- રાજુલ કૌશિક
આપણે સૌ જાણીએ છીએ કે જન્મ અને મરણ સુધીની યાત્રા એટલે આપણું આયખું. એમાં કેટલીય લીલી-સુકી, કેટલાય ચઢાવ-ઉતાર જોવામાં આવતા હોય. જીવનમાં કેટલાય સુખ-દુઃખ સહેવાના આવતા હોય છે નહીં? હવે આ દરેક સમયે દરેક પરિસ્થિતિ મનને ગમે એવી તો ના જ હોય ને? ગમતાનો કરીએ ગુલાલ, પણ જે ના ગમે એનું શું?
આવી જ રીતે એક માણસ અત્યંત દુઃખી હતો. એનું દુઃખ દૂર કરવાનો ઇલાજ એની પોતાની પાસે તો હતો નહીં. હવે કરવું શું? કોને પૂછવું? એવામાં એના ગામમાં એક સંત આવ્યા એટલે એ પોતાના દુઃખનો ઇલાજ શોધવા એ સંત મહાત્મા પાસે ગયો. જ્ઞાની પુરૂષે એની વાત ખૂબ શાંતિથી સાંભળી પછી એમણે એક મુઠ્ઠી મીઠું લઇને બાજુમાં પડેલા પાણીના લોટામાં એ બધુ મીઠું નાખી દીધું અને પેલા માણસને લોટાનું પાણી પીવાનું કહ્યું .
પેલા માણસે પાણી પુરુ કર્યું એટલે મહાત્માએ એને સવાલ કર્યો..
“પાણીનો સ્વાદ કેવો હતો ?”
લો બોલો ? કેવો સવાલ? મીઠું નાખેલા પાણીનો સ્વાદ વળી કેવો હોય? આની તો સૌને ખબર જ હોય ને?
મોમાં રહેલા બાકીના છેલ્લા પાણીના ઘૂંટડાને થૂ થૂ કરીને કાઢી નાખ્યો અને મો બગાડતા જવાબ આપ્યો….
“અત્યંત ખારો.”
જરાક હસીને મહાત્માએ પેલા માણસને બીજી એક વાર મુઠ્ઠી ભરીને મીઠું લેવાનું કહ્યું અને પાસેના સરોવર કિનારે લઈ ગયા. સરોવર કિનારે પહોંચીને મુઠ્ઠી ભરેલું મીઠું એ સરોવરમાં નાખી દેવા કહ્યું. હવે મોટામસ સરોવરમાં મુઠ્ઠી ભરીને મીઠું નાખો તો એ તો વળી ક્યાંય ભળી ના જાય? પેલા માણસને એવી તો નવાઈ લાગતી હતી કે આ સંત શું માંડીને બેઠા છે?
“હવે આ પાણી પી.” મહાત્માએ પેલા માણસને કહ્યું.
સરોવરમાંથી પેલા માણસે ખોબો ભરીને પાણી પીધું. મહાત્માએ પૂછ્યું ..
“કેવો હતો પાણીનો સ્વાદ?”
“સારો…..” પેલા માણસને હજુ ય સમજણ પડતી નહોતી કે, મહાત્મા પાસે તો એ પોતાના દુઃખનો ઇલાજ પૂછવા આવ્યો હતો અને એ કોઈ ભળતાં જ કામ એની પાસે કરાવતા હતાં.
મહાત્માએ ફરી એને પૂછ્યું, “તને એમાં ખારાશ લાગી?”
“ના”
હવે મુદ્દાની વાત પર આવતા મહાત્માએ એને કહ્યું …
“ આપણા જીવનમાં આવતી દુઃખદ સ્થિતિ પેલા મુઠ્ઠીભર મીઠાં જેવી છે. ન વધારે કે ન ઓછી. એની માત્રા એક સરખી હોય તો તને કેમ એના સ્વાદમાં ફરક લાગ્યો? કારણ માત્ર એટલું કે એ માત્રાનો આધાર આપણે એને ક્યાં અને કેવા પાત્રમાં ઝીલીએ છે એની પર છે. તારી પર આવતી તકલીફો માટે તું તારું સમજદારીનું પાત્ર જેટલું મોટું રાખીશ એટલી તારી જીંદગી ઓછી ખારી થશે.”
સમસ્યા કે મુશ્કેલીની પીડાનો આધાર આપણે એને કઈ રીતે જોઇએ છીએ એના પર અવલંબે છે. કોઇ એવું વિચારે કે, મારી સાથે જ કેમ આવું થાય છે? તો એ તકલીફ એને વધારે દુઃખદાયી લાગશે. કોઇ એમ વિચારે કે આવુ તો બધા સાથે શક્ય છે; અને પાણીનું મોજું આવ્યું છે એ પગ ભીના કરીને પાછું જ વળી જવાનું છે તો એનામાં હિંમત ટકી રહેશે.
સીધી વાત-
જરૂર છે પાણીનું મોજું આવે ત્યારે ત્યાં સ્થિર થઈને ઉભા રહેવાની. નદીનો પ્રવાહ પણ ક્યાં સાગર સુધી સહેલાઇથી પહોંચી શકે છે? જીવન છે ઊબડખાબડ રસ્તાઓ પરથી પસાર તો થવું જ રહ્યું. પ્રત્યેક પગલે ફૂલોની ચાદર પાથરેલી મળશે જ એવું તો ભાગ્યેજ કોઇના નસીબમાં લખાયેલું હશે. આવતી દરેક પરિસ્થિતિને તટસ્થભાવે જોઇએ અને સ્વીકારી લઈએ તો સુખ અને દુ:ખ જીરવવા સરળ થઈ જશે.
વારંવાર વાંચી ચિંતન-મનન કરવા જેવો લેખ
અને
અદભૂત વીડીયો