એ યોગ્ય ગણાય? ભાષા ના આવડતી હોય તો શું કરવું જોઈએ? વગેરે વગેરે. માએ નોકરી કરવી જોઈએ કે નહીં?
આ આજના જમાનાનો મહત્વનો પ્રશ્ન છે! જો કે તેની ચર્ચામાં ના ઊતરતાં, તે દિવસે ભગવાને તૈયાર કરેલી પરિસ્થિતિ મને કોઈ નવી દિશા ઉઘાડી આપવાની હતી.
માત્ર ચોવીસ જ કલાકમાં મને મારી દિશા મળી જવાની છે. આકાશમાં વાદળ ઘેરાયાં હોય અને પછી વરસાદ ત્રાટકે, એવું જ કાંઈક મારાં જીવનમાં પણ બની રહ્યું હતું. મારી વાત્સલ્યની વેલડીનાં બીજ વવાઈ ચૂક્યાં હતાં. બસ હવે વરસાદ વરસે એટલી જ વાર હતી.
અને અમને કોઈનેય સ્વપ્નેય એનો ખ્યાલ નહોતો!