- નિરંજન મહેતા
કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી
આપણે જાણીએ છીએ કે કૂતરાની પૂંછડી હંમેશા વાંકી ને વાંકી જ રહેવાની. ગમે તેટલા પ્રયત્નો કરો તો પણ તે સીધી નહિ થાય. લોખંડની પાઈપમાં રાખો તો પણ.
આ જ વાત તે લોકો માટે વપરાય છે, જે ગમે તેટલું સમજાવીએ તો પણ પોતાની વાતને વળગી રહે છે. સત્ય હકીકતની સમજ તો પડે છે. પણ 'હું જે કહું છું તે સાચું છે.' એમ કહ્યા કરશે. અથવા 'તમે મને કહેવાવાળા કોણ?' એમ કહી પોતાના અહંને કારણે તે સત્ય નહીં સ્વીકારે.
એક દ્રષ્ટાંત જોઈએ.
લોકો પુલ પરથી ન જતાં રેલ્વેના પાટા ઓળંગીને જાય છે. તમે તેમને અટકાવો તો પણ, તે પોતાની ટેવ નહીં સુધારે. ભલે પછી જાનનું જોખમ હોય.
તે જ રીતે બાળકોને પરીક્ષાની તૈયારી માટે છેક સુધી રાહ ન જોતાં શરૂઆતથી તૈયારી કરવાનું કહીએ; તો પણ પોતાની રીતે જ રહેશે. છેલ્લી ઘડીએ જે બોજો આવશે તેની જાણ નથી હોતી. આને કારણે કાં તો અપૂરતી તૈયારી થાય યા સરખી તૈયારી ન પણ થાય. પરિણામે પાસ થાય તો પણ નીચેના સ્તરે. જો વખતસર સરખી તૈયારી કરી હોય તો પરિણામ જુદું જ હોવાનું પણ કોણ માને? કારણ....
કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી!