નિરંજન મહેતા
સ્થળ: સોસાયટી કંપાઉંડ
સમય: સાંજનો
પાત્રો: રાકેશ, મનોજ, દીપક, સૌમ્યા, વૈશાલી અને મહેક
(બધાં ટોળે વળી વાતો કરે છે.)
રાકેશ: કેમ મનોજ, આ વખતે વેકેશનમાં ક્યા જવાનો?
મનોજ: કદાચ મધ્યપ્રદેશ જવાનું પપ્પા વિચારી રહ્યા છે.
રાકેશ: અને દીપક, તું?
દીપક: હજી નક્કી નથી પણ પપ્પા મમ્મીને કહેતા હતાં કે ચાર દિવસમાં કોઈ નજીકની જગ્યાએ જઈ આવીએ.
સૌમ્યા: મારે તો પરીક્ષા આવે છે, એટલે આ વખતે ક્યાંય નહિ જવાય. કદાચ નીચે પણ નહીં અવાય.
વૈશાલી: મારૂં પણ એમ જ છે.
મહેક: તમે બધા જો નહીં હો તો મારો સમય કેમ જશે?
મનોજ: કેમ અન્ય લોકો છે ને? વળી ફટાકડા ફોડવા માટે તને ક્યાં કોઈની જરૂર છે? તું તો બિનધાસ્ત ફોડે છે.
મહેક: હા, પણ એકલા એકલા તમારા સૌના વગર મજા ક્યાંથી આવશે? એના કરતાં હું ન ફોડું તે જ યોગ્ય રહેશે.
સૌમ્યા: મહેક, આ કારણથી નહીં પણ અન્ય કારણે પણ તું ફટાકડા ન ફોડે તે યોગ્ય જ છે.
મહેક: અન્ય કારણ એટલે.?
સૌમ્યા: તને તો ખબર છે કે મોટા અવાજવાળા ફટાકડા કેટલો ત્રાસ આપે છે. ધ્વનિ પ્રદૂષણની તો લોકો 'ઐસી કી તૈસી' કરી નાખે છે.
રાકેશ: સાચી વાત છે. આજુબાજુમાં રહેતા લોકો જે માંદા હોય છે તેને કેટલો ત્રાસ થાય છે; તેની તરફ લોકો બેધ્યાન બને છે અને પોતાના આનંદના નામે અન્યોને ત્રાસ થાય છે તેનો વિચાર પણ નથી કરતાં.
વૈશાલી: અને અમારા જેવા કે જેને તરતમાં જ પરીક્ષા હોય છે તેનું શું? ન ફટાકડાં ફોડાય, ન વાંચવામાં ધ્યાન અપાય. ઉપરથી કોઈને કાંઈ કહેવાય નહીં. કહીએ તો મોઢું જ તોડી નાખે કે દિવાળીમાં ફટાકડા નહીં ફોડીએ તો ક્યારે ફોડીએ?
દીપક: વાત તો સાચી છે. લોકોને રોકાય પણ નહીં.
રાકેશ: હવે તો ઉચ્ચ ન્યાયાલયે પણ આમાં નિર્ણય આપ્યો છે. એક તો મોટા અવાજવાળા ફટાકડા પર પ્રતિબંધ મુક્યો છે અને ફટાકડા ફોડવાનો સમય પણ મર્યાદિત કર્યો છે. આનું જો બરાબર પાલન થાય તો કશુંક સુધરે. વળી જાહેર રસ્તે પણ ફટાકડા ફોડવા પર પણ પ્રતિબંધ છે. હવે જો રોકેટ જેવાં ખતરનાક ફટાકડા સોસાયટીમાં ફોડીએ અને ભૂલથી કોઈના ઘરમાં જાય તો આગ પણ લાગી શકે.
સૌમ્યા ઃ વળી ફટાકડા ફોડ્યા બાદ જે કચરો થાય છે, તે પણ ફટાકડા ન ફોડતા નહીં થાય અને આમ સ્વચ્છતા અભિયાનમાં પણ આપણું યોગદાન બનશે.
મનોજ: એટલે જ સુધરવાનું આપણે જ છે. આપણે અને આપણા અન્ય મિત્રો નક્કી કરીએ કે આ વર્ષે ફટાકડા નથી ફોડવા, તો આપણા તરફથી પર્યાવરણ માટે કાંઇક કર્યાનો આનંદ અને સંતોષ લઇ શકશું.
