- ચિરાગ પટેલ
મનુષ્ય પહેલાં વાનર હતો.
વાનર પહેલાં મહાકાય પ્રાણીઓ જેવા કે ડાયનૉસૉર હતાં.
પ્રાણીઓ પહેલાં વનસ્પતિ હતી.
વનસ્પતિ પહેલાં ફૂગ અને લીલ હતી.
ફૂગ અને લીલ પહેલાં બૅક્ટેરિયા હતાં.
બૅક્ટેરિયા પહેલાં વાયરસ હતાં.
વાયરસ પહેલાં સમુદ્ર હતો.
સમુદ્ર પહેલાં લાવા હતો.
લાવા પહેલાં સૂર્ય હતો.
સૂર્ય પહેલાં હાઇડ્રોજનનું વાદળ હતું.
હાઇડ્રોજનના વાદળ પહેલાં પ્રકાશ હતો.
પ્રકાશ પહેલાં નાદ હતો.
નાદ પહેલાં વાયુ હતો.
વાયુ પહેલા ક્વાર્કનું ફીણ હતું.
ક્વાર્કના ફીણ પહેલા ક્વાર્કનું પ્રવાહી હતું.
ક્વાર્કના પ્રવાહી પહેલા અંધકાર હતો.
અંધકાર પહેલા સમય હતો.
સમય પહેલા અક્ષર બીજ હતું.
અક્ષર બીજ પહેલા જૂનું કોઈ બ્રહ્માંડ હતું.
એ બ્રહ્માંડ એની પહેલાના અક્ષર બીજથી બન્યું હતું.
આ ચક્રની શરૂઆત કોણે કરી?
ૐ અને રુદ્ર કે શિવમાંથી પહેલું અક્ષર બીજ બન્યું.
(અથર્વશિર ઉપનિષદ પર આધારિત)
આ પોસ્ટ બનાવતાં એક કલ્પના યાદ આવી ગઈ -
પ્રચંડ ધડાકો – બીગ બેન્ગ
આશરે 1,370 કરોડ વર્ષ પહેલાં
એ કોઈ ગૂઢ, ન સમજી શકાય તેવી સ્થિતિ હતી. સમગ્ર બ્રહ્માંડ એક જ બિંદુ ઉપર કેન્દ્રિત થયેલું હતું. તેમાં દ્રવ્ય ખીચોખીચ ભરેલું હતું. આંકડા વડે દર્શાવી ન શકાય એટલું પ્રચંડ તેનું વજન હતું. કોઈ પણ પદાર્થ ખમી ન શકે એટલું તેનું ઉષ્ણતામાન હતું. અને એ બિંદુની બહાર કેવળ શૂન્યાવકાશ હતું – એટલે કે ત્યાં કશું જ ન હતું. તેનું ઉષ્ણતામાન શૂન્ય અંશ કેલ્વિન હતું ( -૨૭૩ અંશ સે.) - જેનાથી વધારે ઓછું તાપમાન શક્ય જ ન હોય તેટલું. અને આ બન્ને, સાવ વિભિન્ન હોવાપણાંને અલગ રાખતું એક અદ્રશ્ય, અને જડ આવરણ પણ હતું જ.
અથવા આનાથી સાવ વિપરિત ( વિરોધી) કાંઈક હતું. એટલે કે સમસ્ત જગત પ્રચંડ વજનના, ઠંડાગાર દ્રવ્યથી ભરેલું હતું અને તેના કેન્દ્રમાં કેવળ ધગધગતું શૂન્ય હતું – કોઈ કદ વિનાનું, ઉષ્ણાતિઉષ્ણ, બળબળતું અને ધગધગતું, અનસ્તિત્વ( ન હોવાની સ્થિતિ).
એ આમ હતું કે તેમ હતું; હોવાપણું હતું કે ન હોવાપણું; તેની ચકાસણી કરી શકે તેવું કોઈ પણ હાજર ન હતું.
