પ્રયત્ન અને પરિણામ

- ગીતા ભટ્ટ

    આપણે પ્રયત્ન કરીએ એટલે પરિણામ તો મળે જ. પાસ ના થઈએ તો ય ભલે , પણ અનુભવ તો મળે જ. 

     અમે આપણા ભારત દેશમાં હતાં ત્યારે કાંઈક કરવા, કંઈક બનવા, જીવનમાં કંઈક કરી છુટવા પ્રયત્નો કરતાં હતાં.  પણ ગાડું આગળ વધતું નહોતું.  મોંઘવારી પણ એટલી બધી કે સ્વતંત્ર રીતે ઘર પણ ચલાવી શકાય નહીં.  પછી છેવટેઅમેરિકા માટે પ્રયત્ન કર્યો અને નસીબજોગે અમેરિકાના વિઝા મળ્યા. 

     અમેરિકા આવ્યાં અને એક દિવસ અનાયાસે જ બેબીસિટિંગ  બિઝનેસ શરૂ થઇ ગયો.  ધીમે ધીમે બાળકોને સંભાળવાં, રમાડવાં, રાખવાં વગેરે પર પકડ આવી રહી હતી.  ત્યાં વકીલની નોટિસ મળી, ‘આ બધું તાત્કાલિક બંધ કરી દો!’

     આમ પણ અમારું ત્રીજા માળ પરનું એપાર્ટમેન્ટ બેબીસિટિંગ માટે યોગ્ય નહોતું. એટલે સ્વાભાવિક રીતે જ હું અમારાં નેબરહૂડના છાપામાંથી કોઈ સારું ઘર ભાડે મળે તે માટે શોધી રહી હતી. એ જ છાપામાં મારી બેબી સિટિંગની જાહેરાત પણ આવતી હતી. નજીકના જ એક સારા ઘરના ગ્રાઉન્ડ ફ્લોરનું એપાર્ટમેન્ટ અમને ભાડે મળી ગયું. આ ઘર મુખ્ય રસ્તા ઉપર હતું અને પાછળ સરસ બેકયાર્ડ હતું, જ્યાં બાળકો દોડાદોડી કરી શકે અને સ્નોમાં પણ રમી શકે. ઉપરને માળે એક મેક્સિકન બેન એનાં છ સાત વર્ષનાં બાળકો સાથે રહેતી હતી, અને બેઝમેન્ટમાં એક માજી રહેતાં હતાં.

     અમારી પાસે ઝાઝો સમાન તો હતો નહીં, અમે તરત જ આ નવા ઘરમાં રહેવાં આવી ગયાં. અમારે ત્યાં બેબીસિટિંગમાં આવતાં બાળકો અને તેમનાં મા બાપ પણ આ બેકયાર્ડ વાળી નવી જગ્યા જોઈને ખુબ ખુશ થયાં. અમારા આ હાઉસમાં બેબીસિટિંગ બિઝનેસ વધુ ફૂલ્યો ફાલ્યો .

     સવારે સાત વાગેપહેલું બાળક આવે અને રાતે બાર વાગે છેલ્લું બાળક ઘેર જાય.  સખત ઠંડી કે પવન ફૂંકાતો હોય, ત્યારે છોકરાંઓને ઘરની બહાર કાઢવાને બદલે હું એમને બારી પાસે બેસાડું, અને પછી અમારી ગાડીઓ ગણવાની રમત શરૂ થાય.  જુદા જુદા રંગની અને જુદા જુદા આકારની ગાડીઓ ગણવાની. આજે સાડા ત્રણ દાયકા પછી ય ગ્રાન્ડ ચિલ્ડ્ર્ન સાથે મુસાફરીમાં આ અમારી મુખ્ય રમત રહી છે. 

     આખો દિવસ પાંચ છ બાળકો સાથે કાંઈ ને કાંઈ પ્રવૃત્તિ તો કરવી જ પડે ને? એટલે અમારાં ખેલન અને નૈયા સહિત બીજાં બાળકોને હું  ‘ગોળ ગોળ ધાણી, ઈત્તે ઈત્તે પાણી.’ અને ‘મગર તલાવડી વાંદરાની પૂંછ લાંબી’ જેવી સર્કલ ટાઈમની રમતો રમાડતી. 

    આને સર્કલ ટાઈમ ગેઇમ્સ કહેવાય તેની મને ખબર નહોતી.  હું તો એ જ રમતો રમાડતી હતી; જે નાનપણમાં અમે રમ્યાં હતાં. બેબી સિટિંગમાં આવતાં બાળકોને જયારે હું આવી રમતો રમાડતી હતી, એ સમયે મને કલ્પના પણ નહોતી કે માત્ર ચાર પાંચ વર્ષમાં જ અમે અમારું બાલમંદિર શરૂ કરવાનાં છીએ. 

