- કલ્પના દેસાઈ
http://www.huffingtonpost.in/entry/weird-christmas-gifts-2017_us_5a1ede79e4b017a311ebaf05
http://weirdrussia.com/2014/11/26/passengers-had-to-push-frozen-aircraft-in-siberia/
http://weirdrussia.com/2017/03/15/an-outdated-dental-clinic-in-moscow-region/
૧) જોર લગાકે હઈસા!
કામ ન કરતાં કે કામમાં ઢીલ રાખતાં કે આળસુની જેમ બેસી રહેલાં લોકોને પ્રાય: શાબ્દિક ધક્કા મારવા પડતા હોય છે. પરીક્ષા વખતે તો ઘણા વિદ્યાર્થીઓને ધક્કા મારવા જ પડે. પણ આજે વાત વાહનને ધક્કા મારવાની કરીએ.
આપણને સૌને કાર બંધ પડી જાય તો પેટ્રોલ ને પંક્ચર ચેક કર્યા પછી એને ધક્કો મારવાનો વિચાર પહેલાં આવે, કદાચ એકાદ બે ધક્કાથી ચાલુય થઈ જાય! જો કે, રશિયામાં એક વાર મુસાફરોએ પ્લેનને ધક્કો મારીને ચલાવેલું! એમ કંઈ પ્લેનને ધક્કો મારીને ઊડાડી તો ના શકાતે પણ પ્લેનને ધક્કો કેમ મારવો પડ્યો? તો વાત એમ બનેલી, કે માઈનસ બાવન ડિગ્રી સેન્ટીગ્રેડે ઈગારકા એરપોર્ટના બરફમાં ફસી ગયેલા એરક્રાફ્ટને, મુસાફરોએ હોંશે હોંશે ધક્કા મારીને રન વે સુધી પહોંચાડી દીધેલું! જો એ લોકો ઘેર ના પહોંચત તો ઘરનાં સાથે ઝઘડો થાત અને એ કોઈને મંજૂર ના હોવાથી, સૌ એ ધક્કા–પ્લેનમાં હેમખેમ ક્રાસ્નોયાર્સ્ક પહોંચી ગયેલાં.
૨) અનોખું દંત(ગંધ)ચિકિત્સાલય
મોસ્કોથી વીસેક કિલોમીટરના અંતરે એક અનોખું ડેન્ટલ ક્લિનિક છે. એને જોયા પછી એ કેમ એવું છે તે કોઈને પણ ખ્યાલ આવી જાય! એ ક્લિનિક એકદમ સડેલા, પીળા પડી ગયેલા દાંત જેવું અને માવાની પિચકારીઓ મારી હોય એવા રેગાડાવાળા રંગનું છે! જ્યાં ને ત્યાં અર્ધા તૂટેલા ને હાલી ગયેલા દાંત જેવી દિવાલો ને ટાઈલ્સો એની શોભા વધારે છે! સ્વાભાવિક છે, કે અહીંના ડૉક્ટરો સજા રૂપે જ અહીં આવ્યા હશે, દવાઓ અને બધાં સાધનો પણ આઉટડેટેડ જ હશે. સૉરી, દવા ફક્ત બે જ વપરાશમાં છે. એક દાંતમાં સિમેન્ટ પૂરવાની અને બીજી દાંતની નજીકના એરિયાને બહેરા કરવાની. બીજી દવા પેશન્ટે પોતાના ખર્ચે લઈ જવી પડે છે. સૌથી નવાઈની વાત એ છે, કે અહીં પેશન્ટોની લાંબી લાઈન હોય છે! હવે મગજના બહેરા હશે તે જ ત્યાં જતા હશે ને?
૩) કિયો તકિયો લેશો?
શું તમને માથા નીચે તકિયો રાખીને સૂવાની ટેવ છે? શું તમારા માથા નીચેથી તકિયો ખસી જવાથી તમારી ઊંઘ બગડે છે? શું આ કારણે તમે તકિયા પર કે ઘરનાં પર બગડો છો? તો તમારા માટે આ ક્રિસમસ પર એક પરફેક્ટ ગિફ્ટ આવી છે.
આખી દુનિયામાં ક્રિસમસની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. કોઈ પણ તહેવારને ગિફ્ટ સાથે જોડી દેવાથી એ તહેવાર વધારે વહાલો લાગે છે. તો જ શુભેચ્છા પછી ને ગિફ્ટ પહેલાં એ આશયે, ગિફ્ટબજારમાં અવનવી ગિફ્ટો ઉભરાતી જ રહે છે. ફોટામાં બતાવ્યા મુજબ તકિયો હૅટની જેમ પહેરી લેવાથી તમે આરામની ઊંઘ ખેંચી શકશો. કોઈ કારણથી જો કોઈને બેભાન બનવાની બિમારી હોય તો એના માટે આ તકિયો આશીર્વાદરૂપ છે. જો કે, ફક્ત તકિયાના ભરોસે ન રહેતાં પહેલાં ડૉક્ટર પાસે જ જવું હિતમાં રહેશે.
