જેવી દૃષ્ટિ એવી સૃષ્ટિ

- રાજુલ કૌશિક

        એક ગામના પાદરે એક વૃક્ષ નીચે એક સાધુ પોતાની નાની શી ઝૂંપડીમાં રહેતા અને સાધના કરતા.  એક વાર ત્યાંથી પસાર થતા એક માણસે એમને પૂછ્યું ..

     “ હું કોઇ સારા ગામમાં રહેવા માંગુ છું. આ ગામના લોકો કેવા છે ?

      સાધુએ એ વ્યક્તિને સામો સવાલ કર્યો, “ પહેલા તમે રહેતા હતા એ ગામના લોકો કેવા હતા?”

       “સાવ નકામા, કકળાટિયા, એમના ત્રાસથી તો મેં એ ગામ છોડીને બીજે રહેવાનું નક્કી કર્યું.”

   

       સાધુએ પ્રત્યુત્તર આપ્યો, “તો ભાઇ તને અહીં નહીં ફાવે, આ ગામના લોકો પણ એવા જ છે.”

       એ વ્યક્તિ થાકેલી હોવાથી થોડીવાર સાધુની પરવાનગી લઈ ત્યાં પોરો ખાવા બેઠી. ત્યાં એટલામાં બીજો મુસાફર ત્યાં આવી ઉભો. એણે પણ સાધુને પૂછ્યું.” હું કોઇ સારા ગામની શોધમાં છું. આ ગામના લોકો કેવા છે?”

       “ તમે પહેલા રહેતા હતા એ ગામના લોકો કેવા હતા?” સાધુએ એને પણ પહેલી વ્યક્તિ જેવો જ સવાલ કર્યો.

        “ અરે! એ ગામના લોકો તો ખૂબ સારી ભાવનાવાળા અને સાલસ હતા. પણ ત્યાંના હવાપાણી મને માફક ન આવ્યા માટે નાછૂટકે મારે એ ગામ છોડવું પડ્યું.”

     “તો તમે આ ગામમાં જરૂર રહી શકો છો.’ સાધુએ જવાબ આપ્યો

     પણ એ જવાબ સાંભળીને પહેલી વ્યક્તિ અત્યંત ગુસ્સે થઈ ગઈ.“બાપજી, આ તે કેવી વિચિત્ર વાત? થોડીવાર પહેલાં તમે મને કહો છો કે, આ ગામ રહેવા લાયક નથી અને હવે તમે આમને અહીં ખુશીથી વસવાટ કરવાનું કહો છો!”

      સાધુએ સરસ જવાબ આપ્યો, “ જો ભાઇ

      જેનામાં ખરાબી હોય એને બધે ખરાબી જ દેખાવાની.  એની ખરાબીનો ચેપ અન્યને પણ લાગી જાય

       આથી મેં તમને અન્ય ગામ શોધી લેવાનું કહ્યું. આ ભાઇને સ્વભાવ સારો છે એટલે એમને સૌ સારા લાગવાના. 'સંગ એવો રંગ' એ ન્યાયે એમની સારપથી એમની આસપાસના લોકોમાં ય સારી ભાવના કેળવાશે ને!”

     મૂળ વાત છે દ્રષ્ટિકોણની કારણ કે, 

     જેવી દૄષ્ટિ એવી સૃષ્ટિ.   કમળો હોય એને બધે જ પીળું દેખાવાનું. સુંદરતા પામતા પહેલા સુંદર બનવું પડે. મન ચંગા તો કથરોટમેં ગંગા બાકી તો દૂધમાં પોરા કાઢતા લોકોની ક્યાં કમી છે?

     

      રામદાસની વાત છે. એ રામાયણ લખતા અને શિષ્યોને સંભળાવતા જતા હતા. હનુમાનજી પણ ગુપ્ત રૂપે તેમને સાંભળવા આવીને બેસી ગયા. સમર્થ રામદાસજીએ લખ્યું કે “ હનુમાનજી અશોક વનમાં ગયા અને ત્યાં તેમણે સફેદ ફૂલો જોયાં.”

     આ સાંભળતાની સાથે જ હનુમાનજી ત્યાં પ્રગટ થઈને બોલ્યા, “મેં ત્યાં સફેદ ફૂલો જોયા જ નથી. તમે ખોટું લખ્યું છે. સુધારી લો.” સમર્થ રામદાસજીએ કહ્યું, “મેં સાચું જ લખ્યું છે ફૂલો તો સફેદ જ હતાં.

     હનુમાનજી પોતાની જીદ પર અડી રહ્યા. “ કેવી વાત કરો છો! હું સ્વયં અશોકવનમાં ગયો હતો. ત્યાં મેં કોઇ સફેદ ફૂલો જોયાં જ નથી.”  

     

     આખરે વાત ભગવાન રામચંદ્રજી પાસે પહોંચી. તેમણે કહ્યું ફૂલો તો સફેદ જ હતા, પરંતુ હનુમાનજીની આંખો ક્રોધથી લાલ થઈ રહી હતી એટલે તેમને ફૂલો સફેદ ન દેખાતાં તેમનો રંગ લાલ દેખાયો.”

    આ નાનકડી વાતનો આશય પણ એ જ છે કે, 

        સંસાર તરફ પણ આપણી દ્રષ્ટિ જેવી હશે સંસારમાં પણ એવું જ  દૄષ્ટિગોચર થશે. ( નજરે દેખાશે.)

તેમનો બ્લોગ ' રાજુલનું મનોજગત' 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *