દુનિયાની સફર – ૨

     -    કલ્પના દેસાઈ

મૂળ સ્રોત

http://www.filipiknow.net/weird-laws-in-the-philippines/

http://www.huffingtonpost.in/entry/worlds-most-bizarre-tourist-attractions-_n_4058411

http://www.thedesitimes.com/2017/09/end-of-an-age-old-weird-custom-in-nepal/

૧) અહીં કાયદાની ઐસી કી તૈસી નહીં ચાલે

     આ ફિલિપિન્સ છે. દુનિયાના બીજા દેશોની જેમ અહીં પણ અવનવા ને અટપટા કાયદા છે પણ કાયદાનું ઉલ્લંઘન? ના બાબા ના.

      ક)  અહીં એકવીસથી પચીસ વર્ષના (ઉંમરલાયક)જુવાનિયાઓ માટે કાયદો છે કે, ‘જ્યાં સુધી તમારા માબાપની પરવાનગી નહીં લખાવી લાવો ત્યાં સુધી તમને મેરેજ સર્ટિફિકેટ નહીં મળે.’

      એનો અર્થ આપણે એમ કાઢી શકીએ કે લવ મેરેજ થઈ શકે પણ બન્ને પક્ષે માબાપની સંમતિ જોઈએ! જો કોઈ પણ એક પક્ષે ના થાય તો એમને ત્રણ મહિનાનો સમય અપાય. જુવાનિયાઓને પણ ફરી વિચારવાની એક તક અને માબાપને પણ તક. આ ત્રણ મહિનામાં ઘણું થઈ શકે!

     જેમ કે, માબાપ બધાં કામ છોડીને જુવાનિયાઓની પાછળ પડી જાય.

      ‘માબાપની ઈજ્જતનો જરાય વિચાર ના કર્યો?’

     ‘ક્યાં એ રખડુ ને મુફલિસ છોકરો ને ક્યાં તું ઊંચા હોદ્દે કામ કરતી એક સમજુ છોકરી! પ્લીઝ બેટા, અમને પણ સમજવાની કોશિશ કર. અમે કંઈ તારા દુશ્મન નથી. હજી તારી પાસે ત્રણ મહિના છે. વિચારી લે. તોય તને એ જ છોકરો ઠીક લાગે તો પછી તારું ભવિષ્ય તારી સાથે.’

    ‘અરેરે! એ છોકરીના રૂપની પાછળ તું ગાંડો થયો? રૂપનું શું છે? આજે છે ને કાલે નથી. એ દિલની કેવી છે, ઘર સંભાળી શકે એવી છે કે નહીં અને મુખ્ય વાત તે, એ તને વ્યવસ્થિત જમાડશે ખરી? પૂછી જો એને રસોડામાં ગઈ છે કોઈ વાર?’

     અને પરણનારના મનમાંય આ ત્રણ મહિનામાં ઉથલપાથલ નહીં થાય એ કોણ જોવા ગયું? કાયદો તો સારો છે.

ફરી વિચારવાની તક તો આપે છે!

      ખ ) જીવલેણ તીર રાખ્યું તો જેલમાં જશો! અહીંના લોકો સારા નિશાનેબાજ હોય એવું લાગે છે, કારણકે સરકારે જીવલેણ તીર ચલાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. સાદા કે બુઠ્ઠા તીર જેનાથી કોઈને જીવનું જોખમ ન રહે એવાં તીર ચાલતાં હશે કદાચ. કોઈને મારવા માટે ઉપયોગમાં લેવાતા તીરની લોકપ્રિયતા જોઈને આ કાયદો અમલમાં આવ્યો અને ત્રીસ દિવસ કે છ મહિનાની કડી સજાની પણ જોગવાઈ કરી.

      આમાં જીવલેણ તીર મારવું એટલે ઈજા પહોંચાડવાનો ઈરાદો તો નહીં જ હોય ને? તો પછી આને કડક કાયદો કહેવાય? કે પછી ઈજાનો પ્રકાર જોઈને સજાની જોગવાઈ થઈ હશે?

      આ લોકોએ એક વાર આપણે ત્યાંના જીવલેણ હથિયારોનું લિસ્ટ જોઈ લેવું જોઈએ. ફક્ત તીરના નામે કાયદો બને? આપણે ત્યાં તો તીરમાંય કેટલી વિવિધતા? હાથમાં લેવાનીય જરૂર નહીં. નજર કે જબાનનું તીર કાફી છે ને? મરે નહીં તોય ઘાયલ થવાની ગૅરન્ટી.