    પાછળથી આ અને આવી અનેક રમતો અને આપણાં બાળગીતોને અહીંના સમાજને અનુરૂપ અંગ્રેજીમાં અનુવાદ  કરતાં કરતાં, પ્રિ-સ્કૂલ ટીચર્સ ટ્રેનિંગમાં હું શીખવાડવા જવાની છું-  તેનોયે મને સ્વપ્નેય ખ્યાલ નહોતો!  એ બધાં જોડકણાં, બાલ ગીતો , રમતો અને બાળકો સાથે બનાવી શકાય તેવા ક્રાફ્ટ્સ વિષે ક્યારેક વાત કરીશું .

    દેશમાં, જિંદગીને માણવા, સફળ બનાવવા, એક યુવાન દંપતી તરીકે  અમે જામનગરમાં અને અમદાવાદમાં ખૂબ મથ્યાં હતાં.   પણ એક મિકેનિકલ એન્જીનિઅર અને ગુજરાતીના લેક્ચરર જેવાં ભણેલ ગણેલ અમને જીવનમાં સંઘર્ષ વધુ ને સફળતા ઓછી મળ્યાં હતાં. (જો કે આ પણ એક અભિપ્રાય જ છે. અહીં અમેરિકામાં વતનથી આટલે દૂર, ઘર બદલવાં, પારકાં છોકરાંઓને આખ્ખો દિવસ સંભાળવા, નાનાં બાળકોને ઊંચકવા અને કમરેથી વાંકા વળીને પારણામાં સુવડાવવાં ,તેમનાં ડાયપરો બદલવાં, આખો દિવસ વાસણના ઢગલા સાફ કરવા, ઘરના આંગણાંનો સ્નો સાફ કરવો, શિકાગોની કાતિલ ઠંડી સહન કરવી વગેરે વગેરેને શું તમે સંઘર્ષ ના કહો ?

      માટે જ કોઈ ડાહ્યા માણસે કહ્યું છે કે,

      સુખ અને દુઃખ સૌથી પહેલાં તમારાં મનમાં ઉદ્ભવે છે.  જો તમે મુશ્કેલીઓને દુઃખ ગણશો તો એ દુઃખ જ રહેશે. પણ એને પડકાર સમજીને સુલઝાવવા પ્રયત્ન કરશો તો શક્ય છે કેડી આપોઆપ જડી જશે.

      અમને અમારાં આ ગ્રીન હાઉસમાં બધું સરસ જ લાગતું હતું. એનાં બારી બારણાનો રંગ મેંદી જેવો લીલો હોવાથી અમે એનું નામ ગ્રીનહાઉસ પાડેલું.  આ જગ્યાએ મારી બાળકોને ઉછેરવાની – સંભાળવાની ફિલોસોફી ધીમે ધીમે સ્પષ્ટ થતી જતી હતી. એક ઉદાહરણ તરીકે : બાળકના ઉછેરમાં માતાનો સીધો ફાળો હોય છે, પણ એ માતા મા સિવાય એક વ્યક્તિ પણ છે - એ સમાજ ઘણી વાર ભૂલી જાય છે.

     એક દિવસ રાતે દસેક વાગે અમારે ઘરે આવતા એન્થનીની મમ્મીનો ફોન આવ્યો. એન્થની દશેક મહિનાનો તંદુરસ્ત બાંધાનો, રુષ્ટપુષ્ટ બાબો હતો. એની મમ્મી હોસ્પિટલમાં સેકન્ડ શિફ્ટમાં નર્સ તરીકે નોકરી કરતી હતી. બપોરે અઢી વાગે એન્થનીને અમારી ઘેર મૂકીને રાતે સાડા અગિયારે પાછી આવે. આગલા દિવસે એ છેક રાતે બાર વાગે એન્થનીને લેવા આવેલી.

     “સોરી, મારી ગાડી ઠંડીમાં બંધ પડી ગઈ છે,  અને રોડ સાઈડ (ગાડીના ઇન્સ્યોરન્સ કમ્પની)ની મદદ મળે એટલે હું આવું છું” એણે કહેલું.

    " કાંઈ વાંધો નહીં."  મેં કહેલું.

      એકલા હાથે બાળક ઉછેરવું કેટલું અઘરું છે તે હું થોડા મહિનાના મારાં બેબીસિટિંગ જોબમાં અનુભવી રહી હતી.  તેમાં હવે શિયાળો  શરૂ થઇ ગયો હતો. 

      તે દિવસે એનો બીજો દિવસ હતો. એ દિવસે શિકાગોમાં સખત ઠંડી હતી અને બધાંનાં ઘરોમાં હીટર કદાચ ધમધોકાર ચાલતાં  હશે. ક્યાંક મોટી આગ લાગી હશે અને એને કારણે અકસ્માતના ઘણા કેસ એન્થનીની મમ્મીની હોસ્પિટલમાં આવી રહ્યાં હતાં. એનો અર્થ એ થયો કે એનાથી સમયસર આવી શકાશે નહીં. એણે મને સહેજ અચકાતાં કહ્યું કે,"આજની રાત સખત મોડું થાય તેમ લાગે છે. ઇમરજન્સી રૂમમાં ઘાયલ દર્દીઓની યોગ્ય વ્યવસ્થા થાય કે, તરત જ હું અહીંથી નીકળી જઈશ’."