પણ આવું કશુંક, અનાદિ કાળથી, બ્રહ્માંડના ગર્ભમાં લપાઈને, સૂતેલું, પડેલું હતું. ત્યાં કે ક્યાંય, તે સમયે કે તે પહેલાંના સમયે, કશું બનતું ન હતું. ત્યાં હોવાપણું કે બનવાપણું પણ ન હતું. કોઈ પરિવર્તન વિનાની એ કેવળ જડતા હતી.
અને ત્યાં કશુંક થયું.
- શું થયું?
- શા માટે થયું?
- કોણે કર્યું?
- ક્યારે કર્યું?
- કઈ રીતે કર્યું?
આવા કોઈ પ્રશ્ન પૂછી શકે તેવું કે, એ પ્રશ્નના ઉત્તર આપી શકે તેવું પણ કોઈ ન હતું.
પણ કશુંક થયું તો ખરું જ!
અને ક્ષણાર્ધમાં એ સમગ્ર હોવાપણું, કે ન હોવાપણું પરિવર્તનના ન થંભી શકે તેવા ચકરાવે ચઢી ગયું. કોઈ અજ્ઞાત તત્વની પ્રચ્છન્ન અભિપ્સાના બળે ( છુપાયેલી ઇચ્છા) આમ થયું. અને જ્યાં કશું જ ન હતું એમાંથી સતત, પ્રચંડ માત્રામાં, બળબળતા દ્રવ્યરાશિઓ (વજનદાર પથ્થર) ફેંકાવા માંડી. હવે એ જડ હોવાપણું અપરિવર્તનશીલ સ્થિતિને ક્ષણાર્ધ માટે પણ ટકાવી શકે તેમ ન હતું.
પ્રત્યેક ક્ષણે, પ્રચંડકાય ( મોટા કદ વાળી), બળબળતા વાયુની બનેલી, નિહારિકાઓ, ચકરાવા ખાતી ખાતી, તીવ્ર વેગે, એ બિંદુમાંથી બહાર ફેંકાઈ રહી હતી અને દૂર ને દૂર સરતી જતી હતી. હવે તેમને એકમેક સાથે આકર્ષાતી રાખનાર, ગુરુત્વાકર્ષણ બળ પણ જન્મ લઈ ચૂક્યું હતું. આ ભેગા રાખનાર બળને અતિક્રમીને(ઉથાપીને) એમની પ્રચંડ ગતિને કાયમી કરતું – હર ક્ષણ એ બહિર્મુખ( બહારની બાજુ) ગતિને વધારતું – કોઈ અજ્ઞાત બળ પણ સર્જાઈ ચુક્યું હતું.
- પૃથ્વીથી 2.8 કરોડ પ્રકાશવર્ષ દૂર
- વ્યાસ – 50,000 પ્રકાશ વર્ષ
- તારાઓની સંખ્યા આશરે 80,000 કરોડ!
અસ્તિત્વવાળા ( હોય તેવું) બ્રહ્માંડનો જન્મ થઈ ચૂક્યો હતો.
પરિવર્તનની ન રોકી શકાય તેવી ઘટના આકાર લઈ ચૂકી હતી.
સુંદર શ્રેણી. થોડામાં ઘણું વિચારતા કરી દીધા. આભાર
મળ્યા નથી પણ અંગત લાગે તેવા ભાઇ ચિરાગના આગમન અને લેખ માણી ધન્ય થયા.
સુંદર લેખ બે ત્રણવાર માણ્યો…સમજવા પ્ર્યત્ન કર્યો.