૪) એક ખાનગી વાત છે
કોઈ પણ વાત પર ‘ખાનગી’નું લેબલ લગાવી દો, એટલે કોઈના પણ કાન ઊંચા થઈ જાય, મગજ અહીં તહીં દોડતું થઈ જાય અને ઈંતેઝારી વધતી જાય કે ખાનગી વાત કોની હશે? કઈ હશે? કોઈને કહેવા જેવી હશે કે નહીં?
ખેર, આ બધા સવાલના જવાબ રૂપે કોઈ ભેજાબાજે એક પાઈપ જેવું ભૂંગળું બનાવ્યું. બે છેડે બે જણે આ ભૂંગળામાં મોં ખોસી દેવાનું અને વાતે લાગી જવાનું. ધીરેથી બોલવાનું હં, નહીં તો આવડું મોટું ભૂંગળું જ ચાડી ખાઈ જાય કે અહીં ખાનગી વાતો ચાલે છે. પછી તો, ફરતે ટોળું ભેગું થાય કે નહીં? ફોટામાં જુઓ, આ રીતે ખાનગી વાત કરવાનું આપણને ફાવે? આપણે તો કાનમાં જ ગુસપુસ કરવા ટેવાયેલા તે આવી જફા કરતાં હોઈશું?
તો પછી ક્રિસમસમાં કઈ ગિફ્ટ લેવાનો કે આપવાનો વિચાર કર્યો?
૫) ક્રિસમસ ગિફ્ટમાં તો આય ચાલે હં!
૧) ક્રિસમસ ટ્રી સજાવવાનો સમય ના હોય અથવા તમે ઘરથી દૂર હો તો એક આઈડિયા છે. આખું ને આખું ક્રિસમસ ટ્રી જ પહેરી લો! જી હા, આ એવો ડ્રેસ છે જેના ઉપર આખું શણગારેલું ક્રિસમસ ટ્રી તમને મળી જાય. આસાનીથી પહેરીને ફરી શકાય એવું હલકુફુલકું યુનિક ટ્રી પહેરીને તમે બધે ફરી શકો ને લોકોને સારામાં સારી ભેટ આપી શકો–ખુશીની ભેટ.
આપણે એક ઉમેરો કરી શકીએ. આ ડ્રેસમાં થોડાં ખિસ્સા રાખીને અંદર નાની નાની ગિફ્ટ લઈને પણ ફરી શકાય. પપ્પા, મમ્મી ને બચ્ચાં બધ્ધાં ખુશ! આખરે ખુશી તો વહેંચવાની જ હોય ને?
૨) કોઈને ધિક્કારીને પણ દિલની આગ બુઝાવી શકાય એવું માનનારા ને જાહેરમાં બતાવનારા માટે માર્કેટમાં હાજર છે, ‘ટ્રમ્પ ટોસ્ટર’. અમેરિકાની ચુંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બહુ લોકોથી સહન નહોતી થઈ. એમના દિલમાંથી હજીય ધુમાડા નીકળ્યા કરે છે. એમની આગ પર પાણી છાંટવાનું કામ આ ટોસ્ટર કરશે.
જેવા ટોસ્ટ શેકાઈને બહાર ડોકિયાં કરે કે જલદીથી એને બહાર કાઢીને જોઈ લેવા કે ટોસ્ટરે એનું કામ બરાબર કર્યું છે કે નહીં? કારણકે ટોસ્ટની એક બાજુ પર ટ્રમ્પનો બળેલો ચહેરો હોય અને બીજી બાજુ પર લખાયું હોય, ‘યુ આર ફાયર્ડ.’ છે ને બળતરા દૂર કરવાનો કાયમનો નુસખો? ફક્ત પોસ્ટરને આગ લગાવવાથી શું થાય? એના કરતાં રોજ ટ્રમ્પને ટોસ્ટ કરો, ફાયર કરો ને કાચેકાચો નહીં પણ એને શેકીને ખાઈ જાઓ. ફક્ત પચાસ ડોલરમાં બદલાનો આનંદ માણો. ક્રિસમસ માટે આવી ગિફ્ટ પણ માર્કેટમાં છે!
૩) એમ તો અજબગજબનાં ભેજાંવાળા નવું નવું પણ કંઈક વિચિત્ર વિચાર્યા જ કરતાં હોય ત્યારે લોકોને મનોરંજન મળવાની ગેરન્ટી હોય છે. જો તમને માછલી સાથે પ્રેમ હોય, લગાવ હોય તો તમારા માટે હાજર છે–ફિશ સૅન્ડલ્સ! પગમાં માછલી પહેરી હોય અથવા તો દરિયાની ભીની ભીની રેતીમાં ઊભા હો ત્યારે માળલી તમારા પગ સાથે ગેલ કરે એવું ઈચ્છતા હો તો લે લો આ સૅન્ડલ્સ.
નોંધ - નીચેના કોઈ પણ ચિત્ર પર ક્લિક કરી નવી વિન્ડોમાં મોટું જુઓ. ફરી ક્લિક કરી અહીં પાછા આવી જાઓ.