     બાર વાગે ફરીથી ફોન આવ્યો: "સોરી!  વધારે મોડું થશે."  એણે ફોન પર દિલગીરી વ્યક્ત કરતાં મારી માફી માંગી.

    "તમે અહીંની ચિંતા કર્યા વિના દર્દીઓને જરૂરી સારવાર  આપીને શાંતિથી આવજો."  મેં આશ્વાશન આપતાં કહ્યું.

     કોઈ પણ મા-બાપ માટે જિંદગીમાં સૌથી મહત્વનું કોઈ હોય તો તે એમનું બાળક છે. એમને સાચવવા સારી સીટર  મળે અને એ ટકી રહે તે એમની નંબર વન પ્રાયોરિટી હોય છે. નોકરીમાં પ્રમોશ ના મળે તો ચાલે, માત્ર નોકરી ટકી રહે એટલે બસ.  ક્યારેક તો વળી હેલ્થ ઇન્સ્યોરન્સ ચાલુ રહે તે માટે પણ નોકરીની જરૂર હોય છે.  અને નોકરી ટકાવવા બાળક માટે સારી બેબીસીટર જોઈએ.  ‘ મારુ બાળક સહીસલામત અને આંનદમાં રહે’ એ જ મા બાપ ની ઈચ્છા હોય.

      એન્થનીની મમ્મીને ખબર હતી કે અમુક બાળકો મારે ઘેર વહેલી સવારે સાડાછ સાત વાગે આવતાં હતાં. આખો દિવસ છોકરાંઓ સાથે મારે પણ ખાસ્સી દોડાદોડી રહેતી. જો કે એ તો મારું કામ હતું; મેં સ્વેચ્છાએ તે સ્વીકાર્યું હતું; અને બદલામાં મને વળતર પણ મળતું હતું.

     સાચું કહું? આ મારું ગમતું કામ હતું. અને સૌથી વધારે મહત્વનું તો એ હતું ,કે મારાં બાળકોને હું મારી મરજી પ્રમાણે ઉછેરી શકતી હતી.  ડે કેર છોડયા પછી અમારાં બન્ને બાળકોમાંથી પેલું ચીડિયાપણું ય અદ્રશ્ય થઇ ગયું હતું. 

     છેક રાત્રે ત્રણ વાગે એ રસોડાના, પાછળના બારણેથી આવી. મેં બારણું ખોલ્યું એટલે હાંફળીફાંફળી એન્થનીના પારણાં તરફ જતી હતી, તેને મેં રોકી. એકદમ એ રડમસ થઇ ગઈ. 

     “એક મિનિટ , મારે તમને કાંઈ પૂછવું છે. ! મેં કહ્યું; “ આટલું બધું મોડું થયું છે અને સ્વાભાવિક છે કે થાક પણ લાગ્યો હશે; તમે જમ્યાં?”

    " ના; જમવાનું તો બાજુએ રહ્યું. કાફેટેરિયાએ બંધ હોય ને? પણ કોફી પીવાનોયે ટાઈમ ના મળ્યો. ”

     “બસ, તો પહેલાં અહીં જમી લો!” સ્ટવ ઉપર મોટા તપેલામાં મેં બીજાં દિવસ માટે સૂપ બનાવેલો તે આપ્યો અને ધીમા સ્વરે અમે નિરાંતે દશેક મિનિટ વાતો કરી. એન્થનીની મમ્મી એ ક્ષણથી મારી મિત્ર બની ગઈ હતી. અમદાવાદમાં ઘણી વખત કોઈ સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવવા આવ્યું હોય અને અમારાં ઘરે રોકાયું હોય તેવું મેં જોયું હતું. આજે સૌની સારવાર કરનાર નર્સને થોડી હૂંફની જરૂર હતી. 

    ભવિષ્યમાં ત્રણ બાળકોની મમ્મી બન્યા પછી પણ એ મારી સાથે મૈત્રીની દોર ચાલુ રાખવાની હતી. એ રાત્રે એણે મને અંતરથી આશીર્વાદ આપ્યાં હશે કારણ કે, માત્ર આઠ જ મહિના એ ભાડાના ઘરમાં રહ્યાં પછી જુલાઈ ૧૯૮૪ અમે અમેરિકામાં અમારું પહેલું અને અમારાં જીવનનું સૌથી પહેલું ઘર લીધું .

     આપણે બાળકોની આંગળી પકડીને એમને ચાલતાં શીખવાડીએ છીએ. પણ એમની આંગળી પકડીએ છીએ ત્યારે એ આપણને જીવનનો રાહ ચીંધે છે. 

       બસ , વાત્સલ્યની એ વેલડી પર હવે કળીઓ ખીલવા માંડી હતી. 

'બેઠક'  પર તેમના લેખ આ રહ્યા. 


નીચેના પહેલા વિડિયોમાં ૪૨ રમતો જોઈ શકશો !

-- -- --
-- --

One thought on “પ્રયત્ન અને પરિણામ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *