એક પરિવારમાં એક દાદા અને એક દાદી છે. બે માતા છે અને બે પિતા છે. ચાર સંતાન છે - બે પુત્ર અને બે પુત્રી. એક પુત્રવધુ છે. એક સાસુ અને એક સસરો છે. બે પૌત્રી અને એક પૌત્ર છે.
આ બધાને સાથે બેસી ભોજન કરવા માટે સાત આસન જ છે અને તેઓ બધા તેની ઉપર બેસી ભોજન કરે છે. કોઈ પણ વ્યક્તિ ઊભા ઊભા નથી જમતી. તેમ જ ન કોઈ વ્યક્તિ કોઈની ગોદમાં બેસીને જમે છે. તો આ કેવી રીતે શક્ય બન્યું?
પરિવારમાં એક પિતા છે અને એક માતા છે. તેમને એક પુત્ર છે અને તેને એક પત્ની, એક પુત્ર અને બે પુત્રી છે. આમ આ રીતે કુલ સાત જ વ્યક્તિ છે પણ ઉપર મુજબ જોઈએ તો પિતા, પિતા ઉપરાંત પુત્રના પુત્ર-પુત્રીઓને કારણે દાદા પણ છે અને પુત્રવધુને કારણે સસરો પણ છે. તે જ રીતે તેની પત્ની માતા ઉપરાંત પુત્રના પુત્ર-પુત્રીઓને કારણે દાદી પણ છે અને પુત્રવધુને કારણે તે સાસુ પણ છે. પુત્ર પુત્ર તો છે પણ તેને પણ પુત્ર હોવાને નાતે તે પિતા પણ છે. આમ તેના પિતા અને તે મળીને બે પિતા થાય. તે જ રીતે પુત્રવધુ ત્રણ સંતાનની મા છે એટલે માતા(સાસુ) અને તે મળીને બે મા થાય. પુત્ર અને તેના ત્રણ સંતાન મળીને કુલ ચાર સંતાન પણ થયા – બે પુત્ર અને બે પુત્રી. પુત્રના ત્રણ સંતાન એક પુત્ર અને બે પુત્રી એટલે એક પૌત્ર અને બે પૌત્રી પણ થયા.