- અજય ઓઝા
રોલ નંબર તેર..
‘યસ સર.’ રેખા હતી એ. મેં જોયું કે સતત દસ દિવસના વિરામ બાદ એ આજે ભણવા આવી હતી.
મેં એને પાસે બોલાવી, ‘કેમ આટલા દિવસ ગેરહાજર રહી બેટા ?’
એ કશું બોલી જ નહીં. જવાબ આપવાની એને ફાવટ જ નથી. કદાચ બીમાર પડી હશે એમ ધારીને મેં એને વધુ સવાલો પૂછવાનું માંડી વાળ્યું.
એનું પ્રોફાઈલ પહેલા ધોરણના વખતનું રાખેલું. હું હમેશા એવો ફોટો રાખું કે જોવાથી એની સાથે જોડાયેલી મહત્વપૂર્ણ કોઈ બાબત હોય તો તરત યાદ આવી જાય. અહીં રેખાના ફોટામાં ખભે દફતર બેગ ચડાવેલું જોયું ને મને શાળામાં એના પ્રવેશનો બીજો દિવસ યાદ આવી ગયો.
એ દિવસે તો મને તેનું નામ પણ આવડતું નહોતું. વર્ગમાં આવી ભારે ચહેરે એક બાજુ ઊભી રહી. મેં બેસવા કહ્યું, પણ બેઠી નહીં. ફરી કહ્યું તો એણે સાચો-ખોટો પ્રયત્ન કર્યો પણ બેઠી નહીં. શાળામાં બીજો જ દિવસ હોવાને કારણે એને માટે કદાચ બધું અજાણ્યું પડી રહ્યું હશે, એમ મને લાગ્યું. મેં એને મરજી અનુસાર ઊભા રહેતા અટકાવી નહીં. દબાણ કરીશ તો કાલે ભણવા જ નહીં આવે એવી મને પણ બીક રહે.
રીસેસ પડી, ને એ દફતર ખભે જ રાખીને નિકળી ગઈ. એને દફતર વર્ગમાં મૂકવામાં હજુ ભરોસો પડતો નહીં હોય એ મને સમજાયું. મેં એને એમ જ જવા દીધી.
બહાર પણ મુંઝાયેલી હોય એમ એક તરફ ઊભી રહી. હું પણ મારા કામે લાગ્યો. પણ થોડી વાર પછી એ રડવા લાગી. એની આસપાસ બીજા વિદ્યાર્થીઓ એકઠા થયા, એટલે અન્ય શિક્ષકો પણ આવી ગયા. હું પણ રેખા પાસે પહોંચ્યોં. એ અક્ક્ડ થઈ ઊભા ઊભા રડી રહી હતી. એનું રડવું અમારા આવવાથી વધુ બુલંદ થતુ ગયું. હવે એક મારા સાથી શિક્ષકને વિચાર આવ્યો કે આનું રડવાનું કારણ કંઈક અલગ તો નહીં હોય ને ? તેમણે ધ્યાનથી જોયું ને તરત જ સમજાઈ ગયું.
રેખાના મમ્મીએ તેને તૈયાર કરી શાળાએ મોકલી ત્યારે ખભેથી દફતર સરી ન પડે એ માટે બન્ને બાજુના પટ્ટા એવા તો કસોકસ બાંધી દીધેલા કે હવે એ પોતે પણ ખભેથી દફતર ઉતારી શકે એમ નહોતી. એને જાતે તો એ પટ્ટા ઢીલા કરતા ક્યાંથી આવડે ? એવું તો એની મમ્મીએ પણ નહીં વિચાર્યું હોય! એટલું જ નહીં જો એ ઉતારવા વધારે ભીંસ કરી જોર કરે તો પટ્ટાનું દબાણ ગરદન સુધી આવે ને શ્વાસ પણ રુંધાય શકે એવી પરિસ્થિતિ થઈ હતી. એ જોતા અમે તાત્કાલિક એના પટ્ટા ખોલ્યા ને દફતર ઉતરતા જ એ હળવીફૂલ થઈ ગઈ.
પછી તો તેની મમ્મીને બોલાવીને સમજાવ્યું કે, પહેલા ધોરણમાં દફતરની જરુર જ હોતી નથી, એમ છતાં તમે મોકલો તો પણ આટલું ફીટ કરવાનું તો રહેવા જ દેજો, એ કારણે રેખા બોલી પણ શકતી નહોતી.
‘આટલું ફીટ કરવાનું તો રહેવા જ દેજો, એ કારણે રેખા બોલી પણ શકતી નહોતી’
.
.ઘણાને આ વાતની કલ્પના ન હોય !આભાર