શૂન્યાવકાશમાં કંપનો લાવી સર્જન. સકારાત્મક અને નકારાત્મક પરિબળોને સમાન રાખી… કોઇ પણ સર્જન માટે પ્રથમ એની કલ્પના કરવી અનિવાર્ય છે. એ ચૈતન્યએ કલ્પના કરી અવિરત સર્જન શરૂ કર્યું.. એકમાંથી બે થયા – ચૈતન્ય અને શક્તિ.. પરિવર્તનશીલ શક્તિ અને અટલ દ્રષ્ટા. સ્વયં રચયિતા. સ્વયં રચના. સ્વયં દ્રષ્ટા. સંપૂર્ણ દ્વારા સ્વયંના અસંખ્ય અપૂર્ણ ભાગોનો જન્મ. ત્રિગુણાત્મક સૃષ્ટિની રચના. બ્રહ્માંડ – દરેકે દરેક અંડમાં એક જ બ્રહ્મનો વાસ – પણ બહાર સપાટી પર દરેકે દરેક ભાગ અજોડ. આમ ઐક્ય અને વિવિધતાનું અસ્તિત્વ એકીસાથે. એ ક્ષણથી ચાલ્યું આવતું અવિરત પરિવર્તન. એને જોનાર અચલ દ્રષ્ટા. શિવ અને શક્તિનો આ અવિરત ખેલ. અસ્તિત્વ – અનુભવ – અભિવ્યક્તિ – ઉત્ક્રાંતિ.
શુન્યમાંથી શબ્દ બ્રહ્મની સાથે નાદ બિન્દુ ઓંકાર
આદ્યભવાની ઉપન્યા તેદી મહી તણાં મંડાણ
પાણીમાંથી પેદા કીધા માયાના પડદા દીધા.
રજમાંથી શ્રી બ્રહ્મ બનાવ્યા સત્વમાંથી શ્રી શ્યામ
તમમાંથી ત્રિપુરી પોતે પ્રગટ્યા આપો આપ… …એન્ટિમેટરને સ્પેર કરવા માટે ખૂબ જ ઓછા તાપમાન તેમજ વિદ્યુત-ચુંબકીય તંત્ર જરૂરી છે પરંતુ આ એન્ટિમેટરનો ઉપયોગ માનવ જાતને સુખ-સુવિધાઓ માટે થઇ શકે છે.તબીબીઓ અત્યારે પોઝીટ્રોન ઇમિશન ટોમોગ્રાફી-પીઇટી તરીકે ઓળખાય છે. તેમાં રેડિયો એકટિવ પદાર્થોના ક્ષયથી આવા એન્ટિ પાર્ટીકલ કણો ઉત્પન્ન કરીને દર્દોની જાણકારી મેળવી શકાય છે.
ઉપરાંત રોકેટના બળતણ માટે તેનો ઉપયોગ કરી શકાય છે. એક ગ્રામ એન્ટિમેટરમાંથી ર૩ સ્પેસ સટલને બળતણ પુરુ પાડી શકાય છે. તેના ગામાકિરણો પેદા કરી શકાય છે.બાકી જેમ જેમ ચિંતન કરતા જઇએ તેમ લાગે જાણે કશું જ જાણતા નથી !
મા શ્રી વિક્રમજીની કોમેંટ પર નજર પડતા વિચાર આવે કે-‘ મનુષ્ય પહેલાં વાનર હતો.માફ કરશો. આ માન્યતા ખોટી છે.’ જો અનુમાન ઉપરથીજ સત્ય તારવવુ હોય તો એક અનુમાન એવુ પણ કરી શકાય કે મનુષ્યો કોઈ બીજા ગ્રહમાંથી અહીં આવ્યા છે અને અકસ્માતે તેમના યાન બગડીજવાથી પ્રુથ્વિ ઉપરજ રહી ગયા હોય, અને એમાંથી ધરતી ઉપર મનુષ્યો નુ વિસ્તરણ થયુ હોય…!
મનુષ્ય પહેલાં વાનર હતો.
માફ કરશો. આ માન્યતા ખોટી છે. વાનર આપણાં પુર્વજ નહીં પણ પીતરાઈ છે. ચીપાન્ઝી આપણાં સૌથી નજીકના અને ગોરીલા સૌથી દુરના પીતરાઈ છે.