૨) નેપાળનું આવકારદાયક પગલું

     આપણે ત્યાં ધર્મને નામે માસિક ધર્મના દિવસોમાં સ્ત્રીઓ પર જે ત્રાસ ગુજારાતો કે હજીય ગુજારાય છે તેની સામે રક્ષણ આપતો કોઈ કાયદો નથી. અમુક સુધારા તો લોકોએ જ સમજીને કરવા પડે. જોકે નેપાળની સરકારે ત્યાંની હિંદુ સ્ત્રીઓ પર ગુજારાતા સિતમને કાયદાની આંટીમાં લઈ લીધો છે.

     નેપાળમાં ‘છૌપડી’ રિવાજને નામે, પહેલી વાર રજસ્વલા થતી કન્યાને અગિયાર દિવસ અને પછીથી દર મહિને આ કઠિન દિવસોમાં ચારથી સાત દિવસની સજા થતી! એ દિવસોમાં સ્ત્રી અસ્પૃશ્ય ગણાય, કોઈ એને અડે નહીં ને એણે પણ કોઈને નહીં અડવાનું! મંદિરનાં દ્વાર એના માટે બંધ. ભોજન, ભગવાન અને ગાયને પણ અડવાનું નહીં. આ કેવી સજા? એ દિવસોમાં એણે ઘરની બહાર ગમાણમાં(ઢોર બાંધે ત્યાં) અથવા ઘરથી દૂર કોઈ ઝૂંપડામાં રહેવાનું! એ ઝૂંપડામાં સ્વાભાવિક છે કે કોઈ સગવડ તો ન જ હોય પણ ત્યાં સાપ, ઉંદર, વીંછી કે એવા જ ડરામણા જાનવરોની સતત બીક પણ રહે. એ સ્ત્રીની હાલત તો પછી જે થાય તે.

      ભલું થજો નેપાળની હાલની સરકારનું કે સ્ત્રીઓ પર દયા ખાઈને, સ્ત્રીને ઘરની બહાર કાઢનાર દરેકને સજાની જોગવાઈ કરતો કાયદો લાવી દીધો. આપણે ત્યાંય આ કાયદો સત્વરે અમલમાં લાવવો જ જોઈએ. હવે દુનિયામાં સ્ત્રીઓના સારા દિવસોની શરૂઆત થઈ એમ ગણી લઈએ?

૩)બબલગમ ગલી

     ગલીઓનાં નામનો ખૂબ મોટો સંગ્રહ થાય એટલી આપણે ત્યાં વિવિધતા છે. છતાંય આજે આપણે જે ગલીનાં દર્શન કરશું એવી ગલી તો આપણને કદાચ ભારતમાં પણ નહીં જ મળે.

     કેલિફોર્નિયામાં સૅન લુઈસ ઓબિસ્પોની એક પંદર ફીટ ઊંચી અને સિત્તેર ફીટ લાંબી ગલી બબલગમ ગલી તરીકે જ ઓળખાય છે. અહીં ચિંગમ(ચ્યૂઈંગ ગમ) ખાનારા આવીને આ દિવાલ પર ખાધેલી ચિંગમ ચોંટાડી જાય છે. જેમને ચોખ્ખાઈની બિલકુલ પરવા નથી કે જેમને ફક્ત મનોરંજન કે મસ્તી જ જોઈએ છે, તેમને માટે આ શ્રેષ્ઠ જગ્યા છે. વળી આ તો દુનિયામાં જોવાલાયક જગ્યા છે!

      ઠીક છે, ચિંગમ કોઈના કપડાં પર કે કોઈના વાળમાં કે કોઈની સીટ પર ચોંટાડે એના કરતાં તો સારું, કે આવી કોઈ દિવાલ પર ચોંટાડીને ખુશ થાય.

      આ રીતે આપણે ત્યાં પણ ઘણી બધી રીતે ગલીને ગંદી કરનારાઓ માટે આવી ખાસ ગલીઓ રાખી હોય તો બાકીની ગલીઓ સાફ રહી શકે. પોતે જ ગંદી કરેલી એ ગલીમાં બીજી વાર જવાનુંય કોઈ નામ ના લે અને બીજે તો જવાય નહીં! એટલે નવું સૂત્ર બની શકે, ‘સ્વચ્છ ભારતકા નયા કદમ, એક ગંદી ગલીકી ઓર.’


નોંધ -  નીચેના કોઈ પણ ચિત્ર પર ક્લિક કરી નવી વિન્ડોમાં મોટું જુઓ. ફરી ક્લિક કરી અહીં પાછા આવી જાઓ.

નેપાળ
સેન્ટ લુઇ એબિસ્પો
ફિલિપાઈન્સ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *