- કલ્પના દેસાઈ
http://listverse.com/2009/05/05/another-10-bizarre-traditions/https://www.atlasobscura.com/places/colina-gravitacional-gravity-hill
https://www.atlasobscura.com/places/magowans-infinite-mirror-maze
દુનિયાને ખૂણે ખાંચરે ફરતાં આપણને જાતજાતની અજાયબીઓ જોવા–જાણવાની મળતી રહે.
૧) વેનેઝુએલા અને બ્રાઝિલમાં ‘યનોમામો’(મામો!) નામે વિશાળ સંખ્યામાં આદિવાસીઓ રહે છે, જેમને હજી શહેરની હવા નથી લાગી. મોબાઈલ કે પિત્ઝા કદાચ એ લોકો ક્યારેય નહીં જુએ. એમના ચિત્રવિચિત્ર રિવાજો એમને એટલાં સજ્જડ બાંધીને રાખશે ને કે બહારની હવાને પણ એ લોકો પ્રવેશ નહીં આપે.
એમનામાં રિવાજ છે કે, પરિવારમાં કોઈનું મોત થાય તો એનો એક પણ અવશેષ આ ધરતી પર, એટલે કે એમના ઘરમાં રહેવો ન જોઈએ. એટલે જ એ લોકો મૃતકના શરીરને બાળતી વખતે એના હાડકાંનો પણ ચૂરો કરી નાંખે. પછી? પછી એ બધું પરિવારના સભ્યોમાં સરખે ભાગે વહેંચાઈ જાય! સાચવવા માટે? ના રે, ખાવા માટે! સરખે ભાગે વહેંચાયેલા અવશેષનું વાસણ પણ નાશ પામે તેની કાળજી રખાય. આ બધા વહેમ પાછળ એવું કારણ છે કે એવું એ લોકો માને છે, કે બીજી જાતિના લોકો મૃતકનું બૂરું થાય એવું ઈચ્છતા હતા. આવી માન્યતાને કારણે બધી જાતિઓ એકબીજા સાથે દુશ્મન બનીને જ બેઠી હોય. તમે અમારું બૂરું કરો, અમે તમારું ધનોતપનોત કાઢી નાંખશું.
એ લોકોને આપણી પેલી કહેવત, ‘જેવા સાથે તેવા’ કેવી રીતે ખબર? કોણ જાણે, પણ આ રિવાજ તો બહુ ખોટો. દુશ્મની ખતમ જ ન થાય ને પેલું અવારનવાર ખાતાં જ રહેવું પડે!
૨) મેક્સિકોના લિયોન નામના પરામાં એક ટેકરી એવી છે, જ્યાં તમે કાર લઈને જાઓ અને કારને ન્યુટ્રલ ગિયરમાં રાખો, તો કાર ટેકરીનો ઢોળાવ ઉતરવાને બદલે ફરી ઊંધી દિશામાં જવા માંડશે. એટલે કે રિવર્સ ગિયરમાં ના હોવા છતાં કાર પાછલે ટાયરે તમને ફરી ઉપરની તરફ લઈ જશે. રખે માનતા કે દૂર બેઠા બેઠા કોઈ ગુંડાટોળી તમને ખેંચી લે છે કે કોઈ જાદુઈ રસ્તા પર તમે પહોંચી ગયાં છો અથવા કોઈ અદ્શ્ય આત્મા તમને પોતાની તરફ ખેંચી રહ્યો છે!
આવું ફક્ત કાર સાથે જ નથી થતું, તમે રસ્તા પર પાણી ઢોળો કે લખોટી ગબડાવો, એય તમને ઉપર જતાં જ દેખાશે. અહીં ગુરુત્વાકર્ષણ નામનું કોઈ આકર્ષણ કામ જ નથી કરતું.
ખરેખર તો આ દ્રષ્ટિભ્રમ છે! મૃગજળ જેવું જ. આજુબાજુના કુદરતી દ્રશ્યો મગજને ને આંખોને એવાં ભ્રમમાં નાંખી દે કે આપણેય બે ચાર ઘડી ઊંધી કારમાં ફરી આવીએ.
૩) નાનપણના મેળા યાદ છે? જાતજાતના ખેલ અને ખાણીપીણીના આનંદ સાથે દરેક મેળામાં એક તંબુ એવો રહેતો જ્યાં જાતજાતના અરીસા મૂકેલા હોય. એ આખા તંબુમાં લોકો સતત હસતા જ દેખાય ને એકબીજાને બોલાવતાં સંભળાય. કોઈ અરીસામાં આપણે સાવ પાતળા દેખાઈએ તો કોઈમાં એકદમ જાડા! કોઈ અરીસામાં હસીએ તો આપણા દાંત મોટા મોટા હોય, જાણે રાક્ષસ! આ બધી ભવિષ્યની ચેતવણીઓ હતી પણ આપણે બહુ ગંભીરતાથી નહોતી લીધી એટલે અમુક વરસો પછી લોકો ખરેખર જ એવા દેખાવા માંડ્યા.
ખેર, સાન ફ્રાન્સિસ્કોમાં એક ભોંયતળિયા સાથેનું એક મકાન ખાસ આવા અગણિત અરીસાઓથી લોકોને આકર્ષે છે. ભોંયતળિયામાં લાઈટ ને સાઉન્ડ સિસ્ટમ ગોઠવી છે અને ઉપર અરીસાઓની ગોઠવણ એ રીતની છે, કે એક વાર તમે એ માયાવીનગરીમાં દાખલ થાઓ પછી હાથ પહોળા કરીને ગબડતાં ગબડતાં ને હસતાં હસતાં ચીસાચીસ ન કરો તો તમને ટિકિટના પાંચ ડૉલર પાછા મળી જાય.
લોકો અહીં નાના બાળકની જેમ રમવા, ગબડવા, ખુશી મેળવવા ને ખુશી વહેંચવા પણ જાય છે. દિવાલો સાથે કે અરીસા સાથે માથાં ઠોકાવાનું તો બહુ સામાન્ય છે. લોકો અરીસામાં જોઈને એકબીજાને પૂછતાં ફરે, ‘તમે સાચે જ અહીં છો કે આ તમારું પ્રતિબિંબ છે?’ મને તો લાગે છે, કે દરેકે પોતાના ઘરમાં જ આવા બે ચાર અરીસા રાખી લેવાના. મૂડ ઓફ થઈ ગયો? અરીસા સામે ઊભા રહી જાઓ ને પૂછો, ‘તમે સાચે જ છો કે આ તમારું પ્રતિબિંબ છે?’
નોંધ - નીચેના કોઈ પણ ચિત્ર પર ક્લિક કરી નવી વિન્ડોમાં મોટું જુઓ. ફરી ક્લિક કરી અહીં પાછા આવી જાઓ.