- કલ્પના દેસાઈ
મૂળ સ્રોત
http://en.blog.govoyagin.com/post/76326945292/10-weird-wacky-things-to-do-in-tokyo-japan
http://millionairessayings1.com/bizarre-airlines/
http://list25.com/25-crazy-things-you-will-only-find-in-japan/
૧) નોર્થ કોરિયાની એર હોસ્ટેસ પ્લેનમાં દેશભક્તિનાં ગીતો ગાય!
દુનિયાના દરેક દેશ પોતાની એરલાઈન્સની સારામાં સારી સેવા આપવાનો પ્રયત્ન કરતા રહે છે. ભોજનથી માંડીને જાતજાતનાં પીણાં અને નાસ્તા–પાણી સહિત, એર હોસ્ટેસ પણ સુંદર અને વિવેકી હોય એનું ધ્યાન રાખે છે.
જ્યારે નોર્થ કોરિયાની એક એરલાઈન્સ–કોર્યો એરલાઈન્સ દુનિયાની ખરાબમાં ખરાબ એરલાઈન્સ ગણાય છે. એની સર્વિસ તો ખાસ્સી રેઢિયાળ અને અધૂરામાં પૂરું એમાંની એરહોસ્ટેસો પ્રવાસ દરમિયાન સતત દેશભક્તિના ગીતો લલકારતી રહે! હવે ગમે તેટલા દેશભક્ત લોકો હોય પણ પ્લેનમાં બેઠાં બેઠાં દેશભક્તિનાં ગીતો સાંભળવાના? અને તેય એર હોસ્ટેસના મોંએ? કંઈક તો ન્યાયની વાત થવી જોઈએ ને?
આપણા દેશની એર હોસ્ટેસો પણ વખણાય છે, તોય એમને દેશભક્તિનાં ગીતો ગાવાનો આગ્રહ કે આદેશ તો કોઈએ નથી કર્યો.
૨) વન લાઈનર પ્લેન!
પ્લેનમાં મુસાફરી કરવી બધા માટે આનંદ દાયક નથી હોતી. જો લાંબી મુસાફરી હોય તો થાક લાગે, કંટાળો આવે અને એવા સમયે ઊંઘ પણ ન આવે. ન વાંચવાનું મન થાય કે ન ફિલ્મ જોવાનું.
આ બધાના ઉપાય તરીકે, સાઉથ આફ્રિકાની ઓછા ભાડામાં સિધ્ધપુર ફેરવી લાવતી એરલાઈન્સે એક નવો પ્રયોગ કર્યો.
આખા પ્લેનને અંદર બહાર બધે જ વન લાઈનર્સથી શણગારી દીધું. યાત્રીઓ સફરની ચિંતા જ ન કરે એ જ એમનો ઉદ્દેશ. બધી રમૂજો વાંચતાં, માણતાં ને મમળાવતાં પોતાના ગંતવ્ય સ્થાન સુધી હેમખેમ પહોંચી જાય એટલે પૈસા વસૂલ થઈ જાય. યાત્રીઓની ચિંતા કરે એ જ સાચી એરલાઈન્સ.
નોંધ - નીચેના કોઈ પણ ચિત્ર પર ક્લિક કરી નવી વિન્ડોમાં મોટું જુઓ. ફરી ક્લિક કરી અહીં પાછા આવી જાઓ.