વૈશાલી: વાહ મનોજ, તારી વાત વિચારવા જેવી છે. હું તો તારી સાથે સહમત છું. માનું છું કે તમે બધા પણ આમ કરવામાં સાથ આપશો તો આપણે આપણા આજુબાજુના વાતાવરણને બગાડતાં બચાવાશું અને તે જ રીતે બીજી સોસાયટીનાં આપણા મિત્રોને જો આ વાત કરીએ તો આમ કરી એક સારા કામમાં તેમને પણ ભાગીદાર બનાવી શકાય.
સૌમ્યા: વૈશાલી, તારી વાત પણ વિચારવા જેવી છે. ન કેવળ આજુબાજુની સોસાયટીના મિત્રો પણ આપણી શાળાના આપણા મિત્રોમાં પણ આ વાતનો બહોળો પ્રચાર કરીએ અને તેઓ પણ સાથ આપે તો આપણે આપણા દેશ માટે કશુંક કરી લીધાનો ગર્વ અનુભવશું.
મહેક મિત્રો, તમારી વાતે તો મને પણ વિચારમાં મૂકી દીધી. મારા મામા એક અખબારમાં કામ કરે છે. હું તેમને કહીને આપણા આ નિર્ણયની વાત કરીશ અને તેમના અખબારમાં છાપવાનું પણ કહીશ; જેથી અન્યોને પણ દાખલો બેસે અને કદાચ આપણી જેમ ફટાકડા ન ફોડવાનો વિચાર પણ આવે.
વૈશાલી: યે હુઈ ન બાત! હું તો કહું છું કે, આપણે સૌ આપણા પપ્પાને કહીએ કે આ વર્ષે અમે ફટાકડાં નથી ફોડવાના તો કેટલા ખુશ થશે? પર્યાવરણ પ્રત્યેની આપણી લાગણી માટે આપણી પીઠ તો થાબડશે પણ એ રીતે કોઈ દાઝશે પણ નહીં તેનો પણ તેમને અહેસાસ થશે.
રાકેશ: વૈશાલી, આ વાત સાથે હું સહમત છું પણ હું તો તેથી એક પગલું આગળ વિચારૂં છું.
બાકીના બધા: શું?
રાકેશ: આપણે આપણા પપ્પાને પૈસા બચાવવાની વાત ન કરતાં કહીએ કે, એટલા પૈસા આપણને આપે.
મહેક: પણ તે લઈને શું કરીશું જો ફટાકડા ન ફોડવા હોય તો?
રાકેશ: તે બધા પૈસા ભેગા કરી આપણે દિવાળીને દિવસે આપણી સામેની ગરીબ વસ્તીમાં રહેતા બાળકો કે જે આ પ્રસંગે અન્યોને મીઠાઈ ખાતા જોઈ ફક્ત તાકી જ રહે છે તેમને માટે થોડી થોડી મીઠાઈઓ લઈને આપશું. તે ખાઈને જે આનંદ તેઓને મળશે તેનો આપણા માટે કોઈ અનેરો લહાવો બની રહેશે.
વૈશાલી ઃ વાહ, રાકેશ. આવો વિચાર તું જ કરી શકે. તને મારો સાથ છે.
બાકીના: હમ ભી તુમ્હારે સાથ હૈ.
મનોજ:મને હજી વધુ એક વિચાર આવે છે.
દીપક:મનોજ અને વિચાર?
(બધાં હસી પડે છે)
મનોજ:સોબત તેવી અસર !
(અન્યો વાહ! વાહ! કહી તાળી પાડે.)
રાકેશ:બોલ શું વિચાર આવ્યો?
મનોજ:આપણે આપણી સોસાયટીના સેક્રેટરી પટેલસાહેબને મળીને આપણી વાત કરીએ અને તેમને વિનંતિ કરીએ કે તેઓ એક સર્ક્યુલર કાઢી આપણી સોસાયટીના સર્વેને વિનંતિ કરે કે, ઉચ્ચ ન્યાયાલયના આદેશનું પાલન કરે અને સમય મર્યાદામાં ફટાકડા ફોડે. સાથે સાથે આપણા નિર્ણયની પણ જાણ કરી અન્ય સદસ્યોને પણ તેમાં સાથ આપવા વિનંતી કરે.
સૌમ્ય:સાવ સાચી વાત. તો ધરમના કામમાં ઢીલ શાની? હમણાં જ પટેલ સાહેબ ઘર ગયા છે તો તેમને જઈને મળીએ અને આપણી વાત કરી તેમનો સાથ માંગીએ.
(બધા જાય છે).