અનાથનું એનિમેશન : ભાગ – ૨

     -     સુરેશ જાની

ભાગ – ૧

      અઠવાડિયામાં તો શહેરથી ચાળીસ માઈલ દૂર આવેલી ચિત્રકામની તાલીમ આપતી સંસ્થાના બારણે તમારા પપ્પા તમને મુકી ગયા.

      પરેશ! તમારાં સીધાં અને ઝડપી ચઢાણ હવે શરૂ થયાં. સવારના ચાર વાગે ઊઠવાનું. બપોરના લન્ચના ટિફિન સાથે પપ્પા તમને એસ.ટી. સ્ટેન્ડ પર મુકી જાય અને તમે બસમાં સવાર થઈ, નવી નિશાળે હાજર. સાંજે આવો જ વળતો ક્રમ. આઠ વાગે નિત્યક્રમ પરવારી ત્રણ કલાક તમારું લેસન ચાલે, છેક બાર વાગે તમે નિંદર ભેળા થાઓ.

     પણ હવે તમારી સુકલકડી કાયામાં નવો પ્રાણ ફુંકાવા લાગ્યો હતો. તમારી આંખો કોઈક અજાણી ખુમારીથી ચમકવા લાગી હતી. પદ્ધતિસરની તાલીમથી તમારાં ચિત્રોમાં નવો જ નિખાર આવવા લાગ્યો હતો. ઘેરા, શોગિયલ રંગોનું સ્થાન આશાની ઉષાની સુરખી લેવા લાગી હતી. એમાં તમારો થનગનતો આત્મા અભિવ્યક્ત થઈ રહ્યો હતો.

     એક વર્ષ પછી તમે ઘેર આવીને એક કાગળ તમારા પપ્પાના હાથમાં પકડાવી દીધો હતો. ત્રીસ જણના વર્ગમાં તમારો બીજો ક્રમ આવ્યો હતો; અને વર્ષાન્તે યોજાયેલી ચિત્રકામની હરિફાઈમાં તમારા ચિત્રને પહેલું ઈનામ મળ્યાંનું સર્ટિફિકેટ પણ સાથે સામેલ હતું.

      પરેશ! યાદ કરો; પપ્પાએ વહાલથી જીવનમાં પહેલી વાર તમારો ખભો થાબડ્યો; એ તમારે માટે સૌથી મોટું ઈનામ ન હતું?

      ચાર વરસની એ આકરી તપસ્યા પછી; તમે ડિપ્લોમા સર્ટિફિકેટ લઈને ઘેર આવ્યા ત્યારે તમારો જૂનો મિત્ર ત્રીજા વર્ગમાં બી.એ. પાસ થયો હતો; અને બી.કોમ. ના ક્લાસ ભરવા કે, એલ.એલ.બી. એની મૂંઝવણમાં હતો. નોકરી મળવાની તો કોઈ જ આશા ન હતી.

      તમે છાપામાં આવેલી એક જાહેર ખબર પર અવિનાશનું ધ્યાન દોર્યું. શહેરની એક જાણીતી સંસ્થાના, મહિના પછી ભરાનાર પ્રદર્શનમાં સુશોભન કામ માટે ચિતારાઓની જરૂર હતી; અને તમારા જેવા ડિપ્લોમા ધરાવનાર ઉમેદવારોની અરજીઓ મંગાવી હતી.

     અવિનાશે કમને રજા આપી; જાણે અંદરથી એ વિચારી રહ્યા હતા,”છટ્ટ, ચિતારો!”

     જ્યારે એ પ્રદર્શન ખુલ્લું મુકાયું ત્યારે એના પ્રવેશદ્વાર પર અને અંદરની મોખરાની જગ્યાએ, મનોહર રંગોથી દીપી રહેલાં તમારાં દોરેલાં ચિત્રો અને સજાવટ સૌનું ધ્યાન ખેંચી રહ્યા હતા. પરેશ! તમારી વર્ષો જૂની હૈયાની આકાંક્ષાઓ તે દિવસે વિજયનાદના ઢોલ પીટી પીટીને તમારા ઉત્સાહને પ્રજ્વલિત કરી રહી હતી.

     પણ આમ છૂટક કામ હમ્મેશ થોડું જ મળે? ફરી પાછા સુબોધભાઈ તમારા ઘેર આવી પહોંચ્યા. એમના હાથમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આવેલી, બેન્ગલોરમાં ‘કોમ્પ્યુટર એનિમેશન’નું કામ કરતી એક સંસ્થાની જાહેરખબર હતી. એ લોકો વર્ષે ૫૦,૦૦૦ રૂપિયા લઈ, તાલીમ આપવાના હતા; અને એમાં સફળ થાય તો કાયમી નોકરીએ રાખવાની આશા આપતા હતા.

       અવિનાશ તો કેમ કરીને આવું સાહસ કરવા તૈયાર થાય? પેટે પાટા બાંધીન ઉછેરેલ આ રતન જેવા દીકરાને આટલે દૂર મોકલવાનો? અને એ પણ આટલી મોટી રકમ ખર્ચીને?

      સુબોધભાઈ બોલ્યા,” લે! અડધી રકમ હું આપીશ. અને ત્યાં ગયા પછી, પરેશને પાર્ટ ટાઈમ નોકરી પણ કદાચ મળી જાય.”

      પરેશ! તમારું હૃદય પણ જોર જોરથી ધડકવા લાગ્યું ન હતું? ‘શહેરથી ચાલીસ માઈલ દૂર જવું એક વાત હતી; અને આ? છેક બેન્ગલોર જવાનું? અને એકલા રહેવાનું? મમ્મી, પપ્પાને પણ ન મળી શકાય.’

     તમે જાતે જ નન્નો ભરી દીધો. પણ સુબોધભાઈ? બાબરા ભૂતની પ્રતિકૃતિ જેવા એ કાકા તો થેલીમાંથી બીજી જાહેર ખબરો કાઢીને બતાવવા લાગ્યા. આવી તાલીમ લીધી હોય, તેવા લોકોને નોકરી માટેની એ જાહેર ખબરો હતી. એકેયમાં મહિનાના ૪૦,૦૦૦ રૂ.થી ઓછી રકમની ઓફર ન હતી.

      અને છેવટે તમારા પપ્પા પીગળ્યા. તમે ડરતા દિલ સાથે બેન્ગલોરના સ્ટેશન પર પગ મૂક્યો. કેવી હરકતોથી ભરપૂર એ જિંદગી? કમ્પનીની ઓફિસ તો શહેરના મુખ્ય વિસ્તારમાં હતી. એનાથી ઘણે દૂર, એક નાના ફ્લેટમાં સાવ અજાણ્યા પ્રદેશના ચાર સાથીઓ સાથે રહેવાનું. કલાક જતી વખતે અને કલાક પાછા વળતી વખતે બસની ધક્કામુક્કીમાં સફર. ઘેર જઈને મિત્રોની સાથે બનાવેલું, સાવ બેસ્વાદ ભોજન લસલસ કેમે કરી ગળેથી નીચે ઉતારવાનું. એમાંથી જ બચેલી સામગ્રીમાંથી સવારનો નાસ્તો અને બીજા દિવસ માટેનું ઓફિસમાં ખાવાનું લન્ચ. અને રાતે મોડા સુધી હોમવર્ક તો પતાવવાનું જ ને? ક્યાં મમ્મીના હાથની ગરમાગરમ અને વ્હાલથી ભરેલી ગુજરાતી રસોઈ અને ક્યાં આ ચવ્વડ, જાડા રોટલા?

     ખેર, ઊજળા ભવિષ્યની એક માત્ર આશા જ થાકથી ઊભરાતી તમારી સુકલકડી કાયાનો એક માત્ર આધાર ન હતી?

એક વર્ષ પછી.

     પરેશ! તમે ઉત્સાહથી ઓફિસની બાજુમાં આવેલ એસ.ટી.ડી. કોલ સેન્ટર પરથી પપ્પાને ફોન જોડ્યો,”પપ્પા! મને આજે કમ્પનીએ નોકરીની ઓફર આપી છે. મહિનાના ૫૦,૦૦૦ રૂપિયા પગાર. બધા ટ્રેઈનીઓમાં મારો બીજો નમ્બર આવ્યો. પગાર ઉપરાંત મને બે બેડરૂમના ફ્લેટમાં રહેવાનું ભાડું પણ આપશે. ઘેર કામ કરી શકું એ માટે કમ્પની જ મને લેપટોપ આપવાની છે; અને સેલફોન પણ. તમે અને મમ્મી અહીં મારી સાથે રહેવા ક્યારે આવશો?"

      પરેશ! એ શુકનિયાળ દિવસના એક મહિના પછી તમે હૈદ્રાબાદના સ્ટેશન પર પપ્પા/મમ્મીના આવવાની રાહ જોઈ રહ્યા છો. કમ્પનીએ આપેલા બે બેડરૂમના ફ્લેટમાં તમે તેમને માટે એક બેડ રૂમ કેવો સજાવી રાખ્યો છે? અને…

     ’દિવાલો પર તમે બનાવેલા કોમ્પ્યુટર ગ્રાફિક્સના લેમિનેટેડ પ્રિન્ટ આઉટ જોઈ, મમ્મી ભીંતો પર તમે કરેલા લીટા યાદ કરતી, કેવી મલકાશે?’

    - એની કલ્પના કરીને તમારા ચહેરા પણ આછી આછી મુસ્કાન રમત રોળિયાં નથી કરી રહી?

      ત્યાં જ તમારો સેલફોન રણકી ઊઠે છે. એની ઉપર તમે જ બનાવેલું રંગબેરંગી એનિમેશન કૂદકા અને ભુસકા મારતું તમારા મિત્રના ટેક્સ્ટ સંદેશાની જાણ કરે છે,”પરેશ! તારા પપ્પા મમ્મી આવી ગયા?”

    -    તેમનો બ્લોગ 

નોંધ - નીચેના કોઈ પણ ચિત્ર પર ક્લિક કરી, નવી ટેબ પર  મોટું જોઈ શકશો. ત્યાં ક્લિક કરી અહીં પાછા આવી શકશો.

-- --

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *