- શિરીષ દવે
એક ભાઈ વિદેશથી આવેલા. તેમની સાથે તેમના મિત્ર પણ હતા. મિત્રભાઈએ કહ્યું “હું તારી સાથે નહીં આવું. કારણ કે તું ગપ્પાં બહુ મારે છે. એટલે વિદેશથી આવેલ ભાઈએ કહ્યું, કે જ્યારે તને એવું લાગે કે હું ગપ્પું મારું છું ત્યારે તારે મને ચેતવવા “છીસ…” એમ સિસકારો કરવો એટલે હું મારું મારું ગપ્પું સુધારી દઈશ.
વિદેશથી આવેલા આ ભાઈ અને તેમના મિત્ર, એક મંડળીમાં બેઠા હતા. વિદેશથી આવેલા ભાઈ બોલ્યા કે “અમારે ત્યાં તો સો સો માઈલ લાંબા સાપ હોય છે.”
મિત્રે “છીસ … “ કરીને સિસકારો બોલાવી સંકેત આપ્યો.
એટલે આ ભાઈ બોલ્યાઃ” પણ આવા લાંબા સાપ તો અમે જોયેલા નથી. પણ અમારા વિસ્તારમાં તો એકાદ માઈલ લાંબા જ સાપ હોય”.
મિત્રે “છીસ … “ કરીને સિસકારો બોલાવી ફરીથી સંકેત આપ્યો.
એટલે આ ભાઈ બોલ્યાઃ જો કે આવા સાપ પણ આમ તો દૂર દૂર. પણ અમારા પોતાના વિસ્તારમાં તો એકાદ ફર્લાંગ જેટલા લાંબા જ સાપ થતા હતા.
મિત્રે “છીસ … “ કરીને સિસકારો બોલાવી ફરીથી સંકેત આપ્યો.
એટલે આ ભાઈ બોલ્યા
“છીસ.. ને બીસ…, હવે તો હું એક તસુ પણ ઓછું નહીં કરું”